RSS

(૫૧૧) ભેદભરમની ભીતરમાં  – પ્રકીર્ણ સત્ય ઘટનાઓ અને રહસ્યોદ્ઘાટન (૬)

27 Feb

મારી ‘ભેદભરમની ભીતરમાં’ એવી સળંગ કોઈ એક ઘટના કે પ્રસંગની શ્રેણીમાં છેલ્લે ડિસેમ્બર-૨૦૧૦માં ‘અનીતિના ધંધામાં પણ નીતિમત્તા!’ શીર્ષકે લેખ આપ્યા પછી પાંચેક વર્ષના વિરામ બાદ આજે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થાઉં છું; કેટલીક પ્રકીર્ણ સત્ય ઘટનાઓ સાથે કે જે પહેલી નજરે ભેદભરમભરેલી લાગશે, પણ તેમનું રહસ્યોદ્ઘાટન થતાં તે સહજ લાગ્યા સિવાય રહેશે નહિ. સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ, ભૂતપ્રેતની માન્યતાઓ કે ટંટાફિસાદના મૂળમાં આવી ભેદભરમવાળી ઘટનાઓ હોય છે. આવી રહસ્યમય ઘટનાઓ જાતતપાસ કે ઊંડી તપાસ થયા વગર કંઠોપકંઠ આગળ ધપતી રહેતી હોય છે અને છેવટે લોકોના માનસમાં રૂઢ થતી જતી હોય છે. મારી આ વાતને સમજવા માટે નીચેનું એક પ્રચલિત ઉદાહરણ પ્રયાપ્ત બની રહેશે.

કોઈક ગ્રામ્યસમાજમાં એક રિવાજ રૂઢ થઈ ગયેલો હતો કે જ્ઞાતિભોજનની રાંધવાની કામગીરી શરૂ કરવા પહેલાં ગમે ત્યાંથી બિલાડી પકડી લાવીને ખીલે બાંધવામાં આવે. કેટલાંક વર્ષો બાદ જુવાનિયાઓએ વયોવૃદ્ધોને એનું કારણ પૂછતાં એ લોકોએ જવાબમાં એટલું જ કહ્યું કે ‘આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આપણે તેને બંધ કરી શકીએ નહિ.’ જુવાનિયાઓએ બિલાડી બાંધવાની પ્રથા શરૂ થવા પાછળનો એક તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે વર્ષો પહેલાં કોઈ બિલાડીએ ઘી અજીઠું કર્યું હશે અને વારંવાર હેરાન કરતી હશે તો તેને બાંધી દેવામાં આવી હશે. લોકોએ આ તર્કને સ્વીકારી લીધો અને બિલાડી બાંધવાની પ્રથા બંધ થઈ.

આજના લેખમાં પહેલાં ‘ભેદભરમ’વાળી કેટલીક સત્ય અને કોઈ એકાદ વળી કપોલકલ્પિત એવી ઘટનાઓ અને ત્યારપછી તેમનાં રહસ્યોદ્ઘાટનો રજૂ કરવામાં આવશે.

ઘટનાઓ :

(૧) અમારા ગામમાં પંચાયત તરફથી પાણીપુરવઠાની વ્યવસ્થા નહોતી થઈ તે પહેલાં કેટલાક મહેલ્લ્લાઓએ આપસી સહકારથી નાનીમોટી ટાંકીઓ બનાવેલી. એક રાત્રે એક ટાંકીની ઈલેક્ટ્રીક મોટર બંધ હોવા છતાંય પાણી ઓવરફ્લો થતું હતું, જે બંધ થાય જ નહિ. જોતજોતામાં લોકો એકત્ર થઈ ગયા, કેમ કે કોઈક ચમત્કારની અફવા ગામમાં ફેલાઈ ગઈ હતી. એવામાં એ ટાંકીનો ઓપરેટર આવ્યો અને એણે જે ખુલાસો આપ્યો તે સાંભળીને બધા હસતાહસતા વિખરાઈ ગયા.

(૨) અમારા ગામથી દૂરના રેલવે સ્ટેશનેથી એક ભાઈ વહેલી સવારે ચાર-સાડાચાર વાગે ગામ તરફ આવી રહ્યા હતા. પોતે એકલા જ હતા અને પાસે નાણાંનું જોખમ પણ હતું. અર્ધા રસ્તે આવતાં તારલાઓના અજવાળામાં એમને લાગ્યું કે થોડેક દૂર રસ્તાની બાજુએ વયોવૃદ્ધ લાગતો કોઈ માણસ બેઠેલો છે અને નક્કી તે ચોર હોવો જોઈએ. એમણે તો ‘ગરીબ માણસ છું, બચરવાળ માણસ છું’ જેવી કાકલૂદીઓ અર્ધાએક કલાક સુધી દૂર ઊભાઊભા કર્યે જ રાખી. છેવટે ભળભાંખળું થતાં રહસ્ય છતું થયું અને ‘હત્તારીની!’ બોલીને તેમણે મલકતા મલકતા અને મનોમન શરમાતા આગળ ચાલવા માંડ્યું.

(૩) દયાળુ એક શિક્ષકદંપતીએ બહારગામના એક વિદ્યાર્થીને પોતાના ઘરે કુટુંબના સભ્યનો જ દરજ્જો આપીને રાખ્યો હતો. એક વાર એ દંપતીને બેત્રણ દિવસ માટે બહારગામ જવાનું થયું અને મોડી રાતની ટ્રેઈનમાં પાછા ફરીને ઘરનો દરવાજો ખટખટાવ્યો, પેલાના નામની મોટા અવાજે કેટકેટલીય બૂમો પાડી; પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મહેલ્લાના માણસો જાગી ગયા. પેલો હંમેશાં મેડા ઉપર સૂતો હતો. દરવાજો ખુલ્લો હતો. લોકોએ ત્યાંથી અંદર ઢેખાળા નાખ્યા. બધાને વહેમ પડ્યો કે નક્કી એ હાર્ટએટેકથી મરી ગયો હશે. એક પાડોશી તેમના ઘરના મેડેથી ઊતરીને ત્યાં દાખલ થયા. પેલો ઓઢીને સૂતેલો હતો. તેની રજાઈ ઉપર ઢેખાળા પડેલા હતા. તેને હચમચાવીને બેઠો કરવામાં આવ્યો અને ઊંઘના ઘેરણમાં તેણે આપેલા ખુલાસાથી નીચે ઊભેલાઓને હૈયાધારણ આપવામાં આવી કે તે જીવિત જ છે.

(૪) બે સગા ખેડૂતભાઈઓ સહિયારી ખેતી કરતા હતા, રસોડાં અલગ હતાં. ખળામાં વજન કરીને સરખા ભાગે ઘઉંના ઢગલા કરવામાં આવ્યા. ટ્રેક્ટર ખોટવાતાં ઘઉં ઘરભેગા ન કરી શકાયા. બંનેને રાતવાસો રહેવું પડ્યું. બીજા દિવસે સવારે જોયું તો ઢગલા અસ્તવ્યસ્ત હતા. બે ઢગલા વચ્ચે દાણા વેરાયેલા હતા. વહેમ પડ્યો કે કાં તો કૂતરાંઓએ એમ કર્યું હશે, કે પછી કોઈ ચોરોએ હાથ અજમાવ્યો હશે. ફરી ઢગલા તોળવામાં આવ્યા. આગલા દિવસ જેટલું જ બંને ઢગલાઓનું સરખું વજન ઊતર્યું. મોટાભાઈએ કહ્યું કે, ‘હોય નહિ. આમ ન જ થવું જોઈએ!’ નાનાએ પણ કહ્યું, ‘હું પણ એ જ કહું છું કે તેમ ન જ થવું જોઈએ!’ બંને જણાએ સામસામા ખુલાસા કર્યા અને તેઓ એકબીજાને ભેટી પડીને હર્ષનાં આંસુઓએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

(૫) ફર્સ્ટ ક્લાસ એ.સી. ટ્રેઈનમાં સફર કરતા એ મહાશયે આગળના સ્ટેશને ટોઈલેટની બારીના તુટેલા કાચ વચ્ચેથી પ્લેટફોર્મ ઉપર ઊભેલા સ્વીપર સાથે વાત કરતાં કહ્યું, ‘અરે ભાઈસાબ, અંદર આકે ઇસ ટોઈલેટકી છત પરસે મેરી ટટ્ટીકો સાફ કર દેના. મૈં આપકો પાંચ રુપયા દૂંગા.’ સ્વીપરે નિરીક્ષણ કરતાં કહ્યું, ‘આપને છીપકલીકી તરહ મગર ઊંધે ચિપકકે વહાં ટટ્ટી કૈસે કી, વહ અગર આપ મુઝે સમજાઓગે તો મૈં આપકો દસ રુપયા દૂંગા!’ (કપોલકલ્પિત)

(૬) પરીક્ષાના દિવસોમાં મોડી રાત સુધી વાંચન કરતા એ વિદ્યાર્થીએ જાતે ચા બનાવવા માંડ્યું. ઘણીવાર સુધી ઊકાળવા છતાં ચાએ રંગ ન પકડતાં એણે માની લીધું કે દુકાનદારે મમ્મીને બનાવટી ચા પધરાવી દીધી છે. તેણે સવારે મમ્મીને ફરિયાદ કરી. મમ્મીએ તેના ગાલે ચીમટી ભરીને ગાલ ઉપર હળવી થાપટ મારતાં ખડખડાટ હસી પડતાં રહસ્ય છતું કર્યું અને એ ભાઈ પણ પોતાની મૂર્ખાઈ ઉપર હસી પડ્યા.

(૭) ઈ.વી.એમ. પહેલાંની ક્રોસ માર્ક પદ્ધતિની મતદાન પ્રક્રિયાના સમયગાળામાં એક વૃદ્ધાએ મતદાન કુટિરમાંથી બહાર આવીને પોતાના પેટ ઉપરના સાડીના પાલવને ઊંચો કરીને તેણે પોતાના પેટ ઉપર કરેલા ક્રોસ માર્કને બતાવતાં પ્રિસાઇડીંગ ઓફિસરને પૂછ્યું, ‘શા’બ, બરાબર હે કે?’ ઉમેદવારના સ્થાનિક પોલીંગ એજન્ટે એક તર્ક રજૂ કરીને વૃદ્ધાની આ બાલિશ ચેષ્ટાને સમજાવી ત્યારે મતદાન મથકમાં હાજર સૌ કોઈ ખડખડાટ હસી પડ્યાં હતાં.

રહસ્યોદ્ઘાટનો :

(૧) વીજપુરવઠો ન હોવાની સ્થિતિમાં પરસ્પરના સહકારના હેતુએ પાસેપાસેની બંને ટાંકીઓની અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈનમાં વચ્ચે વાલ્વ મૂકી દેવામાં આવ્યો હતો, જે એ વખતે ખુલ્લો રહી જવા પામ્યો હતો.

(૨) એ આકડાનો છોડ હતો, જે એનાં સફેદ ફૂલોના કારણે અને હવાના ઝોકાથી હાલતો હોવાથી બેઠેલા વયોવૃદ્ધ માણસ જેવો લાગતો હતો.

(૩) પરીક્ષાની તૈયારી માટે રાત્રે જાગી શકાય તે કારણે તેણે જાગરણ માટેની ગોળીઓ લઈને સતત બેત્રણ દિવસ વાંચ્યા કર્યું હતું. છેવટે ઊંઘ ઘેરાઈ જતાં એ એવો ઊંઘી રહ્યો હતો કે તેને જગાડવા માટેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

(૪) મધ્યરાત્રિએ મોટાભાઈએ વિચાર્યું હતું કે ગમે તેમ તોયે એ મારો નાનો ભાઈ કહેવાય અને એના હિસ્સે મારે થોડું વધારે આપવું જોઈએ અને તેમણે પોતાના ઢગલામાંથી દસ સૂપડાં ઘઉં ભરીને નાનાભાઈના ઢગલામાં ભેળવી દીધા. તો વળી નાનાભાઈએ વિચાર્યું કે મોટાભાઈ બચરવાળ માણસ છે તો તેમના ઢગલામાં હું દસ સૂપડાં ઘઉં નાખી દઉં તો મને શો ફરક પડવાનો છે?

(૫) મહાશય ટોઈલેટમાં પાણી ન હોવાના કારણે તેમણે છાપાના કાગળમાં ટટ્ટી કરી લીધા પછી ચાલુ ટ્રેઈને તેને બારીમાંથી બહાર ફેંકવા ગયા તો પવનના કારણે છાપા સમેત ટોઈલેટની છત ઉપર એ વિષ્ટા ચોંટી ગઈ હતી.

(૬) ભાઈએ ચાની પત્તીના બદલામાં વાંદરા છાપ કાળો ટુથ પાવડર નાખી દીધો હતો.

(૭) એ વખતે કોંગ્રેસપક્ષનું ચૂંટણીચિહ્ન ગાય અને વાછરડું હતું. પક્ષના કાર્યકરોએ અભણ પ્રજાને સમજાય તે માટે ટૂંકમાં એમ કહ્યે રાખ્યું હતું કે ‘ગાયના પેટ માથે સિક્કો મારવો.’ આ વાત વૃદ્ધાના કાન સુધી આવતાં માત્ર ‘પેટ માથે સિક્કો મારવો’ એમ બદલાઈ ગઈ હતી.

સુજ્ઞ વાચકોને ભાવભીનું આમંત્રણ છે કે પોતપોતાના જાતઅનુભવામાં આવેલા આવા કિસ્સાઓને પ્રતિભાવોમાં અવશ્ય દર્શાવે.

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

2 responses to “(૫૧૧) ભેદભરમની ભીતરમાં  – પ્રકીર્ણ સત્ય ઘટનાઓ અને રહસ્યોદ્ઘાટન (૬)

  1. pragnaju

    February 27, 2016 at 11:11 pm

    ૧ ચંદ્ર ઉપરની યાત્રાનો કાલ્પનિક વિષય અમેરિકામાં જુલે વર્નનો ૧૮૭૦માં હતો
    2 So We’ll Go No More a Roving
    BY LORD BYRON (GEORGE GORDON)
    So, we’ll go no more a roving
    So late into the night,
    Though the heart be still as loving,
    And the moon be still as bright.

    For the sword outwears its sheath,
    And the soul wears out the breast,
    And the heart must pause to breathe,
    And love itself have rest.

    Though the night was made for loving,
    And the day returns too soon,
    Yet we’ll go no more a roving
    By the light of the moon. અને નાસાએ રહસ્યોદ્ઘાટન કરવા પ્રયત્ન કર્યો અને ભાવાનુવાદ નિષ્ણાત વલીજી બાકીનું પુરું કરશે

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.