RSS

Tag Archives: લેખ

(275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

(275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

હાસ્યદરબારનાં કલ્પિત નવેય રત્નો પૈકીના આ છેલ્લા રત્નના પરિચયલેખ થકી મારી હળવી જહેમત તમામ થશે. મુજ અપવાદે બધાં જ રત્નોને સ્વપરિચય થકી સંભવિત આત્મશ્લાઘારૂપી આત્મહત્યાથી બચાવવા માટે એ કામ મારાથી થાય તેવો ઉપાય તો વિચારાયો, પણ હિંદી ફિલ્મ ‘શોલે’માંના ડાકુ ગબ્બરના મુખે બોલાએલા સંવાદ ‘કાલિયા, તેરા ક્યા હોગા!’ની જેમ હાદના માંધાતાઓએ એવો કોઈ ઉદગાર કાઢ્યો ખરો કે ‘વલિયા, તેરા ક્યા હોગા!’. મને ‘વલિયા’ તરીકે ઓળખાવતાં મને ખુદને એવી મજા પડી કે જાણે મારા શૈશવકાલીન મિત્રોમાંના કોઈ એકે આ સિત્તેરના આયખે મીઠાશભર્યા આ ઉપનામે મને સંબોધ્યો હોય!

ઓલ્યા માંધાતાઓએ ‘વલિયા’ની જરાય ચિંતા કરવાની જરૂર નથી! તે ‘વલીભાઈ’ અને ‘વિલિયમ’ એવાં ઉભય નામે ઓળખાય છે અને તે કોઈ એક બનીને અન્ય વિષે અથવા તે બંને બનીને હાદઓળખે ‘વલદા’ માટે તટસ્થભાવે લખી શકશે, જેમાં આત્મશ્લાઘા (સ્વપ્રશંસા)નો અણસાર સુદ્ધાં નહિ હોય! ચલચિત્રો, નાટકો, નવલકથાઓ કે નવલિકાઓમાંનાં પાત્રો સ્વગતોક્તિઓ દ્વારા પોતાનાં જ વિરોધાભાસી મંતવ્યો કે વિચારધારાઓ વ્યક્ત કરતાં હોય છે, તેવું જ મારે અહીં કંઈક કરવું પડશે. વળી ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી? રીંગણાં લઉં બેચાર? લે ને દસબાર!’ વાળો માર્ગ તો છે જ ને! આપ લોગ આગે આગે દેખતે જાઓ, ક્યા હોતા હૈ? હાદ ઉપરનાં મારાં યોગદાનોએ આવેલા પ્રતિભાવોમાં પ્રશંસાત્મક હશે તે જે તે પ્રતિભાવકના નામે અને ટીકાત્મક હશે તે મારા તરફથી રજૂ કરીશ, પછી ક્યાંથી ઔચિત્યભંગ કે આપવડાઈનો સવાલ ઊભો થશે, હેં!

તો હું મૂળ એવા વલીભાઈ ઊર્ફે વિલિયમ નામના લેખક તરીકે હાસ્યદરબારે ‘વલદા’ નામે જાણીતા તેવા તેમના વિષેનો આ લેખ લખતાં મરકમરક સ્મિત કરી રહ્યો છું. ભાઈશ્રી વલદાએ હાસ્યદરબારે ‘બીજું તો શું વળી? ‘ શીર્ષકવાળા ટચુકડા હાસ્યલેખે ભારતીય નાણાંકીય વર્ષ 2009-10ના છેલ્લા દિવસે યાને 31મી માર્ચ, 2010ના રોજ કોઈ હિસાબી હવાલાની એન્ટ્રીની જેમ એન્ટ્રી લીધી. ધીમે ધીમે ભાઈશ્રી વલદા હાસ્યદરબારે વિવિધ કૃતિઓ દ્વારા જામતા ગયા અને સદરહુ બ્લોગના રખેવાળ ડો. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સુરેશભાઈ જાની માત્ર જ નહિ, પણ વિવિધ માર્ગે અને રીતિએ હાદ ઉપર આવતાંજતાં અન્ય નરનારીઓ સાથે પણ તેમનો મિત્રતાભાવ જામતો ગયો.

હાસ્યદરબાર ઉપરની ભાઈશ્રી ‘વલદા’ની તમામ એન્ટ્રીઓ વિષે સ્થળસંકોચના કારણે અહીં લખી શકાય તેમ નથી, પણ KBC ના કાર્યક્રમના સંચાલકશ્રી અમિતાભ બચ્ચનના સંબોધન એવા ‘કોમ્પ્યુટરજી’ ના રૂડા પ્રતાપે તમારા કોમ્પ્યુટરના ઊંદરડા મારફતે તમે ‘વલીભાઈ મુસા’ નામે ‘શોધ’ ચલાવીને એ બધી (એન્ટ્રીઓ) વિષે જાણી શકશો. આજકાલ શ્રીમાન ‘વલદા’ને ‘હાઈકુ’ કાવ્યપ્રકારના પ્રયોગશીલ કે પ્રયોગવીર સર્જક તરીકે ખૂબ ચગાવવામાં આવી રહ્યા છે, જે અતિશયોક્તિપૂર્ણ અને વાહિયાત વાત છે. એમાંય વળી ચુલાની સાક્ષી ભૂંગળી પૂરે તે ન્યાયે ભાઈશ્રી સુરદા ભાઈશ્રી વલદા વિષે તેમની ઈ-બુક “વિલિયમનાં હાસ્ય હાઈકુ” માં લખે છે, “વલીભાઈનાં હાસ્યહાઈકુએ અમારા માટે સૂક્ષ્મ વિનોદ સાથે આવી ચર્ચા કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એમનો તો હાસ્ય દરબાર વતી આભાર માનું તેટલો ઓછો છે. અત્યાર સુધીમાં 1000 પોસ્ટ અહીં મૂકી છે; પણ એ બધામાં સૌથી વધારે ચર્ચા ‘હાસ્યહાઈકુ’એ જગાડી છે, આ જ એની સફળતા બતાવે છે.”

શ્રી સુરદાજી આટલેથી ન અટકતાં હજુ વલદાને ચણાના ઝાડ ઉપર ચઢાવતાં આગળ લખે છે: “હાસ્યના અનેક પ્રકાર હોય છે.’હાસ્યહાઈકુ’એ એક નવો ચીલો પાડ્યો છે. આ પ્રકાર રચવામાં થોડો સહેલો છે, આથી જ મારા જેવા અકવિઓ પણ ‘હાસ્યહાઈકુ’ બનાવતા થયા છે. 17 જ અક્ષરોથી વિનોદ અને વિચાર સર્જવો એ એટલું જ કઠણ કામ પણ છે. અમે સૌ વલીભાઈની આગેવાની નીચે આ શીખી રહ્યા છીએ.”

પરંતુ, વલદા એમ કંઈ ચણાના ઝાડ ઉપર ચઢી જાય તેવા અધીરા નથી. તેઓશ્રી પોતાના અંગત બ્લોગ ઉપરના આર્ટિકલ ‘એ યાદગાર સાંજ …’ ઉપર આ શબ્દોમાં પોતાનું બચાવનામું રજૂ કરતાં લખે છે:” ’હાઈકુ’ અંગેના મારા પ્રયોગો સાવ નવીન જ હોવાનો મારો કોઈ દાવો નથી, તેમજ એ પ્રયોગોને ‘સ્વીકાર્ય’ ની મહોર લાગે તેવી મારી કોઈ અપેક્ષા પણ નથી. ‘હાઈકુ’ ના સત્તર અક્ષરો કે જે છંદ રહિત હોય છે તેવાં હાઈકુથી હાઈકુ-સોનેટ કે હાઈકુ-ખંડકાવ્ય કે પછી એવા કોઈ કાવ્યપ્રકારનું નામાભિધાન કરી દેવું યથાર્થ તો નથી જ. ‘હાઈકુ’ પોતે એક કાવ્ય પ્રકાર છે અને તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે તેવી તેની પાયાની શરત હોય છે. હવે મારા ઉપરોક્ત કહેવાતા હાઈકુ આધારિત અન્ય કાવ્યપ્રકારોમાં પ્રત્યેક હાઈકુને અન્યો ઉપર અવલંબિત રહેવું પડશે, જે હાઈકુના મૂળભૂત લક્ષણને હાનિકારક પુરવાર થશે. હા, મારા હાઈકુ ઉપરના પ્રયોગોની એક બીજી વાત કદાચ યથાર્થ ગણાશે છે કે મારી જેમ કોઈ હાઈકુકાર પોતાનાં હાઈકુને સાહિત્યના રસો અનુસાર જુદીજુદી શ્રેણીઓ કે હાઈકુપ્રકાર તરીકે ઓળખાવી શકે; જેમ કે હાસ્ય-હાઈકુ, વિષાદ કે કરૂણ હાઈકુ વગેરે.”

વિલિયમે પોતાના Parent Blog “William’ Tales” ના પોણા ત્રણસો જેટલા ગુજરાતી અને અંગ્રેજી લેખોનું વર્ગીકરણ કરીને બંને ભાષામાં પચીસેક જેટલી ઈ-બુક્સ બનાવવા માટેની પૂર્વતૈયારી કરી દીધી છે. આ બધામાં “હળવા મિજાજે’માં વીસેક જેટલા લેખોનો સમાવેશ કર્યો છે. રસિકજનો પણ પોતાના મિજાજે હળવા થવા માગતા હોય તો તેઓ ઉતાવળ કર્યા વગર સાવ હળવે હળવે ‘હળવા મિજાજે’ ની સફર કરી આવી શકે છે. એ બધા લેખો વિષે તેનો લખનાર તો ગમે તેવી લોભામણી વાતો કરે, પણ મીઠાઈવાળાની દુકાનેથી મીઠાઈ ખરીદવા પહેલાં થોડીક ચાખી લઈએ તેમ એકાદ બે લેખો વાંચ્યા પછી જ બધા વાંચવા માટેનું દુ:સાહસ ખેડવું! હા, એક વાતની સ્પષ્ટતા કરવી સારી કે કેટલાક લેખો એવા હશે કે જે વાંચવાથી ઓછા દબાણવાળા વીજપ્રવાહથી ટ્યુબ લાઈટ ન ઉપડે તેવું પણ કોઈકને તેમાંના નર્મ મર્મને સમજવામાં બને! માફ કરજો ભાયાઓ અને બાઈ માણસો, આ કંઈ આપ સૌની રમુજવૃત્તિને Under Estimate (અવમૂલ્યાંકિત) કરવાની વાત નથી. કોઈક વાર બહેરા માણસે બે વાર હસવા જેવું મારે, તમારે કે કોઈને પણ બની શકે!

હાસ્યદરબારનાં મૂળભૂત નવ અને પાછળનાં ઉમેરાએલાં બે અડધિયાં મળીને કુલ સંખ્યાએ અગિયાર નંગ (ડઝનમાં એક ઓછું) રત્નો કે જે હાસ્ય દરબારના દફતરે દસની સંખ્યામાં બોલે છે તેવાં રત્નોની પરિચયલેખમાળા ભાઈ વલદાએ પૂર્ણ કરી છે. તેમની સંયમશીલ કલમ (પણ વાસ્તવમાં કોમ્પ્યુટરના કી બોર્ડ ઉપર કામ કરતાં તેમનાં સંયમશીલ આંગળાં)ને ધન્યવાદ ઘટે છે કે તેમણે નિખાલસ ભાવે અને મુક્ત મને એ સઘળાં રત્નો વિષે જે કંઈ લખ્યું છે તે અંગે કોઈની રાડફરિયાદ આવી નથી. તેમના લખાણને બિરદાવવા માટે બાવન અક્ષરો કામ આવે તેમ નથી અને ત્રેપનમો તેમને લાગુ પડે તેમ નથી. ‘હાસ્યદરબાર’ બ્લોગનું સંચાલન (કારકુની કામ) ભલે રાત્રિ કે સુરદા કરતા હોય, પણ હસાહસનો આ બ્લોગ વક્તા અને ભોક્તા સૌનો સહિયારો છે. ‘ખેડે તેની જમીન અને રહે તેનું ઘર’ની જેમ આ બ્લોગ ઉપરના લેખકો, વાંચકો અને પ્રતિભાવકો જે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના સહવાસમાં આવે તે બધાયનો છે.

હ્યુસ્ટન-નિવાસી વલદાના જૂના (જૂના થઈ ગએલા નહિ, પણ સદૈવ તરોતાજા જ!) મિત્ર શ્રી વિજયકુમાર શાહે તેમના હ્યુસ્ટન ખાતેના તેમના સાહિત્યરસિકો સાથેના સ્નેહસંમેલનના અહેવાલમાં તેમની સંભવિત ઈ-બુક્સની વાત કહી છે. ‘દિલકો બહલાનેકે લિએ ગાલિબી ખયાલ અચ્છે હૈ!’ ની જેમ શ્રી વલદા તો માને છે કે એ બધું થાય ત્યારે થયું ગણાય, પણ એક વાત નિશ્ચિત છે કે તેમની ગુજરાતી અને અંગ્રેજીની અંદાજિત પચીસ ઈ-બુક્સમાં છવ્વીસમી એક વધુ ઈ-બુક “હાસ્ય દરબારનાં રત્નો” નામે ઉમેરાશે, જેમાં રત્નાંક – 9 સુધીનાં નવ પ્રકરણો અને Liar અને Lawyer એ નામનાં અડધિયાં રત્નો ઉપરનાં ત્રણ પ્રહસનો સાથે કુલ ડઝન પ્રકરણો હશે.

આ લેખનો અંત (મોત ન સમજતા!) નજીક આવી રહ્યો છે અને ભાઈશ્રી વલદાની એવી મનોભાવના છે કે તેમના હાસ્ય હાઈકુ સોનેટ ‘મિષ્ટ દાંપત્યે’ અને ‘લ્યો રે, ઘર આંગણે લ્યો રે!’ કે જે વાંચકો માટે માઉસવગાં છે, તેને મફત સમજીને વાંચે! મફત એટલે કે વાંચનારે કંઈ પણ નથી ચુકવવાનું એ અર્થમાં નહિ, પણ વલદા વાંચવા માટેના પ્રલોભન તરીકે અડધી કે આખી ચા અથવા કોફીના કોઈ પૈસા ચુકવશે નહિ એમ સમજવાનું છે. તેમના આ કથનને આસાનીથી વગર પાણીએ ગળા નીચે ઊતારવા માટે “હાસ્ય દરબારનાં રત્નો – 4 (રત્નાંક – 4) * ભરત પંડ્યા” ના ઉત્તરાર્ધને વાંચી જવાની તેઓશ્રી ભલામણ કરે છે.

છેલ્લે, ભાઈશ્રી વલદા વતી હું તેમના એક વિચારને અપનાવવાની ભલામણ કરું છું કે વિશ્વભરમાંથી ભ્રષ્ટાચારને જો નાબુદ કરવો હોય તો વિશ્વના દરેક નાગરિકે કેટલાક રમુજી ટુચકા જીભવગા રાખવા કે જે થકી ભ્રષ્ટ અધિકારીઓને રોકડ લાંચના બદલે તેમને કહી સંભળાવીને તેમને મનોરંજન આપી શકે અને જરૂર લાગે તો બોનસમાં તાળીની આપલે દ્વારા પોતાનાં સાચાં કામોને વેળાસર પૂરાં કરાવી શકે!

હસે તેનું ઘર વસે (જો અપરીણિત હોય તો!)

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(સંપૂર્ણ)


 

Tags: ,

(274) હાસ્ય દરબારનાં રત્નો – 8 (રત્નાંક – 8) * પ્રજ્ઞાબેન વ્યાસ

(274) હાસ્ય દરબારનાં રત્નો – 8 (રત્નાંક – 8) * પ્રજ્ઞાબેન વ્યાસ

પ્રજ્ઞાબેન વ્યાસ (8)

ગુજરાતી બ્લોગજગતના હજારો બ્લોગર અને લાખો વાંચકોમાં જેમનું નામ જાણીતું છે તેવાં સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસને માત્ર હાદરત્ન તરીકે જ ઓળખાવવાં એ તેમની બહુમુખી પ્રતિભા સાથે અન્યાયથી વર્તવા બરાબર છે. પરંતુ મારી મર્યાદા એ છે કે મારે તેમના હાસ્યદરબારને આનુષંગિક યોગદાનને જ મધ્યે નજર રાખીને આ લેખ લખવાની જવાબદારી સોંપાઈ છે. તેમના વિષે હાસ્ય દરબારમાં ભલે પ્રથમ વાર લખતો હોઉં, પણ મારા પોતાના બ્લોગ William’s Tales ઉપર ભાવપ્રતિભાવ શ્રેણીએ તેમના વિષે “ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)” શીર્ષકે લખી ચૂક્યો છું. હાદજનો તેમના વિષે વિશેષ કંઈક જાણવા માટેની પોતાની અપેક્ષાને તે લિંકે જઈને સંતોષી શકશે.

‘હાસ્યદરબાર’ એક બ્લોગનું શીર્ષક માત્ર છે, જેને મોગલ શહેનશાહ અકબરના દરબાર જેવી વિભાવનાએ સમજવામાંથી દરબારીરત્નોની કલ્પના થઈ, જેમને આ લેખમાળામાં ‘હાસ્યરત્ન’ના બિરૂદે ઓળખાવવામાં આવે છે. ‘હાસ્યદરબાર’ બ્લોગ સફળતાનાં શિખરો સર કરી શક્યો છે, તેમાં છૂપાં કેટલાંય રત્નોનો સહયોગ સાંપડ્યો હોઈ અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈને કોઈની ઉપર શ્રેષ્ઠતા આપવાનો અહીં લેશમાત્ર ઈરાદો નથી. બ્લોગના પ્રાયોજકો તરફથી કોઈ ચોક્કસ ધોરણોનો વિચાર કર્યા સિવાય સહજ અને સ્વાભાવિક રીતે (Random) જ એક યાદી મને સુપરત થઈ અને હાદજનોના મનોરંજનને લક્ષમાં રાખતાં આ લેખમાળા લખાતી ગઈ. નવ હાદરત્નો તો વાસ્તવિક નામધારી છે, પણ 10 A અને 10 B ક્રમે આવતાં રત્નો સાવ કાલ્પનિક છે અને તેમને અનુક્રમે Liar અને Lawyer નામે ઓળખાવ્યાં છે. 10મા રત્નનાં સહભાગી એવાં આ બે અડધિયાં રત્નો વિષેની રસપ્રદ જાણકારી “કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) : 1-2-3” દ્વારા મેળવી શકાશે. અહીં આ ફકરે થએલી આડવાતને માફી સાથે સમેટતાં હું આ લેખના વિષયે નીચે આગળ વધું છું.

પ્રજ્ઞાબેનનો “નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક” શીર્ષકે પોતાનો સહિયારો કૌટુંબિક બ્લોગ છે, જેમાં પોતે, પોતાના પુત્ર પરેશ અને પુત્રી યામિનીના લેખો હોય છે. કેટલાક લેખો અનામી તો વળી કોઈક સંપાદિત પણ હોય છે. અહીં તેઓશ્રી પોતાનો પરિચય સાવ સંક્ષિપ્તમાં આ શબ્દોમાં આપે છે “પ્રજ્ઞા પ્રફુલચંદ્ર વ્યાસ; જન્મ-સુરત; હાલ અમેરિકા; શોખ: વાંચન, રાસ-ગરબા, સંગીત, નાટકો ને રખડવું.” ભાઈ પરેશની ‘શબદ કીર્તન’ મથાળે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતી લેખશ્રેણીમાં આપણે હેરત પામીએ તેવી શબ્દ કે શબ્દસમૂહની માહિતી મેળવી શકીએ છીએ. વળી તેમનું અનુવાદિત પુસ્તક “O’henry ની સદાબહાર વાર્તાઓ” ગુજરાતીમાં અનુવાદિત થએલા સાહિત્યના એક ઘરેણા સમાન છે. બહેન યામિની કવયિત્રી અને નાટ્યલેખિકા (‘રણમાં ખીલ્યું પારિજાત’ આદિ નાટકો) હોવા ઉપરાંત ઘણુંબધું છે, તો પ્રફુલ્લભાઈ પોતાના કુટુંબરૂપી બ્રહ્માંડના જાણે કે બ્રહ્મા હોય તેમ નિર્લેપભાવે પત્ની અને સંતાનોની બહુપાંખીય પ્રવૃત્તિઓ નિહાળી રહ્યા હોય તેમ લાગે છે! જો કે પ્રફુલ્લ્ભાઈ વિષેનું આ વિધાન ખાત્રીબંધ હોવાની બાબતમાં હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું સંતોષજંનક રીતે આ પરિવારની સાહિત્યિક અને અન્ય પ્રવૃત્તિઓ વિષે સંશોધન કરી શક્યો નથી.

હાસ્યદરબારમાં પ્રજ્ઞાબેનનું ખાસ કોઈ લેખો રૂપે તો નહિ, પણ મુખ્યત્વે પ્રતિભાવો સ્વરૂપે યોગદાન રહ્યું હોય તેમ લાગે છે. મારી યાદદાસ્તના બળે હું કહી શકું કે પ્રજ્ઞાબેન સાથેનું મારું નૈકટ્ય મારી હાસ્યહાઈકુઓની લેખમાળાના શરૂઆતના તબક્કે તેમના પ્રતિભાવમાં તેમણે લખેલા સરસ મજાના અનુહાઈકુથી સધાયું હતું. મારા વાંચકોની જિજ્ઞાસાની તૃપ્તિ અર્થે એ હાઈકુ અને અમારી વચ્ચે ભાવપ્રતિભાવની થએલી આપલે સહિતનો અક્ષરશ: અહેવાલ લેખની કદમર્યાદા અંગેના મારા ભયને અવગણીને પણ આપ્યા વિના રહી શકીશ નહિ. મારું પોતાનું હાઈકુ આ હતું “દૃષ્ટિઘૂંટડા / ભરી, રહ્યાં ખામોશ ! / ગળ્યાં શું જિહ્વા !” પ્રજ્ઞાબેને પણ પોતાની લાક્ષણિક ઢબે ‘ખામોશ’ શબ્દને પકડીને અનુહાઈકુ આમ આપ્યું હતું, “શમા ખમોશ / અગ્નિની જિહ્વા લાંબી / રચે દોઝખ” અને પછી તો જામી પડી અમારી વચ્ચે વિદ્વતાપૂર્ણ ચર્ચા. તેમના હાઈકુ પરત્વે મેં લખ્યું, “’કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું! દુન્યવી શમાને એક તો અગ્નિના ઉગમસ્થાન હોવાનું સ્થાયી દુ:ખ અને પરવાનાને ભસ્મીભૂત થતું જોવાનું હંગામી દુ:ખ. ધર્મશાસ્ત્રો કહે છે કે પારલૌકિક દોઝખને આવી લાગણીઓ નહિ થાય, કેમ કે તેને તો પાપીઓને બાળવાની કામગીરી સોંપાઈ હોઈ એ તો કરિયાદ કરતી જ રહેશે કે ‘હું તો હજુ ભૂખી છું!’

પણ, મને એક વાતનું દુ:ખ થાય છે કે ફૂલદાની તો દિવાનખંડમાં શોભે, નહિ કે વરંડે! ઉમદા હાઈકુ અને કોમેન્ટે!

વિહંગ આંખે આપનો બ્લોગ જોઈ આવ્યો અને ગુણવત્તાસભર રચનાઓથી પ્રભાવિત થયો છું.

છેલ્લે થોડી હાઈકુ વિષેની ગપસપ કરી લઈએ. જાપાનીઓ ટૂંકા પને હોઈ, વાલીડાઓ, તેમના કદ જેવું હાઈકુ લઈ આવ્યા! હાઈકુકારને જ ખબર પડે કે પોતે શું લખ્યું. વાંચકોને તો સમજાવવું પડે, જેવી રીતે બાળચિત્રકારે પક્ષીના ચિત્ર નીચે લખવું પડે કે ‘આ મોર છે, આ કબુતર છે!’

પ્રથમ પરિચયે છૂટછાટ વધારે લેવાઈ ગઈ, નહિ! કંઈ વાંધો નહિ, કેમ કે આ તો હાસ્ય દરબાર છે ને!

રજા લઉં તો, વળી ક્યાંક ભટકાઈશું! ધન્યવાદ.”

(મારા ઉપરોક્ત “ઉમદા હાઈકુ અને કોમેન્ટે!” ઈશારાને ધ્યાને લેતાં પ્રજ્ઞાબેને પોતાના બ્લોગ (દિવાનખંડ!) ઉપર શમા અને દોઝખની આગનાં જીવંત (Live) ચિત્રો સાથે તે હાઈકુને “હાઈકુ…પ્રજ્ઞાજુ વ્યાસ/ રસદર્શન શ્રીવલીભાઈ મુસા” શીર્ષકે સ્થાન આપી પણ દીધું.)

જવાબ આપ્યા વગર રહે તો પ્રજ્ઞાબેન શાનાં! તેમણે લખ્યું :“’કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું.’ ‘કવિ વલી ગુજરાતી’ની સ્મૃતિમાં સ્થપાયેલ વલી ગુજરાતી અકાદમી દ્વારા દર વર્ષે એક ગુજરાતી ગઝલકારને ગઝલક્ષેત્રે તેમણે અર્પેલાં પ્રદાનને અનુલક્ષીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ આપવામાં આવે છે, જેનું દરેક સાહિત્યકારને સ્વપ્ન હોય છે.

મારી દિકરી યામિનીને ગઝલ, ગીત, કાવ્યો રચતાં જોઉં અને મને રચનાકાર થવાનાં સ્વપ્નાં આવે. તેણે ખિસ્સાકોશ, ડીક્ષનરી વગેરે લઈને બેસવું, રદીફ, કાફિયા, મત્લા, મત્કા વિ.ની યાદી બનાવવી, હાલને તબક્કે જોડણીની છૂટ ન લેવી અને ગઝલ બનાવી. તે જોબ પરથી આવી ત્યારે વંચાવી. તેણે કચરાપેટીમા પધરાવીને લખવાનું માંડી વાળવા કહ્યું.

ત્યાર બાદ ચિ. મોનાએ પ્રયત્ન કર્યો. ખૂબ જ નબળા અછાંદસને ધરમૂળમાંથી મઠારીને આન્ટીના નામે છાપ્યું! મોટા ગજાના શ્રી જુગલકિશારજીએ પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કાંઠા ન ચઢ્યા!

અમારા વડીલે કહ્યું – મારામાં છંદ, લય કાંઈ જ નથી પણ ભાવ છે અને જગતગુરુ તો ‘ભાવ’ના ભૂખ્યા છે, તો તમારી રચના કૃષ્ણાર્પણ કરશો…

જરા ખિંજાં (પાનખર) કી ભી ઈજ્જતકા કુછ ખયાલ કરો,
બહાર બનકે ન નિકલો યોં દિલ્લગી કે લિયે!

છતા મનમા એમ કે કોઈ જૂઠેજૂઠું કહે કે અને આજે વલી એવોર્ડ મલ્યો… અને મારી દાસ્તાં લખાઈ ગઈ… આ મારું પાગલપન છે – સહન કરશો…”

આગળ નાના બાળકના જેવી નિખાલસતાથી પોતે હું રોમાંચિત થઈ જાઉં તેવા શબ્દોમાં લખે છે, “ આ વર્ષે વલી એવોર્ડ મારા જન્મસ્થળ (મારો જન્મ ગોપીપુરાની સૂ.જ હોસ્પિટલમાં થયો હતો)ના પાડોશી ગનીચાચાને મળ્યો અને તે સમારંભનું સંચાલન યામિનીને કરવાનું આવ્યું અને તે ફુલી ન સમાઈ! કોઈ તેને જઈને કહો કે તારી માને તો વલી એવોર્ડ મળ્યો છે – લે તારે લેતી જા…”

મારા સુજ્ઞ વાંચકો માને યા ન માને, પણ હકીકત છે કે પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. પોતાના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! મેં આગાઉ કોઈ શબ્દ કે શબ્દોને પકડી લઈને જાણે કે ‘શબ્દાક્ષરી-શબ્દાંતિકા’ રમતાં હોય તેવી તેમની લક્ષણિકતાનો ઈશારો કર્યો હતો, પણ થોડીક સ્પષ્ટતા સાથે લખું તો તેમણે મારા કેટલાક ‘શુક્રિયા’ ‘અલ્હમ્દોલિલ્લાહ’ કે ‘ઈન્શા અલ્લાહ’ જેવા ઈસ્લામિક શબ્દોના અનુસંધાને એવી વિદ્વતાપૂર્ણ વાતો લખી છે કે હું તેમને શરૂઆતમાં Mini Encyclopedia અને આગળ જતાં તો Maxi Encyclopedia નું બિરૂદ આપ્યા સિવાય રહી શક્યો ન હતો.

લેખસમાપનની માનસિક તૈયારી કરી રહ્યો છું અને એમ થયા કરે છે કે મારા આ લઘુલેખમાં આ વિદુષી બાઈ માણસને રતીભાર પણ ઓળખાવી શક્યો નથી. હાલ સુધી લખાએલા લખાણમાં પ્રજ્ઞાબેન વિષે લખતાં લખતાં મારા વિષે પરોક્ષ રીતે જે કંઈ લખાઈ ગયું છે તે અંગે કોઈને મારા વડે થએલી મારી આત્મશ્લાઘાનો આભાસ થાય તે સ્વાભાવિક છે, પણ નેક દિલે કહું તો એવો મારો કોઈ ઈરાદો રહ્યો નથી. આ ખુલાસા પછી પણ મને એ લખવાની ફરજ પડે છે કે મારા મિત્ર સુરેશભાઈ જાનીએ દિલસે મારી ‘વિલિયમનાં હાસ્ય હાઈકુ’ નામે ઈ-બુક બનાવી આપી હતી તેની પ્રસ્તાવના પ્રજ્ઞાબેને લખી આપી છે. આમાં પણ તેમણે દિલસે લખેલા આ વિધાનને હું કદીય ભૂલીશ નહિ. એ વિધાનના શબ્દો છે…….

‘આજકાલ ભાવશૂન્ય અને પ્રભાવશૂન્ય કવિતાઓ વધારે લખાય છે. કેટલાક તો એક પંક્તિને તોડીને ત્રણ પંક્તિ બનાવે છે; જેમાં ન છંદ હોય, ન લય હોય, ન વિચાર, ન કલ્પના; ત્યારે શ્રી વલીભાઈ પોતાના પ્રાણ રેડીને હાઈકુને જીવન પ્રદાન કરે છે અને માણનારને આનંદથી ભરી દે છે.’

અને લ્યો ત્યારે, અહીંથી લેખ સમાપ્ત કરી જ દઉં છું. ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(ક્રમશ: 9)

 

Tags: ,

(273) હાસ્ય દરબારનાં રત્નો – 7 (રત્નાંક – 7) * હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા

હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા (7)

હાસ્યદરબારના સાતમા રત્નાંકે હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા વિષે લખવા પહેલાં શોધ અને સંશોધન અન્વયે નેટમંથન કરવાના મારા આનંદ સાથે તેમના વિષેની માહિતીનો ભંડાર જેમ જેમ મારી આગળ ખુલતો ગયો, તેમ તેમ મારો એ અનેરો આનંદ અદકેરો થતો ગયો. હાદરત્ન તરીકે તેમને ઓળખવા-ઓળખવવા માટે માત્ર હાદ ઉપરના તેમના યોગદાનને આધાર બનાવવાથી આપણને તેમની ‘નવી કહેવતો’ વિષેની સીમિત માહિતી જ મળે. સુરેશભાઈએ હાદરત્નોની યાદીમાં તેમનું નામ સૂચવ્યું હોય અને હાદના દફતરે એક જ વિષયે અને તે પણ મર્યાદિત માત્રામાં તેમના નામ હેઠળ લેખનસામગ્રી ઉપલબ્ધ હોય, તો મારે થોડી વધારે મથામણ કરવી જોઈએ એમ મને લાગ્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે સુરેશભાઈએ ‘સ્પીક બિન્દાસ’ હેઠળ તેમનો લીધેલો ઈન્ટરવ્યુ મને હાથ લાગી ગયો અને જાણે કે મારું ભાગ્ય ઊઘડી ગયું! આ ઈન્ટરવ્યુ વાંચતાં કાસિમભાઈના વ્યક્તિત્વ અને વિચારોને જાણવામાં મને મળેલા આનંદને મારા સુજ્ઞ વાંચકો અખંડ આનંદ તરીકે માણી શકે તે માટેનો મારી પાસે એક જ વિકલ્પ છે કે મારે તેનો લિંક આપી દેવો; અને લ્યો, આ છે તે ઈન્ટરવ્યુનો લિંક.

હાદબ્લોગે કંઈક લખવું એટલે હાસ્યની હદમાં રહીને જ લખવું એ કંઈ જરૂરી નથી, છતાંય વાંચક પક્ષે તેમની અપેક્ષાએ જો ન્યાય વર્તવાનો હોય તો હાસ્યના દાયરામાં રહીને લખાય તે પણ તેટલું જ જરૂરી છે. સર્વ પ્રથમ તો કાસિમભાઈના ‘નવી કહેવતો’ જેવા સાવ નવીન વિષય ઉપર પ્રકાશ ફેંકું તો અહીં એક એવા કૌશલ્યનો સહારો લેવાયો છે કે જે થકી લોકજીભે બોલાતી આવતી કહેવતો કે રૂઢિપ્રયોગો આજના સંદર્ભમાં કટાક્ષમય રીતે રૂપાંતર પામે અને એ દ્વારા સમાજજીવનનાં બદલાએલાં મુલ્યો તરફ ઈશારો થાય. હાદ ઉપરથી ‘શોધ’ માધ્યમે આપ સૌ વાંચકો એ સઘળી જૂનીનવી કહેવતો વાંચીને આનંદ પ્રાપ્ત કરી શકશો. અહીં નમૂના દાખલ કેટલીક આપું છું કે જેથી એ સઘળી કહેવતો જોઈ જવાની વાંચકોની ઉત્સુકતા વધે.

“રાજાને ગમી તે રાણી , ને છાણાં વીણતી આણી”
”પ્રધાનને ગમ્યો તે પ્લોટ, ને કરાવી દીધો એલોટ!”.

“સાપ ગયા ને લીસોટા રહ્યા”
”નેતા ગયા ને વચનો રહ્યાં!”

“સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમ ધમ”.
”નોટો નાંખો છમ છમ ને વોટો આવે રમઝમ!”.

સાહિત્યમાં પ્રતિકાવ્ય કે અનુકાવ્યના પ્રયોગો થાય છે તેવો જ અહીં આ હાસ્યકારનો આ સફળ પ્રયત્ન અને પ્રયોગ છે. મારા મનમાં પણ એવો એક ઉમળકો જાગે છે કે કોઈક જૂની કહેવતોને આજના નવીન સંદર્ભોએ બદલી હોય તો કેવું લાગે? ઉદાહરણ તરીકે, (1) ‘બાર ગાઉએ બોલી બદલાય’ માંના અંતર દર્શાવતા ‘ગાઉ’ શબ્દને બદલે તેની બરાબર થતા માઈલ કે કિલોમીટર કરી નાખવામાં આવે! (2) ‘છાતી ગજ ગજ ફૂલે’ માં ગજ (2 ફૂટ) ને વાર કે મીટરમાં બદલવામાં આવે! (3) ‘પાશેરામાં પહેલી પૂણી’ માં વજનસૂચક ‘પાશેર’ શબ્દને મેટ્રિક પદ્ધતિમાં બદલવામાં આવે! મારા વાંચકો મને માફ કરે, કેમ કે સહજ ભાવે કાસિમભાઈ વિષેના આ લેખમાં મારો પગપેસારો થઈ ગયો અને મારાથી ઔચિત્યભંગ થઈ ગયો!

કાસિમભાઈના વ્યક્તિત્વનાં બહુમુખી પાસાં વિષે વિશેષ કંઈક જાણીએ તે પહેલાં તેમને પહેલી નજરે ઓળખી લઈએ. તેઓશ્રી મારી જ જેમ S.S.C. (Super Senior Citizen) છે. મૂળે ગુજરાત (ભારત)માં જન્મેલા તેઓશ્રી પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યા પછી ત્યાંથી કેનેડા સ્થાયી થઈને જીવનનો મોટો ભાગ તેમણે ત્યાં જ પસાર કર્યો છે. 1956માં મેટ્રિક થયા પછી પ્રતિકુળ આર્થિક સંજોગોના કારણે નોકરી સાથે રાત્રિ કોલેજ થકી અભ્યાસ કરીને આગળ ને આગળ વધતા જતાં તેઓશ્રી B.Com., F.C.A., F.C.M.A. ડીગ્રીઓ ધરાવતા થઈ ગયા. પોતે શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી શક્યા અને સંતાનોને પણ તે માર્ગે આગળ ધપાવી શક્યા તેનું રહસ્ય એ છે કે તેમણે શિક્ષણના માહાત્મ્યને આ શબ્દોમાં ગ્રહણ કર્યું હતું : “Education is power, it is wealth and it is everything in life.” આમ તેમણે પોતાનાં સંતાનો અને ખાસ તો પોતાની બંને દીકરીઓને સારામાં સારું શિક્ષણ અપાવવાના હેતુથી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા મોકલ્યાં.

હવે આપણે તેમના વિષેની થોડીક હળવી વાતો કરીને હળવા થઈએ. વેક્યુમ ક્લીનરનો મૂળ સંશોધક ‘જેમ્સ સ્પેન્ગલર’ કચરાભેગો ખેંચાઈ ગયો અને તે શોધના અધિકારો સાવ સસ્તામાં ખરીદી લેનાર ‘હુવર’ નું નામ આ ઘરગથ્થુ સાધન સાથે જોડાઈ ગયું. કેટલાંક ઉત્પાદનોનાં બ્રાન્ડ નેઈમ એવાં તો લોક્જીભે ચઢી જાય કે ઉત્પાદકો કરતાં ગ્રાહકો દ્વારા જ તેમનો વધુ પ્રચાર થાય. કેટલાંક શહેરોની ખાણીપીણીની વાનગીઓ વખણાતી હોય છે. કાસિમભાઈના એક વિધાનમાં ગણિતશાસ્ત્રના ગણ સિદ્ધાંત (Set Theory)ની અવગણના થતી લાગે છે. તેઓ લખે છે કે “વેક્યુમ ક્લીનર ‘હુવર’ના નામે વખણાય, ઘારી સુરતની વખણાય, પાન પાલઘરનાં, કેળાં વસઈના, તો દાબેલી પણ માંડવીની વખણાય!” કોઈપણ ગણના સભ્યો સમાન લક્ષણો ધરાવતા હોવા જોઈએ, પણ અહીં તેમ થતું નથી. આમ છતાંય હું વિરોધાભાસી એવા એક સામાન્ય લક્ષણે અને દલીલે તેમના વિધાનને ન્યાયી (Justified) ઠેરેવીશ. ઘર’નો પર્યાયવાચક શબ્દ ‘દર’ પણ છે. પેલું વેક્યુમ ક્લીનર ‘દર’ ને સાફ કરે અને પેલી ખાદ્ય સામગ્રી ‘ઉદર’માં જઈને ‘ઘન કચરા’ માં રૂપાંતરિત થઈને ત્યાં એકત્ર થાય!

વળી પાછા કાસિમભાઈના વ્યક્તિત્વના ગંભીર પાસાને યાદ કરીએ તો તેઓ ધાર્મિક રીતે ઉદારમતવાદી છે અને માનવધર્મને પ્રાધાન્ય આપે છે. તેઓ Rationalist (બુદ્ધિવાદી) વિચારધારા સાથે અંધશ્રદ્ધા, ધર્માંધતા અને આડંબરી વિધિવિધાન જેવા નકારાત્મક મુદાઓ પૂરતા અંશત: સંમત થાય છે ખરા, પણ ઈશ્વરના અસ્તિત્વને નકારતા નથી અને શુદ્ધ ભાવનાએ કરવામાં આવતી તેની સ્તુતિ કે ભક્તિને આવકારે છે. તેઓશ્રી એક જગ્યાએ પોતાનો મત આપતાં જણાવે છે કે ‘મારો ઈશ્વર તે છે જે મને સતત સત્ય માર્ગદર્શન આપ્યા કરે છે અને મને શીખવે છે કે માનવતા જ સાચો અને પહેલો ધર્મ છે, અને સ્તુતિ તે પછી આવે છે.’ જીવન વિષેનો તેમનો અભિગમ તેમના આ શબ્દોમાં પ્રતિબિંબિત થાય છે: ’જીવન જીવવા માટે છે અને જીવવું એક કળા છે. વળી પારકાંઓનાં દુ:ખોને દૂર કરવા માટે જીવવું એ એક મહાન કળા છે.’ આગળ પોતે નરસિંહ મહેતાના પદના આ શબ્દો કે જે મહાત્માગાંધીને પણ પ્રિય હતા તેમને યાદ કરે છે :’વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.’ તેઓ સ્વામી વિવેકાનંદના આ અવતરણ સાથે સંમત થાય છે કે ‘હું એવા કોઈ ધર્મમાં નથી માનતો, જે ગરીબ અને વિધવાનાં આંસુ નથી લૂછતો તથા ગરીબ અને ભૂખ્યાના મોંમાં રોટલીનો ટુકડો નથી નાખતો’. “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” શીર્ષકે તેમણે લખેલા એક મનનીય લેખને વાંચવાની હું મારા વાંચકોને ભલામણ કરું છું. (આ લેખનો લિંક ફરીથી મેળવી ન શક્યો, પણ તેમની કૃતિ “પૈસાનું ગ્રુપ” અને તેમના ઉપરનો એક લેખ “સેવાના સુકાની જનાબ કાસિમ અબ્બાસ સાહેબ—જનાબ મુન્શી ધોરાજવી”ના લિંક મળી ગયા છે જે બદલ હું ખુશી વ્યક્ત કરું છું)

તેમનો ‘પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.) સાહેબનો જન્મદિન’ વિષયે એક ઉમદા લેખ ગુજરાત ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયો હતો અને કેનેડા સ્થિત મોહમ્મદઅલી ‘વફા’ના બ્લોગ ‘બઝમે વફા’માં JPG Image તરીકે સ્થાન પામ્યો છે. અહીં તેનો લિંક છે, જે ડબલ ક્લિકે વાંચી શકાશે. સદરહુ લેખ માઈકલ એચ. હાર્ટ નામના અમેરિકન લેખક દ્વારા લિખિત તેમના પુસ્તક “The 100 – A ranking of the most influential persons in history” (100 – જગતના ઈતિહાસમાં અતિ અસરકારક વ્યક્તિઓની તુલના) ઉપર આધારિત છે. આ પુસ્તકમાં ઈસ્લામના પયગંબર હજરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. અહીં આ બાબતનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી બની જાય છે કે જે થકી વાંચકોને કાસિમભાઈની વાંચનપ્રિયતા અને તેમની લેખનશક્તિનો પરિચય પ્રાપ્ત થઈ શકે.

અંતે કાસિમભાઈએ પોતાના એક લેખમાં QUOTE કરેલા સંત કબીરના આ શબ્દો “ કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે; કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે.” ને યાદ કરીને આપણે છૂટા પડીએ.

પ્રણામ/સલામસહ

દુઆગીર/સ્નેહાધીન,

વલીભાઈ મુસા

ક્રમશ: 8


 

Tags: ,

(272) હાસ્ય દરબારનાં રત્નો – 6 (રત્નાંક – 6) * મહેન્દ્ર શાહ

(272) હાસ્ય દરબારનાં રત્નો – 6 (રત્નાંક – 6) * મહેન્દ્ર શાહ

મહેન્દ્રભાઈ શાહ (6)

મારા માટે અંગત રીતે સાવ અપરિચિત એવા મહેન્દ્રભાઈ શાહને હાસ્યદરબારના છઠ્ઠા રત્નક્રમે ઓળખાવવાનું કામ આમ જોવા જઈએ તો અંધારામાં નિશાન તાકવા જેવું ગણાય, પણ હાસ્યદરબાર ઉપરના તેમના યોગદાન અને તેમની વેબસાઈટ http://isaidittoo.com ના માધ્યમે હું આશાવાદી છું કે આ સંક્ષિપ્ત લેખને અલ્પાંશે પણ માહિતીસભર અને રસપ્રદ બનાવી શકીશ. કૃતિ થકી કર્તાને અને શૈલી થકી કર્તાના શીલ (ચારિત્ર્ય)ને જાણી શકાય એ વિવેચન-સાહિત્યનો સ્વીકાર્ય સિદ્ધાંત છે. મહેન્દ્રભાઈએ હાસ્ય ટુચકાઓ કે અન્ય હાસ્ય માધ્યમે પોતાની કાબેલિયત પુરવાર તો કરી જ છે, પણ પોતાની કાર્ટુનીસ્ટ (વ્યંગ ચિત્રકાર) તરીકેની તેમની પ્રતિભાને તો સવિશેષપણે કાબિલેદાદ ગણી શકાય તેવા મારા મંતવ્યને તેમને જાણનારાઓ અવશ્ય અનુમોદન આપશે જ. વ્યંગ ચિત્રકાર એ માત્ર મારી જ નહિ, પરંતુ અન્યોની નજરે પણ એવા કલાકાર હોય છે કે જેમને Two in one અર્થાત્ એકમાં બે તરીકે ગણવા પડે. આ મંતવ્યનું અર્થઘટન એ છે કે વ્યંગચિત્ર એ દૃશ્ય અને શ્રાવ્ય કલા છે. વ્યંગ કે ઠઠ્ઠા ચિત્ર એ દૃશ્ય માધ્યમ છે, તો ચિત્રમાંનું પ્રત્યક્ષ કે પરોક્ષ લિખિત કથન કે સંવાદ એ શ્રાવ્ય માધ્યમ છે. મહેન્દ્રભાઈ પોતાનાં સર્જનો દ્વારા ભોક્તાઓ આગળ જે કોઈ સંદેશ કે વિચાર અભિવ્યક્ત કરવા માગતા હોય છે તેને ચોટદાર રીતે રજૂ કરીને પોતાના લક્ષને પાર પાડી શકે છે.

હાસ્યદરબારના ફલક ઉપર સ્થાન પામેલાં તેમનાં સઘળાં સર્જનોને સુરેશભાઈ આ લેખની નીચે લિંક આપીને તેમને માણવા માટેની સહુલિયત તેઓ કરી આપશે જ અને આમ ‘હાથકંગનકો આરસી ક્યા ન્યાયે’ સૌ સીધે સીધા જ મહેન્દ્રભાઈનાં સર્જનોનો આનંદ લૂંટી શકશે. તેમનાં કાર્ટુન રમુજ પૂરી પાડવા ઉપરાંત વેધક કટાક્ષો આપવામાં પણ સક્ષમ પુરવાર થાય છે. પોતે સિદ્ધહસ્ત અને ખ્યાતનામ કલાકાર હોવા છતાં પોતાના સર્જનને બહોળા પ્રમાણમાં બ્લોગીંગના માધ્યમ દ્વારા લોકભોગ્ય બનાવવા માટે ઉત્સુક રહ્યા છે. તેઓ પોતાનાં કાર્ટુનને લોકો સમક્ષ કેવી ઉદાર અને ઉદ્દાત ભાવનાએ મૂકે છે તે તો તેમના આ સુત્રથી સુપેરે સમજાશે કે ‘Your appreciation is my inspiration’. ઘર આંગણે જોઈએ તો પીટ્સબર્ગનિવાસી આપણા મહેન્દ્રભાઈનો ન્યુ દિલ્હીના ‘પ્રવાસી ટુડે’ અખબારમાં ઈન્ટરવ્યુ છપાય અને તેમને કાર્ટુનીસ્ટ તરીકે અમેરિકન અખબારો વખાણે તે આપણે સૌ હાસ્યદરબારનાં અંગરૂપ ગુજરાતી અને ભારતીય ભાઈબહેનો માટે ગૌરવની વાત કહેવાય અને આપણી છાતી છાતી ગજ ગજ (0.609 મીટર મીટર) ફૂલ્યા સિવાય રહે નહિ!

વર્ષો પહેલાં મારે અમદાવાદ જવાનું થતું ત્યારે મારા કામકાજને આટોપ્યા પછી મને એલિસબ્રીજના ગુજરી બજારમાં કે ફુટપાથ ઉપર વેચાતાં જૂના પુસ્તકો જોવા-ખરીદવામાં રસ પડતો. મને યાદ છે કે એકવાર મેં છેક 1841 થી શરૂ થએલા બ્રિટીશ હાસ્ય અને કટાક્ષ વિષયક Punch Magazine માંથી પસંદગીનાં કાર્ટુન ચિત્રો ધરાવતા “Gallery of selected early covers’ જેવા કોઈક નામવાળું એક પુસ્તક ખરીદ્યું હતું. મને જ્યારે જ્યારે ફુરસદ મળતી, ત્યારે એ પુસ્તકનાં પાનાં ફેરવવામાં મને ખૂબ જ રસ પડતો. આજે પણ કોઈ અખબાર કે સામયિકમાંનાં વ્યંગચિત્રો કે ચિત્રવાર્તાઓ ઉપર હું અચુક નજર નાખ્યા વગર રહી શક્તો નથી. આ કાર્ટુનચિત્રોમાં થોડામાં ઘણું કહી દેવાની ક્ષમતા હોય છે, તો વળી કોઈક તો આપણને પેટ પકડીને હસાવ્યા સિવાય રહે નહિ. કોઈક અખબારમાંના કોઈક વ્યંગચિત્રને આજે પણ જ્યારે જ્યારે હું યાદ કરું છું ત્યારે હસ્યા વગર રહી શકતો નથી. એમાં મોટી દુંદ (પેટ)વાળા શેઠના પગ પાસે બેસીને એક છોકરું સ્લેટમાં નિશાળનું ગૃહકાર્ય કરતું હોય છે. પેલા શેઠ એના નામની બૂમ પાડે છે, ત્યારે પેલું છોકરું સ્લેટ નીચે મૂકીને તેમના પેટના ઘેરાવાથી દૂર પોતાની ડોક લંબાવતું તેમની સામે જોતાં ઉત્તર વાળે છે કે ‘હું અહીં છું.”

અહીં મહેન્દ્રભાઈના એક કાર્ટુનને હું યાદ કર્યા વિના રહી શકતો નથી. એક પ્રેમી યુગલ બગીચાના બાંકડે મળે છે. પેલો નરબંકો પોતાની પ્રેયસીને લગ્ન માટે Propose કરે છે અને કહે છે કે ‘તું મને પરણીશ?’. પેલી ચબરાક અને નાણાંભૂખી પ્રેયસી પેલાને પૂછે છે કે ‘તારી પાસે કેટલી રોકડ રકમ છે? વળી, જો પાછો તેમાં શેર-સ્ટોક કે બોન્ડને ગણતો નહિ!’ આમાં ઈશારો એ વાતનો છે કે Bullish Market માં કોઈપણ સ્ટોકનો ગમે તેટલો ઊંચો ભાવ હોય, પણ જ્યારે બજાર Bearish બની જાય, ત્યારે એવા શેર કોડીના મુલ્યના બનીને માત્ર કાગળ જ રહી જતા હોય છે!

મહેન્દ્રભાઈએ પોતે એકલાએ જ અને વળી ક્યાંક નટવર મહેતાના સહયોગે ગઝલાક્ષરી બ્લોગ આપેલા છે, જે વાંચવાથી ગમે તેવો ગંભીર પ્રકૃતિ ધરાવતો માણસ પણ હસ્યા સિવાય રહી શકે નહિ. ‘ફાલતુ સવાલોના ફાલતુ જવાબો’ શીર્ષકે તેમણે કેટલાક હાસ્યટુચકા એવા આપ્યા છે કે જે માનવ સ્વભાવ અને તેની આદતની ચાડી ખાધા સિવાય રહે નહિ. આ જાણવા અને માણવા માટે તમારે Questions Like Answers ઉપર જવું પડશે.

મહેન્દ્રભાઈની પોતાનાં વ્યંગચિત્રોની “અમે અમેરિકન અમદાવાદી” (પ્રસિદ્ધ)અને “I said it too!” (પ્રસિદ્ધ થવાની તૈયારીએ) નામે બુક્સ છે. ‘ગુજરાત સમાચાર’ અખબારને નિયમિત રીતે પોતાની હાસ્યસામગ્રી પૂરી પાડતા અશોક દવે તેમના વિષેનો અભિપ્રાય પોતાના આ શબ્દોમાં આપે છે, ‘You are a genius. I saw your cartoons and was amazed not only with the theme, but technically speaking, even the anatomy and expressions of each figure associated with your satire. India needs a minimum of 100-Mahendra Shahs…!’ ‘હાસ્યદરબારના’ તંત્રી અને સર્વેસર્વા એવા ડો. રાજેન્દ્ર ત્રિવેદી પોતાના પ્રતિભાવમાં લખે છે, ‘Mahendrabhai, you have used your Heart, Art of an Artist and the mind as a man with satire. Hope you will keep shining in your art’.

તેઓશ્રીએ પોતાના આત્મપરિચયમાં મારા પ્રિય કવિ અને અંગત સ્નેહી એવા રાજેન્દ્ર શુક્લની એક ગઝલ ‘ક્યાંક કંઇ ખૂલી રહ્યું…’માંથી પોતાને પ્રિય એવો એક શેર લીધો છે:“ અહીં પહોંચ્યા પછી તો આટલું સમજાય છે, કોઇ કંઇ કરતું નથી, આ તો બધું થાય છે!” રમુજી કંઈક દોરી શકતો માણસ રમુજી લખી પણ શકે છે તેની સાબિતી તેમના આત્મપરિચયમાંના આ લખાણમાંથી મળી રહે છે. “દીકરી ને ગાય જ્યાં દોરે (Draw ! ) ત્યાં જાય…મારા સસરાજીને આ મનોમન સમજાઇ ગયું હશે કે, જે વ્યક્તિ તેના ચિત્રોમાં આટલા પ્રેમ અને લાગણીથી રંગ પૂરી શકતો હોય, તો તે મારી દીકરીના જીવનમાં તો કેટલા સુખના રંગો ભરી દેશે?”

લેખસમાપનના આરે આવી પહોંચેલા એવા મેં ખુદ મહેન્દ્રભાઈના પોતાના અને અન્યોના તેમના વિષેના અભિપ્રાયો આપી તો દીધા છે, પણ મારું મન થાય છે કે હું પોતે પણ તેમનું થોડુંક ટીખળ કરી લઉં! આમ કરવાનો મારો થોડોક હક્ક એટલા માટે બને છે કે મેં તેમના કરતાં ચારેક દિવાળીઓ વધારે જોઈ છે! ભાષાવિજ્ઞાનના મારા જ્ઞાને ‘શાહ’ શબ્દની વ્યુત્પત્તિ આમ બને છે : સાધુ > સાહુ > શાહુ > શાહ. ત્રીજા ક્રમે બનેલા શબ્દ ‘શાહુ’ અટકના કબીલાવાળાઓનો હું ભાણેજ છું અને આમ મહેન્દ્રભાઈ મારા મોસાળિયા થાય. શાહુ કુટુંબવાળાઓમાં Sense of humor ઊંચો ગણાતો હોઈ મારામાં થોડીક તેઓની અસર કદાચ હોય અને તે થકી આવું હળવું હળવું હું લખી શકતો હોઉં તેવો મને થોડોક વહેમ છે! વળી, એ વાત પણ એટલી જ સાચી છે કે વહેમનો કોઈ ઈલાજ નથી હોતો!

હાસ્યોપદેશે ભવેત શાહ મહેન્દ્ર!

-વલીભાઈ મુસા

ક્રમશ: (7)


 

Tags:

(271) હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) * ચીમન પટેલ

(271) હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) * ચીમન પટેલ

ચીમન પટેલ ‘ચમન’ (5)

‘ધરા – ગુર્જરી’ એવોર્ડથી સન્માનિત એવા બહુમુખી પ્રતિભા ધરાવતા હ્યુસ્ટન (અમેરિકા) ખાતે સ્થિત શ્રી ચીમનભાઈ પટેલ ‘ચમન’ ને મારા તાજેતરના અમેરિકાના પ્રવાસ દરમિયાન પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટના ત્યાં સુરેશભાઈ જાની અને મને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવેલા લઘુ સાહિત્ય સંમેલનમાં મળવાનું થયું હતું. પ્રદીપભાઈના નિવાસસ્થાને જાવન અને મારા નિવાસસ્થાને પરત આવન માટેના ખનિજતેલરથના મારા સારથિઓ અનુક્રમે વિજયભાઈ શાહ અને ચીમનભાઈ પટેલ હતા. ઉંમરમાં મારાથીય આઠેક વર્ષે મોટા છતાંય તરવરિયા જુવાન લાગતા શ્રી ચીમનભાઈ માત્ર પ્રવૃત્તિશીલ રહેવાના હેતુમાત્રથી હજુય હ્યુસ્ટન ખાતે પેટ્રોકેમિકલ કંપનીમાં તેમના પુત્ર મિનેષ સાથે એક જ કંપનીમાં જોબ કરી રહ્યા છે.

ભારત ખાતે સિવિલ એન્જિનીયરીંગ અને અમેરિકા ખાતે એમ. એસ. (સ્ટ્રક્ચરલ) ભણેલા એવા આ જણની સાહિત્યાદિ કલાઓ સાથેની આત્મીયતા અને તે સઘળામાં આત્મસાતતા ધરાવવી એ The rarest of the rare  ઘટના કહેવાય.  ‘કાલ કરે સો આજ કર’ એ જીવનસુત્ર સાથે પ્રવૃત્તિમય જીવન જીવતા ચીમનભાઈ સાથે સંમેલન અને વાહનમાં અડોઅડ બેસવાનું અને તેમની સાથે વાતો કરવાનું થતાં એમ લાગ્યું કે જાણે અમે બંને એકબીજાથી ચિરપરિચિત હોઈએ. સાહિત્યસર્જનમાં ખાસ તો હાસ્ય સાહિત્ય ઉપર સાહજિક પ્રભુત્વ ધરાવતા ચીમનભાઈ વધારામાં કાર્ટુનીસ્ટ, પેઈન્ટર અને ટેનિસ પ્લેયર પણ છે. યોગાસનો એ તેમનું તંદુરસ્તીનું રહસ્ય છે, તો વળી સ્ટ્રક્ચરલ એન્જિનીયર તરીકે ખિલાસરીનાં જંગલો ઊભાં કરનાર તેઓશ્રી શાકભાજીની ખેતી પણ કરી જાણે છે. વિજયભાઈના શબ્દોમાં કહીએ તો તેઓશ્રી સારા સભાસંચાલક તથા સમયસર અને સમયબદ્ધ મુશાયરાઓનું સંચાલન પણ કરી શકે છે.

હિંદીમાંના એક મુહાવરા ‘સુબહકા ભુલા હુઆ, શામકો ઘર લૌટે તો ઉસે ભૂલા નહીં કહા જા સકતા’  ની જેમ સુરેશભાઈ અને મારે હ્યુસ્ટન ખાતે ચીમનભાઈના ઘરે સવારે જવાનું હતું, પણ ‘શિકારકે વક્ત કુતિયા હઘનેકો ચલી’ જેવું થયું અને સુરેશભાઈ આગલા દિવસની સાંજે જ અમારા સારથિ તરીકે આવેલા તેમના પુત્ર વિહંગની પાંખે વળગીને કારણોવશાત્ ડલાસ (મેન્સફિલ્ડ) ખાતે ઘરભેગા થઈ ગયા હતા. મારું તેમને અને અન્ય ભાઈબહેનોને મળવું નિયતિના આયોજનમાં હશે જ અને તેથી જ તો અઠવાડિયાનો કાર્યદિવસ હોવા છતાં અમે બધાં મુક્તમને અને હળવા ભાવે મળીને જ રહ્યાં. હ્યુસ્ટન સાહિત્યસરિતા સાથેની તેમની ઉત્સાહી સભ્ય તરીકેની ગાઢ નિકટતાએ તેમને સમયસર મને મળવા માટે બોલાવી લીધા હતા અને આમ અમારા બધાયનું સુભગ મિલન શક્ય બન્યું હતું.

અહીં આ હાદરત્ન તરીકેની પરિચયલેખમાળામાં જ્યારે તેમના વિષે કંઈક લખવામાં આવી રહ્યું છે, ત્યારે હાસ્યદરબાર પરત્વેના તેમના યોગદાનને સંભારવું જ રહ્યું. હાસ્યદરબારના પ્રારંભિક તબક્કામાં જ્યારે તેને હાસ્યને લગતા બ્લોગલેખકોની જરૂર હતી, ત્યારે ચીમનભાઈએ તેને સધિયારો પૂરો પાડ્યો હતો. આ બ્લોગ ઉપર તેમના નામે અને ઉપનામે શોધ કરવામાં આવે તો આપણને તેમની વાર્તાઓ, હાસ્યલેખો, હાસ્યકવિતાઓ, કાર્ટુન, જોક્સ વગેરે જડી આવશે. તેમની હાસ્ય કવિતાઓ ‘તમારા થયા પછી’ અને ‘બેસતા કરી દીધા’ બતાવી આપે છે કે તેમના દિલોદિમાગમાં હાસ્યવૃત્તિની સાથે સાથે કવિત્વશક્તિ પણ ભારોભાર ધરબાએલી પડી છે.

હાસ્યદરબાર ઉપરના મારા આ હાદરત્ન પરિચયલેખોમાં સામાન્ય રીતે જે તે રત્નોની નાનીમોટી ફિલ્લમો ઊતાર્યા સિવાય હું રહી શકતો નથી, પણ આ લેખની શરૂઆત જ કંઈક એવી રીતે થઈ કે ધીમેધીમે આગળ વધતા જતાં તેમના પ્રત્યેનો વડીલ તરીકેનો મારો આદરભાવ દૃઢ થતો ગયો અને હું સંયમમાં રહ્યો. હું આટલે સુધી ચીમનભાઈ સાથે ગંભીર ભાવે વર્ત્યો છું, પણ મને લાગે છે કે હાદના વાંચકો નિરાશ ન થાય તે ખાતર પણ મારે ઉત્તરકાલીન નર્મદ (યુવાવયે ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે’ કહેનાર પાછળ જતાં ‘ધીમેધીમે સુધારાનો સાર’ કહીને ઢીલો પડવા માંડ્યો!) ની જેમ બદલાવું પડશે.

અમે જ્યારે મારા યજમાનના ઘર તરફ તેમની કારમાં આવી રહ્યા હતા, ત્યારે હું કદાચ ભૂલતો ન હોઉં તો સાવ સ્થિતપ્રજ્ઞભાવે અને સહજ રીતે તાજેતરમાં જ પોતાની એક પાંખ કપાઈ ગયાની દુ:ખદ વાત તેમણે કહી હતી. મને લાગ્યું કે વિધાતા હસતા અને હસાવતા સાહિત્યસર્જકોને પણ કોઈકવાર અજમાવી લેતો હોય છે એ રીતે કે બેટમજી પોતાના અંગત જીવનમાં દુ:ખ આવી પડે ત્યારે ધૈર્ય રાખી શકે છે કે નહિ! મનોવિજ્ઞાન પણ ‘Transfer of Training’ ના સિદ્ધાંતે સમજાવે છે કે કોઈ એક ક્ષેત્રનું કૌશલ્ય અન્યત્રે કામ લાગતું હોય છે. એટલે જ તો શ્રી ચીમનભાઈ પોતાના પરિચયપાને લખે છે કે ‘ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર; જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.’ સાધુભાવે જીવન જીવનારાઓ જીવનમાં આવતાં રહેતાં સુખ કે દુ:ખને ભૂલતા જતા હોય છે અને જીવનરાહે ‘સાધુ તો ચલતા ભલા’ ન્યાયે આગળ ને આગળ ધપતા રહેતા હોય છે. જ્યારે ચીમનભાઈ પટેલ પોતાના ‘ચમન’ તખલ્લુસને અપનાવે છે, ત્યારે તે જ બતાવી આપે છે કે તેઓ જીવનને હરિયાળા અને પલ્લવિત બાગ તરીકે નિહાળે છે અને આ ખ્યાલ  જ જીવન પરત્વેના તેમના હકારત્મક અભિગમને સૂચવે છે.

લેખ સમાપને, ચીમનભાઈની એક ગંભીર અને હૃદયસ્પર્શી વાર્તા ‘બાગબાન કા બસેરા’ ને યાદ કરું છું. વાર્તાનો અંત બે પેઢી વચ્ચેના ટકરાવના બદલે સમાધાનકારી વલણે આવે છે. હું તો મારા આ ટચુકડા લેખને હળવો ફૂલ જેવો બનાવવા માટે ઉપરોક્ત વાર્તાના સમાંતરે એવા કોઈ ગ્રામ્ય વાતાવરણવાળા અને સમાધાનકારી નહિ, પણ અંતિમવાદી નિર્ણયને અમલમાં મૂકતા એક વિધુર ડોસાના પાત્રની કલ્પના કરું છું. વરસાદની ભીનીભીની મોસમમાં ભજિયાં ખાવાની તીવ્ર ઈચ્છા સામે પુત્રવધુનો છણકાયુક્ત નકારાત્મક જવાબ સાંભળીને જરાપણ અકળાયા વગર તે ખામોશ રહે છે. બીજા દિવસે પાડોશી ગામેથી એક વિધવાને નાતરે લાવીને ઘરમાં પ્રવેશતાં જ ધીમેથી રસોડામાં રાંધતી પુત્રવધુને થોડા સમય માટે તેની નવી સાસુને રસોડું સોંપી દેવા જણાવે છે કે જેથી તેણી ઘરનાં બધાંયના માટે, આડોશીપાડોશી અને આખા મહેલ્લાના માણસો ધરાઈ ધરાઈને ખાઈ શકે તેટલા મોટા જથ્થામાં તગારાં ભરીને ભજિયાં બનાવી શકે!

અલમ અતિ વિસ્તરેણ,

– વલીભાઈ મુસા

ક્રમશ: 6

 

Tags: ,