કોઈ દિન ગર જ઼િંદગાની ઔર હૈ (શેર ૧ થી ૩)
કોઈ દિન ગર જ઼િંદગાની ઔર હૈ
અપને જી મેં હમ ને ઠાની ઔર હૈ (૧)
[જ઼િંદગાની= જીવનકાળ; જી= ચિત્ત, મન; ઠાની= નિશ્ચય કરી લેવો; ઔર= બીજું, વધારે]
રસદર્શન :
આ એક ટૂંકી, પણ સરસ મજાની ગ઼ઝલ છે. આ શેરમાં રસપ્રદ મુદ્દો ગ઼ઝલના રદીફ ‘ઔર હૈ’માં સમાવિષ્ટ છે. બોલચાલની ભાષામાં અધિક વપરાતા આ શબ્દના પાતળી ભેદરેખા ધરાવતા અર્થ ‘વધારે’,‘બીજું’ ઉપરાંત ‘જુદું જ’ કે ‘અન્ય કંઈક’ એવા અર્થ પણ મળે છે. ગ઼ાલિબ આ ‘ઔર’ શબ્દને ગ઼ઝલના દરેક શેરમાં એવી રીતે રમાડે છે કે આપણને આખીય ગ઼ઝલમાં અનન્ય લુત્ફ માણવા મળે છે. સાવ સરળ લાગતા આ શેરમાં ગ઼ાલિબે ઠાંસી ઠાંસીને અર્થભાવ ભર્યો છે. માનવજીવન સરળ નહિ, પણ સંકુલ છે. કોઈ વખતે માનવજીવન કંઈક ઔર હોય, પણ આપણે આપણા મનમાં તો કોઈ જુદો જ નિશ્ચય કે વિચાર કરી બેઠેલા હોઈએ છીએ કે આપણું જીવન તો કંઈક આવું જ હોવું જોઈએ. કહેવાય પણ છે ને કે જીવનના બધા દિવસો એક સરખા હોતા નથી, અર્થાત્ માનવી પોતાની પસંદગી મુજબનું જીવન જીવી શકે એવું હંમેશાં બનતું નથી હોતું. આ શેર પરલક્ષી છે, કેમ કે ગ઼ાલિબ પોતાના જ જીવનની વાત નથી કરતા; પરંતુ સૌ કોઈના જીવન વિષેની વાત જણાવે છે જે આપણને ‘અપને’ શબ્દથી સમજાય છે. અહીં એક બાબત નોંધનીય છે કે આ પ્રથમ શેર તો માનવજીવનને જ સ્પર્શે છે, પણ આગામી શેરમાં સંભવ છે કે આ આખીય ગ઼ઝલ કદાચને માશૂકાને અનુલક્ષીને પણ લખાઈ હોય!
આતિશ-એ-દોજ઼ખ઼ મેં યે ગર્મી કહાઁ
સોજ઼-એ-ગ઼મ-હા-એ-નિહાની ઔર હૈ (૨)
[આતિશ-એ-દોજ઼ખ઼= દોઝખની આગ; સોજ઼-એ-ગ઼મ-હા-એ-નિહાની= છૂપાં દર્દોની બળતરા-વેદના]
રસદર્શન :
ધર્મશાસ્ત્રોમાં મૃત્યુ પછીના જીવનની કલ્પના કરવામાં આવી છે. મૃત્યુ પછી પુણ્યશાળી જીવોને સ્વર્ગ કે જન્નત મળે છે અને પાપી જીવોને નર્ક કે દોઝખની યાતના વેઠવી પડતી હોય છે. જન્નતનું સુખ કે દોઝખનો ત્રાસ શાશ્વત હોય છે. આટલું સમજી લીધા પછી આપણે શેર ઉપર આવીએ. દોઝખની ભડભડતી આગમાં અસહ્ય ગરમી હોય છે, પરંતુ ગ઼ાલિબ શેરના પ્રથમ ઉલા મિસરામાં એ ગરમીને અલ્પોક્તિમાં ‘કહાઁ’ શબ્દ થકી ઓછી ગણાવે છે. દોઝખની આગ કરતાં પણ વધારે દાહક તો છૂપાં દર્દોની બળતરા કે વેદના હોય છે. અહીં છૂપાં દર્દોનો અર્થ એમ લેવાનો છે કે એ દર્દો સહી પણ ન શકાય અને કોઈને કહી પણ ન શકાય. પહેલા શેરમાં મેં છેલ્લે ઈશારો કર્યો હતો કે આખી ગ઼ઝલ કદાચ ને માશૂકાને અનુલક્ષીને પણ હોય! અહીં પ્રત્યક્ષ રીતે માશૂકાનો કોઈ ઉલ્લેખ તો નથી, પણ છૂપા દર્દ તરીકે માશૂકાના વિરહને સમજી શકાય છે. આમ વિરહના દુ:ખની બળતરા એવી તો જલદ છે કે પેલી દોઝખની આગ તો કોઈ વિસાતમાં ન ગણાય. અહીં વ્યતિરેક અલંકાર બને છે, જ્યાં છૂપાં દર્દો (ઉપમેય)ને દોઝખની આગ (ઉપમાન) કરતાં ચડિયાતાં ગણાવ્યાં છે. અહીં રદીફમાંના ‘ઔર’નો ‘વધારે’ એવો અર્થ લેવાનો છે.
બાર-હા દેખી હૈં ઉન કી રંજિશેં
પર કુછ અબ કે સરગિરાની ઔર હૈ (૩)
[બાર-હા= અનેક વાર, વારંવાર; રંજિશેં= દર્દ, દુ:ખ, ઉદાસી; સરગિરાની= રોષ, નારાજગી, અપ્રસન્નતા]
રસદર્શન :
ગ઼ઝલના આ ત્રીજા શેરમાં માશૂકાનો જિક્ર સ્પષ્ટ રૂપે જાણવા મળે છે. વળી માશૂક અને માશૂકાનાં દિલ (હૃદય) ભલે ભિન્ન હોય, પણ ધડકન તો એક સમાન જ હોવાની; અને તેથી જ તો ઉભય એકબીજાના હર્ષ કે ગમગીનીને શબ્દોના સહારા વગર અનુભવી શકતાં હોય છે. અહીં માશૂકની માશૂકાનો મિજાજ પારખવાની શક્તિ કાબિલે દાદ છે અને તેથી જ તો માશૂક કહે છે કે મેં તેની ઉદાસીને તો અનેકવાર જોઈ છે, પણ આજે તો એ ઉદાસી કંઈક ઔર જ છે. બંને મિસરામાં વાત તો થાય છે માશૂકાની ઉદાસીની જ, પણ તેની માત્રામાં ભિન્નતા છે. દરરોજ માશૂકાના ચહેરા ઉપર જોવામાં આવતી ઉદાસી તો સામાન્ય પ્રકારની રહેતી, પણ હાલ તો કંઈક વિશેષ માત્રામાં હોવાનું જણાઈ આવે છે.
ક્રમશ: ૨
મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈ મુસા (રસદર્શનકાર)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
[…] ક્રમશ: (7) […]