RSS

(279) તો થોડુંક દાઝે તો ખરું ને! (હાસ્યકાવ્ય)

22 Oct
(279) તો થોડુંક દાઝે તો ખરું ને! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

દિલ્હીવાળી મોટી ચૂંટણી!

વાતાવરણ ગરમાગરમ, પ્રચારજંગથી!

રાજકીય પક્ષો કળ ના કરે, રાતદિન બજે ભૂંગળાં! (1)


અવાજની તીવ્રતાના આંક ડેસીબલની એસીતેસી,

આચારસંહિતાની એસીતેસી, ઘડિયાળના કાંટાની પણ એસીતેસી!

આજનો લ્હાવો લીજિએ રે, નવી ચૂંટણી કેણે દીઠી છે! (2)


એક ગામની ભાગોળે

દાંડીપીટ થકા ઈજને ભીડ જમા, બેસવાનું કોઈ નામ જ ના લે,

બુફે ડીનરની જેમ સૌ ઊભાઊભા કરે પ્રતીક્ષા આગંતુકોની! (3)


જાણે ભારતનાં લાખો ગામડાંએ શીખવ્યું,

ખાસ તો પશ્ચિમને અને વિશ્વભરની શહેરી સંસ્કૃતિને,

કે ક્યમ કર્ટન કોલ (Curtain-call)ની રસમ બજાવવી નાટ્યાંતે રહી ઊભાઊભા,

કે પછી તાળીઓના ગડગડાટે ક્યમ સ્ટેન્ડીંગ ઓવેશન (Standing ovation) થકી,

કરવો જયજયકાર મહાનુભાવોનો! (4)


આવી પુગ્યો કાફલો પ્રત્યેક સ્તરના કાર્યકર, નેતાગણ અને ઉમેદવાર તણો,

ગામ ઓટલે ગોઠવાયા સૌ આગંતુકો ભારતીય બેઠકે,

પણ, પણ સૌ પ્રેક્ષકો કે શ્રોતાઓ નામ જ ન લે બેસવા તણું,

સભાસંચાલકે હાથ જોડી કાકલુદીઓ કરી માઈકે છતાંયે!

જાણે મદારીખેલ જોવા સૌ ટોળે વળે ત્યમ ભીડ પર કોઈ અસર ના! (5)


ઉમેદવારે સ્થાનિક કાર્યકરને કાનમાં સૂચવ્યું કે

’કોઈ આગેવાનને માઈક આપી કહો વીનવવા શ્રોતાઓને, એ જ માત્ર ઈલાજ!’

’વાત સાચી સાહેબ, એમ જ કરીએ!’ કહ્યું કાર્યકરે.(6)


‘કમદાકાકા જ્યાં હોય ત્યાંથી આવી જાય!’નું એલાન થયું,

ને ખોંખારો ખાતા કાકાએ ઓટલે આવી માઈક સાવ મોંઢા નજીક એવું ગ્રહ્યું,

કે જાણે ખાતા હોય કોન આઈસક્રીમ! (7)


ચલમ તાણીને દઝવેલી હોય તેવી તપખીરી લાંબી મૂછો અને દાઢીવાળો એ કમદોકાકો,

લીંબુની ફાડ જેવી મોટી લાલઘૂમ આંખોવાળો એ કમદોકાકો,

વિના માઈકે પહાડી એવા ગળામાં ઘૂંટાતા ખરજ અવાજે ગર્જ્યો એ કમદોકાકો! (8)


”અરે નાલાયકો! ચૂપ મરો અને બેસી જાઓ ભાશણ શાંભળવા! અલ્યા, નેતાનું નામ શું?’’

“ભુલાભાઈ!” એક કાર્યકર બોલ્યો

“હાં, તો આ ભુલોભૈ, ભૂલો પડ્યો અનં આયો સે મતોની ભીખ માગવા આંય!

ચૂંટોણો કે હાર્યો તોયે ફરકશે નહિ ફરી આંયકણે, માટ હાંભળી લ્યો એ શું કે સે?”

તીખાં તમતમતાં સરસ્વતીવચનોનો સાથ ગ્રહી, બરાડી ઊઠ્યો એ કમદો કાકો

અને લોકો પણ ચિચિયારીઓ પાડી ઊઠ્યા! (9)


”અરર, કાકા!” સભાસંચાલકે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.

”અલ્યા, અરર બોલ્યો, તે કોઈ વેચી (વીંછી) કઈડ્યો!”

”ના, ના કાકા તમે કઈડ્યા! હવે બેહી જાહો, કોંઈ વધારે ભઈડો ઈં પેલાં!’ (10)


કમદા કાકાએ રોકડું પરખાવ્યું, “હાચું કીધું ઈં ચેવો ચટકો લાજ્યો!

લ્યો હવ તમનં બક્ષ્યા! લોકોનં તો કોંક કેવા દ્યો, ન તો લીલા તોરણે પાસા જાહો!

હાચું કઉ સુ. તમારા હમ (કસમ)!”, કહી કાકો આગળ વધ્યો (11)


“અલ્યા નખ્ખોદિયાઓ, આ ભુલાભૈનં બે શબદ કે’વા દ્યો અનં શાંણા થૈ જોવ!

એ ભાશણ આલવા આયા સ, જખ મારવા નથ આયા!

ઈં ઈંયોના નોંમ ઉપરિયાં ચોકડી મેલાવવા આયા સ!” (12)


ઓટલાવાળા આગંતુકો એક એક કરીને ગાડીઓ તરફ વળવા માંડ્યા,

પાણી પહેલાં પગરખાં કાઢતા હોય તેમ, સમા (સમય)ને પારખીને,

હુરિયો બોલાય તે પહેલાં! (13)


ચૂંટણીસભા ફ્લોપ ગઈ!

એવું ય બને, કેમ કે આ તો દુનિયાની મોટી લોકશાહી!

ઝાઝું રંધાય તો થોડુંક દાઝે તો ખરું ને! (14)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

7 responses to “(279) તો થોડુંક દાઝે તો ખરું ને! (હાસ્યકાવ્ય)

 1. pragnaju

  October 22, 2011 at 3:13 pm

  ચૂંટણીસભા ફ્લોપ ગઈ!
  એવું ય બને, કેમ કે આ તો દુનિયાની મોટી લોકશાહી!
  ઝાઝું રંધાય તો થોડુંક દાઝે તો ખરું ને!
  છતાંય
  મને ફરીથી જિતાડ પાછો,
  અટંક ચૂંટણીનો જંગ સાકી.
  શરાબબંધી આ રાજ્યમાં
  ઝગાવી એક બીડી સાકી

  Like

   
 2. સુરેશ

  October 22, 2011 at 8:17 pm

  પછી શું થયું?! કશું થવાનું શેનું હોય જ.
  —————–
  અમને તો એટલી ખબર પડી કે, વલીદા કવિતાની પાછળ પડ્યા છે,

  બીજી બિનમાહિતગાર ખબરપત્રી આપેલ માહિતી…
  લાડીબેન વેલણ નહીં પણ સાંબેલું શોધી રહ્યા છે.
  ————–
  ભાગો વલીદા , ભાગો અને પ્રાણાયમ કરવા માંડો.

  Like

   
 3. Harnish5

  October 23, 2011 at 2:09 am

  મઝા આવી ગૈ.આપની નવી ટેલન્ટનો પરિચય થયો.

  Like

   
 4. Vinod R. Patel

  January 4, 2013 at 2:09 am

  ચૂંટણી વખતે પાંચ વર્ષે એક વાર મોઢું બતાવવા આવતા નેતાઓને સીધા કરવા માટે

  આવા વધુ કમદા કાકાઓની ખરેખર જરૂર છે !

  Like

   
 5. P.K.Davda

  January 5, 2013 at 11:49 pm

  ખરેખર આવું થાય તો? સભાઓ ભરવાનું જ બંધ થઈ જાય. સારો ઉપાય છે ઘોંઘાટ ઓછો કરવાનો.

  Like

   
 6. nabhakashdeep

  January 6, 2013 at 2:15 am

  આદરણીય શ્રી વલિભાઈ

  સાદર સસ્નેહ યાદ

  ચૂંટણીના રંગો જ અનેરા..માણ્યા એટલા તમારા. ગુજરાતની ચૂંટણીનો જંગ

  સાચે જ યુધ્ધ હતું ને સૌએ સઘળી શક્તિ વાપરવામાં કોઈ કસર રાખી ન હતી,

  આપે પણ આ કાવ્યમાં સુંદર ચિત્રાંકન કરી ઘરબેઠાં લ્હાવો પીરસી દીધો.

  આપને શ્રી સુરેશભાઈ સાથે સપરિવાર આનંદ માણતા જોઈ , મૂઠેરી ઊંચી ગુજરાતી

  સૌજન્ય અનુભવાયું. આપના પરિવારને અલ્લાહ સર્વરીતે સુખી બનાવે , એવી નવા

  વર્ષે શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: