RSS

(237) ઈશ્વર વિષે ચિંતન

13 Dec

અમેરિકા સ્થિત મારા મિત્ર અને મુરબ્બીશ્રી સુરેશભાઈ જાનીએ પોતાના બ્લોગ ઉપર ‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકે સૃષ્ટિ ઉપર આદિ માનવની ઉત્પત્તિ થઈ તે સમયને સાંકળતી એક મનનીય વાર્તા આપી હતી. એ વાર્તા ઉપરના અનેક વિચારશીલ પ્રતિભાવો પૈકી મારો પોતાનો પણ એક પ્રતિભાવ હતો, જેને મેં મારા પોતાના બ્લોગ ઉપર “ ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ” શીર્ષકે મારા સુજ્ઞ વાંચકો માટે પ્રસિદ્ધ કર્યો હતો. એ વાર્તાના નાયક ‘મનુ’ ને પ્રથમવાર ઈશ્વરનો આવિર્ભાવ થયો. કોઈક દિવ્ય શક્તિએ તેને બચાવી લીધો અને ત્યાં તેને ઈશ્વરની અનુભૂતિ ‘ભય’માંથી થઈ સમજવી પડે. તો વળી આપણા ગુફાવાસી પૂર્વજોને ઈશ્વરની છએ દિશાઓમાં ભૂમિગત અને બાહ્ય તેની સર્વત્ર વેરાએલી ભાતીગળ નયામતો (બક્ષિસો)ના અવલોકનોથી અભિભૂત થવાના કારણે એ પરમ શક્તિની આભારવશતામાંથી પણ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર થયો હોઈ શકે. જે હોય તે, પણ નમ્રભાવે હું કહું તો આ વાર્તાએ મને ‘ઈશ્વર’ વિષેનું મારું અલ્પ જ્ઞાન અહીં પ્રદર્શિત કરવાની પ્રેરણા આપી છે, બાકી હું કોઈ દાર્શનિક તો નથી, નથી જ. અહીં જે કંઈ વિષયસામગ્રી અપાશે તેને મારા આધ્યાત્મિક વાંચન, મનન અને ચિંતનના પરિપારક તરીકે આપ સૌ વાંચકોએ સમજવાની છે, કોઈ વિચારધારા તરીકે નહિ.

ઈશ્વર વિષે જાણવું, ઈશ્વરને ઓળખવો, ઈશ્વરને પામવો, ઈશ્વરનાં દર્શન, દિદાર કે સાક્ષાત્કાર થવો – આવા અને અનેક એવા માત્ર ‘ઈશ્વર’ વિષેના વિષયો ઉપર યુગોથી ચર્ચાઓ ચાલતી આવી છે. જુદાજુદા ધર્મો અને વ્યક્તિગત રીતે ઘણા આધ્યાત્મિક ચિંતકોએ પોતપોતાની રીતે આ વિષયને સમજાવવાના પ્રયત્નો કર્યા છે. મારો જગતના મુખ્ય ધર્મો પૈકીના કેટલાકનો વિશદ નહિ, પણ પ્રારંભિક કક્ષાનો ગણી શકાય તેવો અભ્યાસ મને સર્વપ્રથમ તો એમ લખવા પ્રેરે છે કે અલ્લાહ, ઈશ્વર, God, કે અન્ય ભાષાઓમાં તેના પર્યાય રૂપે અપાતું કોઈ એક મૂળભૂત નામ કે શબ્દ તેની ઓળખ કે સંબોધન માટે જ હોય છે અને તેને મુખ્ય નામ તરીકે લેવાય છે. જ્યારે તેનાં અન્ય ગૌણ કે વૈકલ્પિક નામો તેની સિફતો (ગુણો) ઉપર આધારિત હોય છે અને તે સઘળાંનો હેતુ તે મૂળભૂત ઈશ્વર નામક દિવ્ય શક્તિને સમજવા માટેનો હોય છે.

કોઈ પણ ધર્મમાં ઈશ્વર માટેનું મૂળભૂત જે એક નામ હોય તેનું રટણ કરવું, સ્તુતિ કરવી, જપમાળા ફેરવવી કે શ્વાસની આવનજાવન સાથે તે નામનો તાલમેલ સાધવો એ વધુ ઇષ્ટ ગણાતું હોય છે. તેની અન્ય કોઈ એક કે વધારે સિફત (ગુણ)ના નામ કે નામોએ તેને પોકારવામાં કે સંબોધવામાં આવે અથવા તેનું રટણ કરવામાં આવે તો તે પણ જરાય અજુગતું નથી, કેમ કે તે સર્વગુણસંપન્ન અર્થાત્ કેવળ સંપૂર્ણ હોઈ આપણાં સીમિત વિશેષણો થકીનાં સંબોધનોથી તેની મહાનતા કે સર્વોપરિતા ઉપર કોઈ અસર પડશે નહિ. તે અંતર્યામી હોઈ અબ્દ (ભક્ત)ના હૃદયની ભાવનાને સુપેરે સમજતો જ હોય છે અને તેથી જ તો તેને ‘તુંહી’ એવા સર્વનામ થકી પણ સ્મરી શકાય છે.

ઈશ્વર=અલ્લાહની કેટલીક સિફતો(ગુણો) અર્થાત વિશેષણો પૈકીનાં કોઈ એક કે વધુ તેના કેટલાક ઈબાદતગાર બંદાઓ કે પરમ ભક્તોમાં અને ઘણી વાર તો સામાન્ય માણસોમાં પણ જોવા મળે છે. માનવી જેટલી વધુ ને વધુ સર્જનહારની સિફતો (ગુણો)ને પોતાના જીવનમાં ઊતારે તેટલો તે વધુ ને વધુ તેની નિકટતાને પ્રાપ્ત કરી શકે. ઈશ્વરનાં અન્ય ગૌણ નામો નીચે આપવામાં આવે છે કે જેમને વ્યાકરણની પરિભાષામાં ‘વિશેષણો’ તરીકે ગણાવી શકાય. દુઆઓ (પ્રાર્થનાઓ)નો સંગ્રહ અર્થાત્ Collection of Supplications નામે સંદર્ભ પુસ્તકમાંથી અહીં આપવામાં આવતાં નામોની આ યાદીને સંપૂર્ણ ગણી ન શકાય, કેમકે ‘ઈશ્વર’ને સમજાવતાં અન્ય કેટલાંય વિશેષણો હોઈ શકે કે જે આપણી જાણકારીમાં ન પણ હોય. આમ ઈશ્વરને શબ્દાતીત પણ કહેવામાં આવે છે. તેને ભાષાના ઉચ્ચારી શકાતા બાવન વર્ણથી પણ પર ગણવામાં આવે છે.

તો ઈશ્વરનાં અન્ય કેટલાંક નામો કે વિશેષણો આ પ્રમાણે છે :

અચળ (The Steadfast/The Immutable), અનન્ય (The Unique), અનુપમ(The Incomparable), અપમાનિત (જલિલ) કરનાર (The Abaser), અપ્રાપ્ય (The Unattainable), અમર્યાદ (The Boundless), અદૃશ્ય (The Invisible), અનંગ (The Body-less), આકાર આપનાર (The Fashioner of Forms), આગળ લાવનાર, આદિ (The First) ,આદિલ/સાચો ઈન્સાફ કરનાર)(The Just), આત્મનિર્ભર(The Self Sufficient), આપોઆપ/એકલો (The Indivisible), આશ્રયદાતા (The Patron), આંતરિક (The Inner), એક/એકત્વ (The One), એકદમ નજીક (માનવીની ધોરી નસથી પણ નજીક), એકલો (The Alone), અંકુશમાં મૂકનાર (The Restrainer), ઈજ્જત આપનાર, ઈજા પહોંચાડનાર (The Afflicter), ઉત્પન્ન કરનાર (The Producer of All), હિસાબ લેનાર, કર્મોનાં લેખાંજોખાં કરનાર, ઉચિત બદલો કે ઈનામ આપનાર, ઉદાર (The Generous), ઉદ્ધારક, ઉદ્દાત (The Exalted), ઉન્નત (The Sublime), ઉપદેશક, ઉપકાર કરનાર, કદીય નિષ્ફળ ન જનાર, કર્મોનાં લેખાંજોખાં કરનાર, કલ્યાણકારક (Propitious), કબ્જેદાર, કાફી (પૂરતો), કાયમ (The Subsisting/The Everlasting), કાલમુક્ત (The Timeless), ક્રોધ પ્રદર્શિત કરનાર, કૃતજ્ઞ (The Grateful), કૃપાળુ, ગતિશીલ (The Expediter), શાહેદ/ગવાહ (The Witness), ગુપ્ત, ગાલિબ (વિજય મેળવનાર), ઘેરી લેનાર (The All-Embracing), ઘેરાવા(વ્યાપ)માં લેનારો, છેલ્લો બાકી રહેનાર (The Last), જકડી રાખનાર (The Withholder, જડ ચેતનને વિવિધ આકારો આપનારો, જ્યોતિસ્વરૂપ (The Light), જ્યોતિદાતા, જાગરૂક (The Watchful), જાણનાર (The All Aware/The Perceiver), જાહેર કરનાર, જાહેર, જીવનદાતા, જોડનાર (The Unifier), જોનાર, તકલીફ આપનાર (The Harmer), તેજસ્વી (The Glorious), તૌબા કે પસ્તાવાને કબૂલ કરનારો (The Forgiver), દયાળુ (The Compassionate/The Kind), દિવ્ય (The Magnificent), દૂર હડસેલનાર (He Who Puts Far Away), દૃઢનિશ્ચયી (The Firm), ધીરજવાળો (The Patient), દૃઢિભૂત (The Affirming), નમ્ર (The Ever Relenting), નયામતોની નવાજિશ કરનારો, નિગેહબાન (The Trustee), નિર્ણાયક (The Determiner), નિરાકાર (The Shapeless), નિર્વિવાદ (The Definite), નિરંજન (The Faultless), નિશ્ચિત (The Evident), પરમ ન્યાયી (The Utterly Just/ The Equitable), ન્યાયાધીશ (The Judge), પરિતૃપ્ત (The Indulgent), પર્દા પાછળ રહેનાર (The Effacer), પર્યાપ્ત (The Sufficient), પવિત્ર (The Holy), પીડન આપનાર (The Distresser), પ્રત્યુત્તર આપનાર, પ્રથમ/અવ્વલ (The First), પ્રભાવશાળી (The Majestic), પ્રાર્થનાઓ સાંભળનારો (The Hearer of the Prayers), પ્રેમાળ (The Loving), પ્રેરક (The Initiator), પાકપાકીઝા, પાલનપોષણ કરનાર (The Nourisher), પુંનર્જીવિત કરનાર (The Resurrecter), પુન: નિર્માણ કરનાર (The Reinstater), પુન: સ્થાપન કરનાર (The Restorer), પેદા કરનાર (The Evolver), પોષક (The Provider), બચાવ કરનાર (The Defender), બદલો લેનાર (The Avenger), બક્ષિસોની નવાજીશ કરનાર (The Bestower), બાંહેધરી આપનાર (The Guarantor), બ્રહ્માંડનો બાદશાહ (The King of the Universe), બાહ્ય (The Outer), બુઝુર્ગ, બુલંદ, બેનમૂન (The Illustrious), ભરોંસાપાત્ર (The Trustworthy), ભલો (The Beneficent), ભવ્ય (The Magnificent/The Lord of Majesty), ભેદ સમજનારો, ભોમિયો (The Guide/The Way) ભેગા કરનાર(The Gatherer), મજબૂત (The Strong), મહાન, મિત્ર (The Friend), મદદગાર (The Helper), મહેરબાન (The Gracious), માર્ગદર્શક, માફ કરવાવાળો (The All Forgiving/The Pardoner), માન આપનાર (The giver of honor), માનવંત (The Honorable), માલિક, માયાળુ (The Pitying), મુક્તિદાતા (The Emancipator), મૃત્યુદાતા, રક્ષક (The Shielder), રહસ્યોને જાણનાર અને જાહેર કરનાર, રહેમદિલ (The Merciful), રોજી પહોંચાડનારો કે છીનવી લેનારો (The Giver and Taker of the Livelihood), લવાદ (The Arbitrator), લાભ પહોંચાડનાર (The Benefactor), વાસ્તવિક (The Real), વાયદાઓને પાળવાવાળો (The Keeper of Promises), વાલી (The Guardian), વિકાસ કરનાર, વિજય અપાવનાર, વિલંબ કરનાર (The Delayer), વિશાળ (The Vast), વિસ્તૃત કરનાર (The Extender / The Expander), શમનકારી(The Subduer), શાશ્વત (The Eternal), શાણો, શોધક, શાંતિ અને સલામતીનો સ્રોત (The Source of Peace and Safety), શિફા (રાહત) પહોંચાડનારો, શુદ્ધ, સઘળાનો વારિસ (The Inheritor of All), સઘળાને સન્માર્ગે દોરનાર (The Guide to the Right Path), સર્જનહાર (The Creator), સજીવન કરનાર, સત્ય (The Truth), સત્તા આપનાર (The Exalter), સત્તાધીશ (The Sovereign Lord/ The Dominant), સર્વજ્ઞ (The All Knowing/The Omniscient), સર્વ પ્રશંસાને લાયક, સર્વશક્તિમાન (The Omnipotent / The Almighty), સનાતન, સહનશીલ,સર્વોપરિ, સર્વવ્યાપી (The Omnipresent), સાવધાન, સાર્વભૌમ (The Owner of all Sovereignty), સાદિક (સાચું બોલનાર), સુખદાતા(The Enricher), સુરક્ષિત રાખનાર (The Preserver), સાંભળનાર, સમૃદ્ધ (The Rich), સલામતી બક્ષનારો, સર્વસત્તાધીશ, સર્વ પ્રશંસાને લાયક (The All Praiseworthy), સીધું કરનાર (The Straightener), સૌથી પહેલો (The Forbearing), સંચાલક (The Organizer), સંપૂર્ણ (The Perfect/The
Absolute), સ્પષ્ટ (The Manifest), સમૃદ્ધ, સંહારક (The Destroyer), સ્વયં શક્તિમાન
(The All Able), સ્વતંત્ર (The Independent) , સ્વયંભૂ, સ્વયંસિદ્ધ, હંમેશાં બાકી રહેનાર, હયાત/જીવતો (The Living), હાદી (હિદાયત કરનાર), હિકમતવાળો, હિસાબ લેનાર, હિફાજત કરનાર.

હવે જ્યારે હું મારા લેખસમાપનની નજીકમાં છું, ત્યારે મને સ્પર્શી ગએલું એક વિધાન તેના વક્તાના નામ સાથે આગળ આપવામાં મને કોઈ આપત્તિ નહિ થાય કે કોઈ છોછ પણ નહિ નડે. કેટલાક સંકુચિત અને બંધિયાર માનસ ધરાવતા લોકો કોઈક વ્યક્તિઓ, સંપ્રદાયો કે ધર્મો પરત્વે નકારાત્મક વલણ ધરાવતા હોઈ તેમના પડછાયાથી પણ દૂર ભાગતા હોય છે, જેના પરિણામે તેઓ મૂલ્યવાન એવી કેટલીક તેમની વિચારધારાઓ કે સુવિચારોથી વંચિત રહી જતા હોય છે. ક્ષીરનીર ચયનવૃત્તિ ધારણ કરનાર વ્યક્તિ ખુલ્લા મને સૌ સાથે હળતીમળતી રહે છે અને તે એકીસાથે ગુણગ્રાહી તથા દોષત્યાગી બની રહે છે. સામાન્યત: વિવાદાસ્પદ વ્યક્તિઓનાં બોધવચનોની અવગણના એટલા માટે થતી હોય છે તે વચનો તેમના મુખે બોલાએલાં હોય છે; જેમ કે આચાર્ય રજનીશજીની ઘણી બાબતો વિવાદાસ્પદ હોઈ શકે, પણ કેટલીક તો આપણે સ્વીકારવી જ ઘટે કે જે તાર્કિક રીતે સુસંગત હોય. અહીં રજનીશજીના મારા લેખના વિષયને અનુરૂપ એક વિધાનને ટાંકીશ. ઓશો કહે છે, “ઇશ્વર શીખવી શકાતો નથી, જાણી શકાય છે. બહુ મજાની વાત તો એ છે કે જે લોકો ઇશ્વરને શીખી લે છે, તેઓ તેને જાણવાથી વંચિત રહી જાય છે; કારણકે એ શીખ ઉધારની હશે, બીજાની હશે અને તેને જો તેમણે પકડી લીધી હશે, તો તેને જ સત્ય માનીને તેઓ અટકી જશે. આમ જે તેમની અંદર છે, તે ક્યારેય બહારથી નથી આવતું, તો પછી તેઓ તેની પાસે શી રીતે પહોંચી શકશે?” તેઓશ્રી વળી આગળ સમજાવે છે કે “આથી જે પાયાની વાત હું તમને કહેવા માંગું છું તે આ છે: તમે સાંભળ્યું હશે કે લોકો જ્ઞાન શીખવે છે; પણ હું અજ્ઞાન શીખવું છું,જ્ઞાનને છોડતાં શીખવું છું. નહિ જાણવાની કે અજ્ઞાનનીજે અવસ્થા છે તે ખૂબ જ અદભૂત, ખૂબ જ ક્રાંતિકારી છે.”

આચાર્યશ્રીના ઉપરોક્ત અવતરણમાં એક વાત સ્પષ્ટ છે કે ઈશ્વરને માત્ર જાણી જ શકાય, ન તો એને શીખી શકાય કે ન તો તેનાં સ્થૂળ સ્વરૂપે પ્રત્યક્ષ દર્શન થઈ શકે. તે નિરંજન અને નિરાકાર હોવાનું જગતના લગભગ બધા જ ધર્મોએ સ્વીકાર્યું હોઈ આપણાં ચર્મચક્ષુથી તેને નિહાળવો અસંભવ છે. તેને આંતરચક્ષુ કે જ્ઞાનચક્ષુ વડે તેની અનુભૂતિ થઈ શકે. તેનાં સર્જનો થકી તેને સમજી કે જાણી શકાય. ઈશ્વરને પ્રાપ્ત કરવો એટલે તેના ઐશ્વર્યને જાણવું અને માણવું એમ જ સમજવું પડે.

આ લેખમાં શરૂઆતમાં ઈશ્વરનાં ગુણોને અનુલક્ષીને આપેલાં કેટલાંક ગૌણ નામોથી પણ સ્પષ્ટ થાય છે કે ઈશ્વર એ એક પરમ શક્તિનું નામ છે, જે અદૃશ્ય છે અને છતાંય તેનું અસ્તિત્વ (હોવાપણું) તો છે જ. તે સૃષ્ટિનો સર્જનહાર હોઈ તેનાં સઘળાં સર્જનો તેનાં મોહતાજ (આલંબિત કે આધારિત) હોઈ શકે, પણ તે પોતે તો સ્વયંભૂ હોઈ તેનાં કોઈ સર્જન કે સર્જનોનો તે મોહતાજ હરગિજ સંભવી ન શકે. ઈશ્વર સર્વગુણસંપન્ન હોઈ તેને સંપૂર્ણ કેવલો હરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈશ્વર એક એવું પરમ તત્વ છે, જેને હોવાપણામાં સમજતાં તે આદિ, મધ્ય કે અંતથી પર છે; અર્થાત્ તે શાશ્વત કાળથી મોજુદ (હયાત) હતો, છે અને શાશ્વત કાળ સુધી મોજુદ રહેશે. ઈશ્વર સર્જનહાર હોઈ અને તે (ઈશ્વર) સિવાયનું સઘળું દૃશ્ય કે અદૃશ્ય તેનું સર્જન હોઈ જે તે એ સર્જન બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમા આવ્યું ગણાય. આમ જે હંમેશથી અસ્તિત્વમાં છે તેના થકી અસ્તિત્વમાં આવનાર સઘળું કે તે પૈકીનું કોઈ એક તેની બરોબરીમાં કદી પણ આવી શકે નહિ.આમ ઈશ્વરને ખાલિક પણ કહેવામાં આવે છે જેનો અર્થ ખલકત (બ્રહ્માંડ)નો સર્જનાર એમ થાય છે. તેણે ઈશ્વરે જે કંઈ સર્જ્યું તેને તેની મખલુક (સર્જન) કહેવાય અને મખલુક ખાલિક કરતાં બહેતર બની શકે નહિ.

અત્રે સમાપને આ લેખની ફલશ્રુતિ કે સારાંશે એટલું જ સમજવું ઘટે કે જગતનો કોઈ ધર્મ ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન તો નહિ જ કરાવી શકે, હા એટલું જરૂર કે તેના એટલે કે ઈશ્વરના ઐશ્વર્યને જાણવા, સમજવા કે પ્રાપ્ત કરવા માટે તે (ધર્મ) સહાયભૂત અવશ્ય બની શકે.

‘અલ્હમ્દો લિલ્લાહે રબ્બીલ આલમીન’ અર્થાત ‘સઘળી પ્રશંસા તે અલ્લાહ (ઈશ્વર) માટે જ છે કે જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.’

– વલીભાઈ મુસા

 
12 Comments

Posted by on December 13, 2010 in લેખ

 

Tags: , , , , , , , ,

12 responses to “(237) ઈશ્વર વિષે ચિંતન

 1. dhavalrajgeera

  December 13, 2010 at 1:56 pm

  ઈશ્વરને માત્ર જાણી જ શકાય, ન તો એને શીખી શકાય કે ન તો તેનાં સ્થૂળ સ્વરૂપે પ્રત્યક્ષ દર્શન થઈ શકે. તે નિરંજન અને નિરાકાર હોવાનું જગતના લગભગ બધા જ ધર્મોએ સ્વીકાર્યું છે.
  કોઈ પણ ધર્મમાં ઈશ્વર માટેનું મૂળભૂત જે એક નામ હોય તેનું રટણ કરવું,
  સ્તુતિ કરવી,
  જપમાળા ફેરવવી કે શ્વાસની આવનજાવન સાથે તે નામનો તાલમેલ સાધવો એ વધુ ઇષ્ટ ગણાતું હોય છે.
  તેની અન્ય કોઈ એક કે વધારે સિફત (ગુણ)ના નામ કે નામોએ તેને પોકારવામાં કે સંબોધવામાં આવે અથવા તેનું રટણ કરવામાં આવે તો તે પણ જરાય અજુગતું નથી.
  Thy is only one and sits in all living being.
  Keep chanting,
  keep searching.
  Keep open eyes or close eyes thy is always there.One needs to live with that trust, Firm faith and sing Tu he to …tu he to… tu he to is my life.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Like

   
 2. pragnaju

  December 13, 2010 at 2:34 pm

  ગુઢ વિષયની સરળ રજુઆત

  આ અગે ચિંતન-મનનના અનેક વિચારો રજુ કરી શકાય પણ અમને આ સમજાય છે.
  ઇશ્વર આ સંસારમાં રહીને સતત પોતાની જાતનું દાન કરી રહ્યા છે. તેઓ પોતાને માટે કશું જ લેતા નથી. આપણો આત્મા પણ જો ઇશ્વરની તે પ્રકૃતિને પામે તો તે સત્યને જ પામે. તે પણ સંસારમાં ૈશ્વરની પાસે તેના સખારૂપે ઊભો રહીને પોતાને સંસારને ખાતર સમર્પણ કરી દે, પોતાના ભોગને માટે લાલચુ બનીને બધું જ પોતા તરફ ન તાણે. આ આપવામાં જ અમૃત છે, લેવામાં મૃત્યુ છે. ધન, દોલત, શક્તિ, સામર્થ્ય બધું જ સત્ય છે, જો આપણે એનું દાન કરીએ. – જો એ પોતે લેવા ઈચ્છીએ તો બધું જ મિથ્યા છે.

  Like

   
 3. DR. CHANDRAVADAN MISTRY

  December 13, 2010 at 10:49 pm

  “ઈશ્વર વિષે ચિંતન”ની પોસ્ટ વાંચી,

  “ઈશ્વર”નામની સમજ બાદ, એના “ગુણો” આધારીત તમે એના અનેક નામો કહ્યા.

  ચાલો….માનો એને “દિવ્ય શક્તિ”..માનો એને “રામ કે રહીમ”..કે પછી નિહાળો એને દરેક માનવીઓમાં રહેલા “આત્મા-પ્રકાશ”રૂપે.

  અને જો….આપણે આટલો સ્વીકાર કરીએ તો “માનવ-સેવા”…કે માનવ પ્રતેય “પ્રેમભાવ”દ્વારા આપણે “ઈશ્વર”ને જ પુજન કરી રહ્યા

  કહેવાય.

  હવે સવાલ રહ્યો…..”નિરાકાર” કે “સાકાર”નો !

  પ્રથમ, એને માનો “નિરાકાર”….અને ત્યારબાદ સ્વીકારો એ છે “સર્વમાં “…તો….આપણે એને અનેક સ્વરૂપે “સાકાર” નિહાળી શકીએ.

  પણ….તેમ છતાં, સવાલ ઉભો થાય છે કે ….કોઈએ ઈશ્વરને ખુદ નિહાળ્યો છે ?

  “જે ભાવે ભજે તેજ ભાવે એ મળે”..એવું હિન્દુ ધર્મ કહે..યાહુદી કે ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ સાથે “વાર્તાલાપ”ના દાખલાઓ છે..અને ઈસ્લામમાં

  પણ પેગંબરે “એની આવાજ”સાંભળી છે.

  જે સર્વ શક્તિમાન છે તેને “દિવ્ય શક્તિ” વગર નિહાળવું મુશકીલ છે…પણ, જરૂર એના ભાવ પ્રમાણે માનવીને “દર્શન”નો અનુભવ હોય શકે !
  પણ….હું એવું નથી કહેતો કે માનવીએ એના “સ્વરૂપ” કરવા જ જોઈએ..હું તો એ કહું છું કે
  “ઈશ્વર” એ “પરમ શક્તિ” છે..આટલો સ્વીકાર માનવી માટે એક “પાયો” છે ૧ આ પછી,
  એણે ઈશ્વરને પોતાનામાં નિહાળી, અન્યમાં નિહાળવા પ્રયાસ કરવો….આટલું કરતા એ
  જરૂર “સેવા/પ્રેમ”ના પંથે જાય છે…એનામાં એક “અનોખી જાગ્રુતિ” આવે છે..જે થકી,
  એને “ઈશ્વર મળ્યાના કે એના દર્શન કર્યાના”અનુભવ થાય છે !
  ………………ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai..Inviting YOU to Chandrapukar for the Post of “Jo Ji Dube Naa” Post on Home !

  Like

   
 4. Sharad Shah

  December 14, 2010 at 2:28 pm

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ્;

  જે નો કોઈ આદિ નથી કે અંત. જે અવ્યાખ્ય, નિરાકાર, નિરંતર, સર્વવ્યાપી છે તેનુ શું ચિંતન કે ચર્ચા હોઈ શકે? હા, ભેજામારી કરી શકાય. તર્કો, દલીલો અને દાવાઓ કરી શકાય. પણ બધું પત્થર પર પાણી છે.
  ઓશોથી માંડી અનેક સંતોએ આપણને ઈશ્વર તરફ ઈશારાતો કર્યા છે પણ વ્યાખ્યાઓ નહી. એક સાવ સાદો કેરીનો સ્વાદ પણ જ્યારે અવ્યાખ્ય છે તો ઇશ્વરની તો વાત જ ક્યાં કરીએ.શીધું સાદુ ગણિત છે કે આંધળાએ પ્રકાશનો અનુભવ કરવો હોય તો આંખનો ઇલાજ જ કરવો પડે. ગમે તેટલી સારી વ્યાખ્યા તેને પ્રકાશનો અનુભવ ન કરી શકાવે.
  પર્ંતુ આપણી સમસ્યા જ એ છે કે આપણે આંધળા છીએ તે મન સ્વિકારતું જ નથી. વળી પ્રકાશના અનુભવની કોઈ ભિતર પ્યાસ પણ નથી.સાચા હ્રુદયથી આપણે આપણી જાતને પૂછીએ કે શું તારે ઇશ્વર જોઈએ છે? તો સાચો જવાબ એજ આવશે કે “ના”. પર્ંતુ આપણો ખ્યાલ છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, સ્રુશ્ટિનો રચનાર છે, તે જે ધારે તે કરી શકે છે. તેથી આપણુ મન કહે છે કે ઇશ્વરને મેળવીને હું પણ સર્વશક્તિમાન બની જાઉં. ભિતર મંથન કર્યે ખબર પડશે કે પ્યાસતો કાંઇક જુદી જ છે અને બહાર દેખાડો આપણે કાઈક જુદો જ કરી રહ્યા છીએ. અને નવાઈ ની વાત તો એ છે કે આપણા મનની આ બધી છેતરામણીની આપણને પણ ખબર પડતી નથી. આ ખબર પડવા માંડે એટલે ઇશ્વર તરફની યાત્રા શરુ થાય છે.
  બાકી તો ઇશ્વર કોઇને અત્યાર સુધી મળ્યો નથી કે મળવાનો પણ નથી. શ્રી રમણ મહર્શિ કહેતાં,” નમકની પૂતળી સાગરની ઉંડાઈ માપવા નીકળે, તેમ આપણે ઈશ્વરને શોધવા નીકળીએ” પણ હા આ શોધમાં એક ઘટના જરુર ઘટે છે કે નમકની પૂતળીનુ અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને જે બચે છે તે સાગર. બસ બુદ્ધ્ મહાવીર, જીસસ, મહંમદ, મીરા, ક્રુષ્ણ કે ઓશો સાથે આ જ હટના બની હતી. એટલે જ નાનકસાહેબએ ગાયું કે”ગુરુ પરમેશ્વર એકો જાન” કે કબીર ને કહેવું પડ્યુ કે “જબ મેં થા તબ હરિ નહી અબ હરી હૈ તો મૈ નાહી.”
  પણ આપની પાસે અનેક કાન હોવાથી આપણે તેમની વાત સાંભળતા જ નથી.અને અનેક આંખ હોવાથી ઇશ્વરને નિહાળી શકતા નથી. બસ કેવળ આંખ જ ઉઘાડવાની છે. બાકી હરી દર્શન દુર્લભ નથી. રામમા તો હરી ક્યારેક દેખાઈ જાય છે પણ રાવણ મા હરી દેખાવ મૂશ્કેલ છે. જે દિવસે રાવણમા પણ દેખાવા લા ગે ત્યારે સમજવું કે હવે સાચા માર્ગપર છીએ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

   
 5. Dilip Gajjar

  December 14, 2010 at 6:35 pm

  આદરણીય વલીભાઈ આપનો લેખ મેં સાદ્યંત ઝીણવટ પૂર્વક અને મારા અભ્યાસની સમજ પ્રત્યક્ષ રાખી વાંચ્યો ..આપની સમજ અને અભ્યાસ માટે આદર થયો ..વિવિધ સંપ્રદાય કે ધર્મો કે નામો અને આચાર્ય રજનીશ જઈ કહે તે..શીખવી ન શકાય ..ઓશોએ તો એમ પણ કહ્યું કે ધર્મ એ બહુવચન નથી ..એકવચન છે જુદા ન હોઈ શકે..આપના લેખ પરથી આપની વ્યાપક ભાવના સ્પષ્ટ થઇ ..વિષ્ણુ સહસ્ત્ર નામ માં પણ હાજર નામોનો ઉલ્લેખ છે ..તેમાં એક નામ વિશેષણ ..સર્વ સર્વ શિવાસ્થાણુ..સર્વ તેનું નામ છે ..ટોટલ ..

  વનમહી વિહરતા ધીરે ધીરે તુજ પગલા પડે
  આભ ધરતી વૃક્ષ રસ્તે સ્થિરતા નજરે ચડે
  આજ મારગ, આ જ કર્મો, આ જ, સાચો ધર્મ છે
  ‘હું’ જ બીજો ના જ તે પાંચે, ‘જ’ કારે આથડે
  દિલીપ ગજજર

  Like

   
 6. અક્ષયપાત્ર/Axaypatra

  December 15, 2010 at 2:50 am

  ઈશ્વર એટલે કે અદ્રશ્ય એવી પરમ શક્તિનો એક અંશ આપણામાં પણ છે જ ને? આ અંશથી જ એટલે કે જાતને ઓળખવાથી જ ઈશ્વરની થોડીઘણી ઓળખ તો મેળવી જ શકાય એમ મારૂં અલ્પજ્ઞાની મન તર્ક કરે છે. જેને હું સત્ય માનું છું.

  Like

   
 7. Ramesh Patel

  December 15, 2010 at 5:00 am

  સાત સાગરની શાહી બનાવી ,પૃથ્વી જેટલો વિશાળ કાગળ પર પણ વર્ણવી ના શકાય
  તેવું ઐશ્વર્ય જેનું છે..તેને આપણી અલ્પમતિ થાકી ને કહે છે ..તેનાથી પણ તું વિશેષ છે.
  આ મનનીય લેખથી, પરમેશ્વરની સાથે મન જગત દ્વારા તાદમ્યતા સાધવાની જીજ્ઞાસા
  માટે આદરણીય મુસાભાઈને અંતરથી નમન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   
 8. Sharad Shah

  December 15, 2010 at 10:43 am

  Revised one> For more clarity.
  પ્રિય વલીભાઈ;
  પ્રેમ્;
  જે નો કોઈ આદિ નથી કે અંત. જે અવ્યાખ્ય, નિરાકાર, નિરંજન, સર્વવ્યાપી,રંગ-રુપ,સ્વાદ, ગંધ,સમય અને કાળથી પર છે તેનુ શું ચિંતન કે ચર્ચા હોઈ શકે? હા, ભેજામારી કરી શકાય. તર્કો, દલીલો અને દાવાઓ કરી શકાય. પણ બધું પત્થર પર પાણી છે.
  ઓશોથી માંડી અનેક સંતોએ આપણને ઈશ્વર તરફ ઈશારાતો કર્યા છે પણ વ્યાખ્યાઓ નહી. એક સાવ સાદો કેરીનો સ્વાદ પણ જ્યારે અવ્યાખ્ય છે તો ઇશ્વરના સ્વાદની તો વાત જ ક્યાં કરીએ.સીધું સાદુ ગણિત છે કે આંધળાએ પ્રકાશનો અનુભવ કરવો હોય તો આંખનો ઇલાજ જ કરવો પડે. ગમે તેટલી સારી વ્યાખ્યા તેને પ્રકાશનો અનુભવ ન કરાવી શકે.
  પરંતુ આપણી સમસ્યા જ એ છે કે આપણે આંધળા છીએ તે મન સ્વિકારતું જ નથી. વળી પ્રકાશના અનુભવની કોઈ ભિતર પ્યાસ પણ નથી.સાચા હ્રુદયથી આપણે આપણી જાતને પૂછીએ કે શું તારે ઇશ્વર જોઈએ છે? તો સાચો જવાબ એજ આવશે કે “ના”. પરંતુ આપણો ખ્યાલ છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, સૃશ્ટિ નો રચનાર છે, તે જે ધારે તે કરી શકે છે. તેથી આપણુ મન કહે છે કે ઇશ્વરને મેળવીને હું પણ સર્વશક્તિમાન બની જાઉં. ભિતર મંથન કર્યે ખબર પડશે કે પ્યાસતો કાંઇક જુદી જ છે. પ્યાસ છે શક્તિની,એશોઆરામની,સુખસગવડોની,નામનાની, ધનદોલતની, સુંદર સ્ત્રી કે પુરુષની, ઈચ્છીત ચીજવસ્તુઓ મેળવવાની, અને બહાર દેખાડો આપણે કાઈક જુદો જ કરી રહ્યા છીએ. અને નવાઈ ની વાત તો એ છે કે આપણા મનની આ બધી છેતરામણીની આપણને ખબર પણ પડતી નથી. આ ખબર પડવા માંડે એટલે ઇશ્વર તરફની યાત્રા શરુ થાય છે.
  બાકી તો ઇશ્વર કોઇને અત્યાર સુધી મળ્યો નથી કે મળવાનો પણ નથી.જેનો કોઈ આદી કે અંત નથી તેને કેમ શોધવો? આપણને મળેલ જ્ઞાનેન્દ્રિયો ઈશ્વરના અનુભવ માટે વામણી હોય, અને ઇશ્વર બુદ્ધિથી પર હોય તો તે શોધાય કેમ? તેનો અનુભવ કરાય કેમ? આથી જ શ્રી રમણ મહર્શિ કહેતાં,” નમકની પૂતળી સાગરની ઉંડાઈ માપવા નીકળે, તેમ આપણે ઈશ્વરને શોધવા નીકળીએ છીએ” પણ હા આ શોધમાં એક ઘટના જરુર ઘટે છે કે નમકની પૂતળીનુ અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને જે બચે છે તે સાગર. બસ બુદ્ધ્ મહાવીર, જીસસ, મહંમદ, મીરા, ક્રુષ્ણ કે ઓશો સાથે આ જ ઘટના બની હતી. તેઓ ઇશ્વર શોધતાં શોધતાં ખુદ તો ખોવાઈ ગયા અને જે રહ્યો તે ઈશ્વર હતો. એટલે જ નાનકસાહેબએ ગાયું કે”ગુરુ પરમેશ્વર એકો જાન” કે કબીર ને કહેવું પડ્યુ કે “જબ મેં થા તબ હરિ નહી અબ હરી હૈ તો મૈ નાહી.” પણ કૃષ્ણકે કબીરમાં કે મહાવીર કે મહંમદમાં ઇશ્વર જોવાની આંખ આપણી પાસે ક્યાં છે?
  સંત મિખાઈલ નેઈમી કહેતા, “આપની પાસે અનેક કાન હોવાથી આપણે તેની વાત સાંભળતા જ નથી.અને અનેક આંખ હોવાથી ઇશ્વરને નિહાળી શકતા નથી.” બસ કેવળ આંખ ના ઈલાજની અને આંખ ઉઘાડવાની જ જરુર છે. બાકી ઇશ્વર દર્શન દુર્લભ નથી. રામમા તો ઈશ્વર ક્યારેક દેખાઈ જાય છે પણ રાવણ મા ઈશ્વર દેખાવા મૂશ્કેલ છે. જે દિવસે રાવણમા પણ દેખાવા લા ગે ત્યારે સમજવું કે હવે સાચા માર્ગપર છીએ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

   
 9. Suresh Jani

  December 16, 2010 at 1:44 pm

  I am sorry for not being able to type in Gujarati as Im in a cyber cafe.

  In my humble opinion….
  Wheher God is there or not and what is his/ her form … is a matter of conjectures.
  But..
  The concept of God is NECESAARY for man – with a many faced mind. Its pursuit in any form/ format empowers him/ her.

  Like

   
 10. Suresh Jani

  December 16, 2010 at 1:47 pm

  ‘ઈશ્વરનો જન્મ’
  Read at –
  http://gadyasoor.wordpress.com/2009/07/07/birth-of-god/

  Like

   
 11. naresh shekhaliya

  April 1, 2011 at 7:47 am

  hello sir,

  i like this article and daily read this your blog and visit to kandoar.com

  thanks & regards

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: