RSS

Category Archives: લેખ

(632) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૮ (આંશિક ભાગ –૨) હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)


હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ (શેર ૩ થી ૫)



શમ્અ’ બુઝતી હૈ તો ઉસ મેં સે ધુઆઁ ઉઠતા હૈ
શો’લા-એ-ઇશ્ક઼ સિયહ-પોશ હુઆ મેરે બા’દ (૩)

[શમ્અ’= દીપક, મીણબત્તી; ધુઆઁ= ધુમાડો; શો’લા-એ-ઇશ્ક઼= પ્રેમજ્યોત; સિયહ-પોશ= શ્યામ રંગમાં પરિવર્તિત થવું.]

આ શેર ગૂઢાર્થ ધરાવે છે. બંને મિસરા એકબીજાના પૂરક બને છે કે વિરોધાભાસી બને છે તે સમજવું થોડુંક મુશ્કેલ હોવા છતાં સાવ નામુમકિન તો નથી જ. અહીં જીવનને દીપક કે મીણબત્તીનું રૂપક આપવામાં આવ્યું છે. દીપક કે મીણબત્તીના આયુષ્યની એક અવધિ હોય છે. જેમ દીપકમાં ઇંધણ કે મીણબત્તીમાં મોમની રહેલી એક નિશ્ચિત માત્રા પૂરી થતાં તે હોલવાઈ જાય છે, બસ તેમ જ જીવન વિષે પણ સમજવું રહ્યું. અહીં માશૂક શમ્અ વિષેનું પોતાનું નિરીક્ષણ સમજાવે છે કે તે જ્યારે હોલવાઈ જાય છે, ત્યારે છેલ્લે થોડાક સમય સુધી તેમાંથી શ્વેતરંગી ધૂમ્રસેર નીકળતી રહેતી હોય છે. શ્વેત રંગ શાંતિ અને સંતોષના પ્રતીક સમાન છે. દીપક કે મોમબત્તીને હોલવાયા પછી પણ સંતોષ એ વાતનો છે કે પોતે ફના થઈને પણ અન્યોને પ્રકાશ આપ્યો છે અને આમ તેમનું જીવન સાર્થક નીવડ્યું છે.      

બીજા મિસરામાં માશૂક પોતાના માશૂકા પરત્વેના ઇશ્કની જ્યોતનો આખરી અંજામ પણ પેલા દીપકની જ્યોતની જેમ જ આવવાનું જણાવે છે. આમ છતાંય એ બંને ધૂમ્રસેર વચ્ચે ફરક તો એ જ છે કે પેલા દીપક કે મોમબત્તીના ધુમાડાની આખરી સ્થિતિ કંઈક સંતોષકારક એવી છે કે જે સુખાંતના પ્રતીક સમી શ્વેતરંગી છે; જ્યારે માશૂકનો જીવનદીપ બુઝાતાં તેની પ્રેમજ્યોત શ્યામરંગી હશે કે જે વિષાદને ઘેરો બનાવશે. અહીં માશૂકનો જીવનભર માશૂકાના ઇશ્કની પ્રાપ્તિની નિષ્ફળતાનો વિષાદ શ્યામ રંગમાં પરિવર્તિત થશે. આમ ‘મેરે બા’દ’ અર્થાત્ માશૂકના મૃત્યુ બાદ માશૂકા પ્રત્યેના ઇશ્કની જ્વાળા ‘સિયહ-પોશ’ એટલે કે ઘેરા કાળા રંગની બની રહેશે.  

* * *

ખ઼ૂઁ હૈ દિલ ખ઼ાક મેં અહવાલ-એ-બુતાઁ પર યાની
ઉન કે નાખ઼ુન હુએ મુહતાજ-એ-હિના મેરે બા
દ (૪)

[ખ઼ૂઁ= ખૂન, લોહી; ખ઼ાક= માટી; બુત= મૂર્તિ, પ્રતિમા (એ.વ.); બુતાઁ= મૂર્તિઓ (બ.વ.); હાલ= સ્થિતિ (એ.વ.) અહવાલ= સ્થિતિઓ (બ.વ.) અહવાલ-એ-બુતાઁ = મૂર્તિઓની હાલતો; નાખ઼ુન= નખ; મુહતાજ-એ-હિના= મહેંદી લગાવવા માટે મોહતાજ (આધારિત,પરાધીન, પરવશ) હોવું]

ખૂબ જ પ્રભાવક આ શેર છે, જેને ગ઼ાલિબ જેવો સમર્થ શાયર જ રચી શકે. માશૂક એવી કલ્પના કરે છે કે તેમનું લોહીલુહાણ થયેલું દિલ માટીમાં એવી નિશ્ચેતન સ્થિતિમાં પડેલું છે, જેવી રીતે કે પ્રતિમાઓ નિશ્ચેતન સ્થિતિમાં હોય. પોતાના તનબદનમાં એ દિલ (હૃદય) જ્યારે સ્થિત હતું ત્યારે તે ચૈતન્યસભર ધબકાર કરતું હતું; પરંતુ માશૂકાએ બેરહમીથી જ્યારે તેને રહેંસી નાખીને ધૂળભેગું કરી દીધું, ત્યારે તે પેલી પ્રતિમાઓની જેમ જડ સ્થિતિમાં ફેરવાઈ ગયું. આ પ્રથમ મિસરાને આપણે સીધી રીતે સમજી તો લીધો, પણ તેના અનુસંધાને બીજા મિસરામાં આવતી ગૂઢાર્થસભર શાયરાના અંદાઝમાંની માશૂકની કલ્પના ભવ્યાતિભવ્ય છે.

અહીં ખ઼ૂઁ (ખૂન) અને નાખ઼ુન શબ્દોને સમજવા જેવા છે. નાખુન (નખ) એ શરીરનો એવો ભાગ કે અવયવ છે, જેમાં ખૂનનો સંચાર નથી થતો; અને તેથી જ તો વ્યુત્પત્તિશાસ્ત્ર (etymology) પ્રમાણે તેને નાખુન કહેવામાં આવે છે. હવે ખરો આનંદ તો આપણે આ બીજા મિસરામાંથી લૂંટવાનો છે. માશૂકા પોતાના નખને રક્ત (લાલ) રંગે રંગવા માટે હીના (મહેંદી) લગાવે છે. અહીં માશૂક અફસોસ વ્યક્ત કરતાં કહે છે કે માશૂકા તેના નખને લાલ રંગે રંગવા માટે તેના (માશૂકના) દિલનું લોહી જ્યારે તે ચેતન અવસ્થામાં હતું ત્યારે તેને હીનાના બદલામાં ઉપયોગમાં લઈ શકી હોત, પરંતુ માટીમાં ભળી ગયેલું તેમના દિલનું લોહી વેડફાઈ ચૂક્યું છે. આમ માશૂકના અવસાન બાદ માશૂકાના નખ એવા તો માશૂકની ખૂનરૂપી મહેંદીના મોહતાજ (મજબૂર સ્થિતિમાં હોવું) બની ગયા છે કે હવે ધૂળમાં ભળી ગયેલું એ લોહી ખપમાં આવી શકે તેમ નથી.

* * *

દર-ખ઼ુર-એ-અર્જ઼ નહીં જૌહર-એ-બેદાદ કો જા
નિગહ-એ-નાજ઼ હૈ સુરમે સે ખ઼ફ઼ા મેરે બા’દ (૫)

[દર-ખ઼ુર-એ-અર્જ઼= દુરસ્ત (વ્યાજબી) વિનંતી; જૌહર-એ-બેદાદ= સામાન્ય કક્ષાનું ઝવેરાત; જા= જગ્યા, સ્થાન; નિગહ-એ-નાજ઼= પ્યારભરી નટખટ નજર; સુરમા= કાજળ, મેંશ; ખ઼ફ઼ા= નારાજ]

આ શેરને ગુજરાતી સાહિત્યના સોનેટપિતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનાં સોનેટો સાથે સરખાવી શકાય. બ.ક.ઠા.નાં સોનેટોને વિવેચકોએ નારિયેળની ઉપમા આપી છે, કે જે દેખાવમાં તો કદરૂપું લાગે; પરંતુ તેનાં પડ ભેદતાં અંતે સ્વાદિષ્ટ પીણું પ્રાપ્ત થાય. અહીં પહેલો મિસરો કંઈક એવો જ છે કે જે માટે તજજ્ઞોએ પોતપોતાનાં ભિન્નભિન્ન અર્થઘટનો આપ્યાં છે. એ અર્થઘટનોને હું સારરૂપે મારા પોતાના અર્થઘટનમાં સાંકળી લઈને અત્રે રજૂ કરીશ.

શેરનો પ્રથમ ઉલા મિસરો એ એક મિસાલ કે ઉદાહરણ રૂપે છે જે બીજા સાની મિસરામાંની સુરમાની હકીકતને પુષ્ટિ આપવા માટે રચાયો છે. આમ અલંકારશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં આ શેરમાં દૃષ્ટાંત અલંકાર સમાવિષ્ટ છે તેમ કહી શકાય. અહીં એવા જરઝવેરાતને ઉલ્લેખવામાંઆવ્યું છે કે જે સામાન્ય કે નિમ્ન કક્ષાનું હોવાના કારણે જરાય પ્રશંસાને પાત્ર નથી. હવે આવા જરઝવેરાતને પાપ્ત કરવા માટેની કોઈને ઝંખના થાય નહિ અને તેથી જ તો કોઈ તેના માટે માગણી કે વિનંતી પણ કરે નહિ. આથી જ તો આવા નિકમ્મા ઝવેરાત માટે એવી કોઈ અપેક્ષાને કોઈ સ્થાન નથી.

હવે આપણે બીજા મિસરા ઉપર આવી જઈએ તો માશૂક કહે છે કે મારા મૃત્યુ પછી મારી માશૂકા (Beloved)ની નખરાળી આંખો સુરમા (કાજળ)થી નારાજ છે. અહીં સૂક્ષ્મ ઇંગિત અર્થ એ છે કે માશૂકાને પોતાની આંખોને શણગારવા માટે પહેલાં જે કાજળ પ્રિય હતું, તે જ કાજળ પરત્વે તેને હવે નફરત થાય છે. નફરત થવાનું કારણ એ જ કે પોતાની નખરાળી આંખોની પ્રશંસા કરનાર માશૂક હવે જીવંત ન હોઈ આંખોને કાજળમઢી બનાવવાનો હવે કોઈ મતલબ નથી. આમ એ કાજળ કે જે પહેલાં મૂલ્યવાન હતું તે હવે પેલા નિમ્ન કક્ષાના ઝવેરાત જેવું બની ગયું છે. આમ માશૂકાને સુરમાથી નફરત થવાનું એક કારણ માશૂકનું હયાત ન હોવું તો સીધેસીધું સમજાઈ જાય છે, પરંતુ બીજું પણ એક સંભવિત કારણ હોઈ શકે કે માશૂકાની કાજળ આંજેલી આંખો એવી તો ઘાતક નીવડી કે માશૂક તેના પ્રહારને ખમી ન શક્યો અને બેમોત  માર્યો ગયો. હવે ભલા જે કાજળના કારણે જેણે પોતાનો પ્રિયતમ ગુમાવ્યો હોય, તેવી માશૂકાના દિલમાં એ કાજળ પરત્વે નફરત જાગે તે સ્વાભાવિક ગણાય. 

સમાપને યાદ આપવું જરૂરી છે કે માશૂક અવસાન પામ્યો હોવાની તેની કલ્પના અનુસાર અહીં ‘મેરે બા’દ’ શબ્દો ઉચ્ચારાયા છે. શાયરો તેમની કલ્પનાઓ કરવામાં એટલા બધા આઝાદ હોય છે કે તેઓ જનાજાને પણ બોલતો કરી શકે!

(ક્રમશ:)      

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –58)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

 
Leave a comment

Posted by on October 31, 2022 in લેખ

 

(626) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૫૨ (આંશિક ભાગ –૧) બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (શેર ૧ થી ૩)

બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ
ગ઼ુલામ-એ-સાક઼ી-એ-કૌસર હૂઁ મુઝ કો ગ઼મ ક્યા હૈ (૧)

[બહુત સહી=  ખૂબ સહન કરી; ગ઼મ-એ-ગીતી= જીવનનું દર્દ;  કૌસર= જન્નતનું શરાબના વિકલ્પે આપવામાં આવનાર બિનમાદક પીણું; ગ઼ુલામ-એ-સાક઼ી-એ-કૌસર= આબ-એ-કૌસરને પાનાર (હૂર-પરી) નો ગુલામ]

ગ઼ઝલનો આ મત્લા શેર છે. આમાં બંને મિસરામાં રદીફ-કાફિયા નિભાવવામાં આવતા હોય છે. અહીં ‘કમ ક્યા હૈ’ અને ‘ગ઼મ ક્યા હૈ’ માં ‘કમ’ અને ‘ગમ’ કાફિયા છે, તો ‘ક્યા હૈ’ રદીફ છે. આખી ગ઼ઝલમાં રદીફ અચલ રહે છે.

શેરના પહેલા મિસરામાંની ગ઼ાલિબની જીવનની ફિલસુફીને અનુમોદન આપતી નરસિંહરાવ દિવેટિયાની આ કડીને યાદ કરીએ: ‘છે માનવીજીવનની ઘટમાળ એવી; દુ:ખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી!’ ગ઼ાલિબ કહે છે મેં જીવનમાં ઘણાં દર્દ સહન કર્યાં છે અને સહન કરતો પણ રહીશ. દર્દને ભૂલવા માટે શરાબ વ્હારે આવે છે અને આ દુનિયામાં શરાબની કોઈ કમી નથી. ગ઼ાલિબના અંગત જીવનમાં તેઓ ખૂબ જ દુ:ખી હતા. આર્થિક દુર્દશા અને સંતાન ન હોવાના કારણે તેઓ વ્યથિત રહેતા હોવા ઉપરાંત તેમની ખુદ્દારીને પડકારતાં તેમનાં અવારનવાર થતાં રહેતાં અપમાન પણ તેમના માટે અસહ્ય હતાં. આમ પોતાના ગમને ભૂલવા માટે શરાબનું સેવન અને આર્થિક બેહાલી ફેડવા માટેની તેમની જુગારની લત તેમની ખાનદાનીને બટ્ટો લગાડતાં હોવા છતાં તેઓ તેમનાથી દૂર રહી શકતા ન હતા.

બીજા મિસરામાં  ગ઼ાલિબ એવી કલ્પનાનો આનંદ માણતાં કહે છે કે મર્યા પછી પણ અમે તો ન્યાયના દિવસ પહેલાં જન્નતમાંથી વહી આવતાં આબ-એ-કૌસરનાં ઝરણાં થકી જન્નતની બહાર બનેલા સરોવરમાંના પીણાને પાનાર એવી હૂરો (પરીઓ)ના ગુલામ થઈને રહીશું કે જેથી અમે પરિતૃપ્ત થઈએ તેટલી માત્રામાં તેઓ અમને આબ-એ-કૌસર પીરસ્યે જ રાખશે. આમ જ્યારે ઐહિક અને પારલૌકિક જીવનમાં અનુક્રમે શરાબ અને આબ-એ-કૌસર મળી જ રહેવાનાં હોય તો પછી અમારે ગમ કે દર્દથી ગભરાવાની કોઈ જરૂર નથી. અમે તો એવાં દુ:ખદર્દને પણ અમારાં એ પીણાઓમાં ઘોળીને પી જઈશું.   

* * *

તુમ્હારી તર્જ઼-ઓ-રવિશ જાનતે હૈં હમ ક્યા હૈ
રક઼ીબ પર હૈ અગર લુત્ફ઼ તો સિતમ ક્યા હૈ (૨)

[તર્જ઼-ઓ-રવિશ= રીત અને આદત; રક઼ીબ= પ્રેમીનો હરીફ; લુત્ફ઼= આનંદ; સિતમ= જુલ્મ]

ગ઼ાલિબની ઇશ્ક ઉપરની ગ઼ઝલોમાં નોંધપાત્ર બાબત એ જોવા મળે છે કે માશૂકા માશૂકને ગાંઠતી નથી અને હંમેશાં તેને ટટળાવે રાખે છે. આમ પ્રેમીપાત્રો વચ્ચે સંયોગ સધાતો નથી અને, માત્ર અને માત્ર, વિયોગનું જ ચલણ બની રહેતું હોય છે. આ શેરના પ્રથમ મિસરામાં માશૂકાની એવી ચાલાકી જોવા મળે છે કે જે થકી તે માશૂકને પરેશાન કરવામાં કોઈ કસર છોડતી નથી. અહીં માશૂક મૂર્ખ બનતો નથી અને રોકડું પરખાવી દે છે  કે તારી રીતભાત અને આદત કેવાં છે તે હું સારી રીતે જાણું છું. મારી સાથે ક્રૂર વર્તન આચરીને તેનો જાતીય આનંદ લેવો એ તારી આદત બની ગઈ છે.

બીજા મિસરામાં ઉર્દૂ શાયરીમાં પ્રચલિત એવી ‘રક઼ીબ’ની વાત આવે છે. ‘રક઼ીબ’ એટલે ‘માશૂકનો પ્રતિસ્પર્ધી’ કે જે માશૂકાની નજીક જવાનો પ્રયત્ન કરતો હોય છે. વાસ્તવિકતા હોય કે પ્રેમકહાણી, ઉભયમાં ખલનાયકની ઉપસ્થિતિ તો હોય જ અને એ રીતે પ્રણયત્રિકોણ રચાતો હોય છે; જે થકી જ રસનિષ્પત્તિ થતી હોય છે. પહેલા મિસરામાં પરોક્ષ રીતે એ વાત સમજાય છે કે માશૂકા જાણીજોઈને માશૂકને પરેશાન કરવા તે બીજા પાત્રને ચાહવાનો ડોળ કરે છે કે જેથી માશૂકના દિલમાં ઈર્ષાભાવ જાગે અને તેને વ્યથિત જોઈને તેણી આનંદ અનુભવે. પરંતુ માશૂકને માશૂકાની આ હરકતની જાણ છે અને તેથી જ તે માશૂકાને કહે છે કે મારા પ્રતિસ્પર્ધી સાથે પ્રેમનો ખેલ ખેલવામાં તને જો આનંદ મળતો હોય તો મને બતાવ કે જુલ્મ કોને કહેવાશે. અહીં ‘સિતમ ક્યા હૈ’ના અર્થઘટનમાં મત વહેંચાય છે, પરંતુ આ મિસરો ‘રક઼ીબ’ સાથે સંબંધિત હોઈ તેનો અર્થ એવો જ લેવો પડે કે બનાવટી પ્યારથી છેતરાઈને ‘રક઼ીબ’ પણ લુત્ફ઼ તો માણે છે; પરંતુ સચ્ચાઈની જાણ થતાં પોતાના ઉપર જુલ્મ થયાનો તેને અહેસાસ થશે, ત્યારે તેના દિલની કેવી વલે થશે! આમ, આ મિસરામાં માશૂક માશૂકાને લુત્ફ઼ અને સિતમનો ભેદ સમજવાની નસીહત  કરે છે. વળી આ શેરમાં માશૂકનો આશાવાદ તો અધ્યાહાર રીતે પ્રગટ થાય જ છે કે માશૂકા તેમની પોતાની જ છે, પણ તેણી તો માત્ર તેમને સતાવવા જ રકીબ સાથે પ્રેમ હોવાનું છળ કરે છે.

* * *

સુખ઼ન મેં ખ઼ામા-એ-ગ઼ાલિબ કી આતિશ-અફ઼્શાન
યક઼ીં હૈ હમ કો ભી લેકિન અબ ઉસ મેં દમ ક્યા હૈ (૩)

[સુખ઼ન= શાયરી, શબ્દ, વાત; ખ઼ામા-એ-ગ઼ાલિબ= ગ઼ાલિબની કલમ; આતિશ-અફ઼્શાની= જ્વાળામુખી જેવી આગ ઊભરવી;  દમ= ગર્વયુક્ત આનંદ (Pride)]

ગ઼ાલિબની આ ગ઼ઝલનો ત્રીજો જ શેર મક્તા બની જાય છે, હાલાં કિ હજુ નવા ચાર શેર આવનાર છે. સામાન્ય રીતે ગ઼ઝલનો આખરી શેર જ મક્તા હોય, જેમાં ગ઼ઝલકાર પોતાના નામ કે તખલ્લુસને આપતો હોય છે. અહીં એમ ન બનવાનું કારણ એ છે કે દીવાન-એ-ગ઼ાલિબમાં આ ગ઼ઝલના ત્રણ જ શેર સંપાદિત થયા છે, જ્યારે બાકીના ચાર શેર સંશોધકોને ગ઼ાલિબે કોઈકને લખેલા પત્રોમાંથી મળ્યા છે. 

હવે આપણે આ શેર ઉપર આવીએ તે પહેલાં ગ઼ાલિબની અગાઉની એક ગ઼ઝલના આ મક્તા શેરને યાદ કરી લઈએ: “હૈં ઔર ભી દુનિયા મેં સુખ઼ન-વર બહુત અચ્છે, કહતે હૈં કિ ‘ગ઼ાલિબ’ કા હૈ અંદાજ઼-એ-બયાઁ ઔર”. આ બંને મક્તા શેરમાં ગ઼ાલિબના કથનમાં સામ્ય છે, જેની ચર્ચા આપણે વચ્ચે વચ્ચે કરતા રહીશું. પરંતુ હાલ તો આપણે આ મક્તા શેરને માણીશું. પ્રથમ મિસરામાં અધ્યાહાર હોવા છતાં સમજી  શકાય એવા ગ઼ાલિબના કોઈક પ્રશંસક કે પ્રશંસકોના  મુખે તેમની શાયરીની પ્રશંસા કરતા આ શબ્દો મુકાયા છે: ‘ગ઼ાલિબની કલમમાં જ્વાળામુખીમાંથી ઊભરતી આગ જેવી શક્તિ છે કે જે થકી તેઓ દમદાર શાયરી રચી શકે છે.’ ઉર્દૂ એ તહજીબ (શિષ્ટાચાર)ની ભાષા છે અને તેથી જ તો ઉર્દૂભાષીઓ પણ બોલચાલમાં તેની આમન્યા (સભ્યતા) જાળવતા હોય છે. એમ કહેવાય છે કે બે ઉર્દૂભાષીઓ ઝઘડતા હોય તો પણ એકબીજાને ‘આપ’ તરીકે સંબોધતા હોય છે! આપણી કાઠિયાવાડી ભાષામાં પણ ઉર્દૂ જેવી નજાકત (કોમળતા) વર્તાય છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો ગ઼ાલિબના ઉપરોક્ત બંને મક્તા શેરમાં ગ઼ાલિબ અને ગ઼ાલિબની શાયરીની પ્રશંસા અન્ય મુખે થવા દેવાય છે, જેના કારણે ગ઼ાલિબ આત્મશ્લાઘા (આપવડાઈ)ના દોષમાં સપડાયા વગર પોતાના માટે અને પોતાની શાયરી માટે જે કહેવડાવવા માગે છે તે કહી જ દે છે.

બીજા મિસરામાં ‘ભી’ શબ્દ નોંધપાત્ર છે. ગ઼ાલિબ આ મિસરામાં પોતાના કૌશલ્યથી પેલા ચાહકોએ કહેલી વાતને સમર્થન આપે છે આ શબ્દોમાં કે ‘અમને પણ તે વાતનો યકિન  છે, અર્થાત્ અમારી કલમની તાકાતનો અમને પરિચય છે જ.’ હવે આગળ ‘લેકિન’ શબ્દ પણ યથોચિત છે, જે દ્વારા ગ઼ાલિબ કહે છે કે અમે અમારી કલમથી જોશીલું જે કંઈ સર્જીએ છીએ; તેનો પહેલાં જે ગર્વ અને તેમાંથી નિપજતો આનંદ થતો હતો, (લેકિન)  તે હવે થતો નથી. ચાહકોને અમારી શાયરીથી ભલે આનંદ મળતો હોય, પણ અમને તો એ સાહજિક સર્જન જ લાગે છે. આમ આ બીજા મિસરામાં પણ ગ઼ાલિબની કાબેલિયત પરખાય છે કે તેઓ પોતાની સિદ્ધિને આમ સાહજિક બતાવીને છેવટે તો તેઓ પોતાના સર્જનને ઉચ્ચ કક્ષાનું દર્શાવી જ દે છે. મજાકમાં કહી શકાય કે ગ઼ાલિબ ચાહકોને અવળા હાથે કાન પકડાવે છે. મારા એક ગ઼ઝલકાર મિત્ર શ્રી પંચમ શુક્લનું પણ આવું  એક કથન છે કે ‘કવિતા આમેય હાથ અવળો કરીને કાન પકડવાની વસ્તુ જ છે.’                                                                                                         (ક્રમશ: ભાગ-૨)

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –217)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

 
Leave a comment

Posted by on April 30, 2022 in લેખ

 

(580) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૧૦ (આંશિક ભાગ – ૨) વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ)

વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૪ થી ૫)

થી વો ઇક શખ઼્સ કે તસવ્વુર સે
અબ વો રાનાઈખ઼યાલ કહાઁ ()

(તસવ્વુર =ધ્યાન; વિચાર, ખયાલ, કલ્પના; રાનાઈ-એ-ખ઼યાલ= આકર્ષક મોહક, સુંદર, લાલિત્યપૂર્ણ, કલ્પનાનો શણગાર)

અર્થઘટન અને રસદર્શન  

ગ઼ાલિબ સંપૂર્ણતયા સ્વીકારે છે કે તેઓ પહેલાં જે આકર્ષક વિચારો ધરાવતા હતા તે હાલમાં ગુમાવી ચૂક્યા છે. અગાઉ તેઓ માશૂકા પરત્વે સતત કલ્પનાઓમાં ડુબેલા રહેતા હતા અને હવે એ કલ્પનાઓ રહી નથી. જો કે અહીં આપણને  એક વાત સમજાવી જોઈએ  કે તેઓ માત્ર કલ્પનાવિહાર જ ગુમાવી બેઠા છે, માશૂકાને તો નહિ જ. એ માશૂકા તો હજીય તેમના દિલ ને દિમાગનો કબજો જમાવી બેઠેલી જ છે અને તેઓ તેનાથી મોઢું ફેરવી શકે તેમ પણ નથી. તેમણે ફક્ત ખોઈ છે તો માત્ર એ કલ્પનાઓ  કે જેના વડે તેઓ માશૂકાને વિવિધ અંદાઝો અને અદાઓમાં નિહાળી શકતા હતા.

આ શેરને સર્વાંગ સમજી લીધા પછી હવે આપણે પહેલા મિસરાને ચર્ચાની એરણ ઉપર લઈએ. પંક્તિનો પ્રથમ શબ્દ ‘થી’ (નારીવાચક) સૂચવે છે કે શેર માશૂકાને અનુલક્ષીને જ છે. વળી ગ઼ાલિબની ચાલાકી તો જુઓ, કે તેઓ તેને સીધી માશૂકા તરીકે ન ઓળખાવતાં ‘ઇક શખ્સ’ તરીકે રજૂ કરે છે. શખ્સ એટલે કોઈ એક વ્યક્તિ કે ઈસમ! આખી ગ઼ઝલનું રહસ્ય એ છે કે માશૂકાને સ્પષ્ટ રીતે ક્યાંય ઉલ્લેખવામાં આવી નથી. આફરીન…આફરીન!

વચ્ચે આપણે થોડીક શેરની રજૂઆત અનવ્યે ચર્ચા કરી લઈએ. સામાન્ય રીતે ગ઼ઝલના બધા શેર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. કોઈ ગ઼ઝલકારો દ્વય (જોડી) તરીકે પણ શેર આપતા હોય છે. આમ ભલે કરવામાં આવે પણ એવા જોડકા શેરની ખૂબી તો એ જ રહેવી જોઈએ કે તેઓ ભલે એકબીજાના અવલંબન તરીકે રહેતા હોય પણ તે દરેકનું સ્વતંત્ર અર્થનિર્ધારણ તો જળવાઈ જ રહેવું જોઈએ. ગ઼ાલિબે આ કમાલ તેમની ઘણી  ગ઼ઝલોમાં બતાવી છે અને આ ગ઼ઝલનો અગાઉનો શેર અને આ શેર એવી જોડી પણ તે પ્રકારની જ છે. આ ચોથો શેર આગલા શેરના તાર્કિક ક્રમમાં છે અને છતાંય એ બંને સ્વતંત્ર જેવા જ લાગશે.  ગ઼ાલિબ અને તેમના જેવા સિદ્ધહસ્ત કલમકારો જ આવું કૌશલ્ય બતાવી શકતા હોય છે.

ઉપર તો દ્વય (જોડિયા) શેર અંગેની સામાન્ય વાત થઈ, પણ એ વાતને અહીં ગ઼ાલિબના આ ગ઼ઝલના ત્રીજા અને ચોથા શેરને બરાબર લાગુ પાડીને સારી રીતે સમજી લઈએ કે કેવી રીતે તેઓ સ્વતંત્ર છતાંય સલંગ્ન છે. માત્ર ઉપલકિયા નજરે જોતાં આ બાબત વધુ સ્પષ્ટ નહિ થાય અને ત્યાં જ ગ઼ઝલકારની ખૂબી સમાયેલી છે. ચાલો, આપણે આમાં થોડા ઊંડા ઊતરીએ. આ ખાસ કિસ્સામાં જોઈ શકાશે કે આખીય ગ઼ઝલ કેવી રીતે અતીતને શોકાતુર વિલાપ વડે યાદ કરે છે. ઉત્તમ કૃતિ ભાવકને સમભાવી બનાવે અને અહીં આપણે પણ ગ઼ાલિબની સાથે સાથે જ શોકાતુર બની જઈએ છીએ. આજે પણ આપણે બદલાતા જતા વિશ્વ સામે જોઈને ભૂતકાળની ઘણી એવી સારી બાબતો હાલમાં ન જોવામાં આવતાં કેવા ખિન્ન થઈ જઈએ છીએ! ગ઼ઝલના ત્રીજા શેરમાં શાયર અને વિશાળ અર્થમાં સમાજ વિલાપ કરે છે કે આસપાસના માશૂક કે માશૂકાના અથવા તો કુદરતનાં સૌંદર્યો પરત્વે જે ઉશ્કેરાટ કે ઉલ્લાસ થવો જોઈએ તે ગુમાવી દેવાયો છે. તો વળી બીજા શેરમાં તેઓ જણાવે છે કે લોકોએ પોતાની સંવેદનાની નાજુકતાને ગુમાવી દીધી છે કે જે અદ્ભુત કલ્પનાઓ કરવા માટેના ઇંધણની ગરજ સારતી હતી અને એમ માશૂક-માશૂકા કે કુદરતના સૌંદર્યને બિરદાવવા માટેની સૌની ક્ષમતા જ ઘટી ગઈ છે અથવા તો બાકી રહી જ નથી; અને તેથી છીછરો કે ઊંડો એવો કોઈપણ પ્રકારનો આનંદ લૂંટી  શકાતો નથી.

આમ અહીં બંને શેરનું સમન્વય થાય છે અને તેથી આપણે સૌ અગાઉ જણાવ્યા મુજબના ‘વિખુટા પડયાના વલવલાટ(Withdrawal symptoms)’ના શિકાર બની ગયા છીએ. આ પરિસ્થિતિની સીધી અસર એ ઉદ્ભવી કે કોઈનું કશાયમાં દિલ લાગવા ન માંડ્યું અને આપણે બહાદુરશાહ ઝફરની એક  ગ઼ઝલના આ શબ્દો  ‘લગતા નહિ હૈ દિલ મેરા ઉજડે દયાર (પ્રદેશ, વિસ્તાર)મેં’ ગાતા થઈ જઈએ તેવી સ્થિતિ આવી પડી છે. આપણી ખિન્નતાના લીધે આપણે આસપાસની સુંદરતાને નિહાળવાની આપણી ઇચ્છાશક્તિને પણ હારી ચૂક્યા છીએ.

મારા સુજ્ઞ વાચકો આ ચોથા શેરના અતિવિસ્તારને જરૂર સહી લેશે કે કેમ કે તેમને લાગશે કે આજથી અંદાજે દોઢસો કે બસો વર્ષ પહેલાં ગ઼ાલિબે લખેલી આ ગ઼ઝલના જેવું વાતાવરણ હાલના ધાંધલિયા જીવનમાં સર્જાઈ ગયું છે. સૌ દોડી રહ્યાં છે, કોઈને આરામ નથી, કોઈને ચેન નથી. સૌ કોઈ આસપાસના નજારાને જોઈ કે માણી શકતાં નથી. આજે જગતમાં એવા કરોડો લોકો હશે કે જેઓ મહિનાઓથી આકાશના તારા પણ જોઈ શક્યા નહિ હોય! ઘણા એવા પોતાનાં જ બાલગોપાલો કે પ્રભુના પયગંબર જેવાં એ ભુલકાંઓ સામે નજર સુદ્ધાં પણ નહિ નાખી હોય! બાળકો તો ઈશ્વરના  સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે અને તેમની અવગણના આજે સમાજને ભારે પડી રહી છે. સંક્ષિપ્તે કહીએ કે તો લોકોની ધીરજ અને સબુરીનો ખાતમો બોલાઈ ચૂક્યો છે. ઉપસંહારે કહું તો આપણા સૌનો લાડલો ગ઼ાલિબ માશૂકાના કેશની લટમાં માત્ર ગુંચાવાઈને પડ્યો નથી રહેતો નથી, તે આર્ષદૃષ્ટા પણ છે. તત્ત્વજ્ઞાનીઓની જેમ એ લાંબું જોઈ અને વિચારી પણ શકે છે. ગ઼ાલિબે કલ્પેલી પરિસ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે. જો એ પરિસ્થિતિ ભાવી પેઢી સુધી લંબાઈ ગઈ તો માની લેવું પડશે કે માનવીએ ભોતિક પ્રગતિ તો ઘણી સાધી હશે, પણ માનવતાના નામે તો તે  દેવાળિયો બની ચૂક્યો હશે. આ જે ઘણું લખાયું છે તે માત્ર ચોથા શેરના ભાગરૂપે જ નહિ, પણ આખી ગ઼ઝલના સંદર્ભે જ ઘણું લખાયું છે, જે હવે બસ કરું છું. શુક્રિયા, ધન્યવાદ.

* * *

ઐસા આસાઁ નહીં લહૂ રોના
દિલ મેં તાક઼ત જિગર મેં હાલ કહાઁ ()

(—)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબ આ શેરની પ્રથમ પંક્તિમાં શરીરવિજ્ઞાન પ્રમાણે માનવશરીરની રગોમાં વહેતા લોહીનું કોઈકવાર આંખોમાંથી અશ્રુની જગ્યાએ વહેવાના થતા વ્યાધિ ઉપર આધારિત એક રૂઢિપ્રયોગને રજૂ કરે છે. આ  રૂઢિપ્રયોગ એવી પરિસ્થિતિમાં પ્રયોજાય છે જ્યારે કે વ્યક્તિ ઉપર કોઈ ભારે વિપત્તિ આવી પડી હોય અને તેનું બેકાબૂ રૂદન અવિરતપણે ચાલ્યા જ કરતું હોય. ગ઼ાલિબ કહે છે કે લોહીના આંસુએ રડવું એ કંઈ આસાન વાત નથી.

પછીની પંક્તિ તબીબી વિજ્ઞાન જ પ્રમાણે આંખોમાંથી લોહી વહેવાની બીમારીના મૂળભૂત કારણ ઉપર આધારિત છે. માનવશરીરનું યકૃત (કલેજું) હ્રદય તરફ તાજા લોહીને ધકેલવાનું કાર્ય કરે છે. હવે જો એ હૃદય ઘાયલ અર્થાત્ કમજોર સ્થિતિમાં હોય તો એ લોહી આંખો તરફની નસોમાં પ્રવાહિત થઈ જઈને અશ્રુની જગ્યાએ વહેવા માડે છે. આમ ગ઼ાલિબ શેરની બીજી પંક્તિમાં પહેલી પંક્તિમાંની વાતના સાતત્યમાં કહે છે કે લોહીનાં આંસુંએ રડવા માટે દિલ (હૃદય)માં તાકાત હોવી જોઈએ અને કલેજું પણ એવું જ કાર્યક્ષમ હોવું જોઈએ, જે આજકાલ રહ્યાં નથી.

જો કે આ શેરની ઉપરોક્ત વિવેચનામાં મને મળેલા શ્રોતમાંની અવધારણાનો સહારો લેવાયો છે, તબીબી વિજ્ઞાનના કોઈ તજજ્ઞનું સમર્થન મેળવી શકાયું નથી અને જરૂરી પણ નથી. આ સાહિત્યરચના હોઈ આપણે ‘લોહીનાં આંસુંએ રડવું’ એવા રૂઢિપ્રયોગને જ સ્વીકારી લેવો પડે. આમ પરિસ્થિતિઓમાં આવેલા બદલાવમાં શાયરની કલ્પના માનવશરીરના હૃદય અને જિગર સુધી ઊંડે પહોંચી ગઈ છે, જે આ શેરને ભવ્ય બનાવવામાં કારગત નીવડી છે.

મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – ૮૬)                                                 [ક્રમશ: આંશિક ભાગ – ૩]

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા

 

Tags: , , , , ,

(579) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૯ (આંશિક ભાગ – ૧) વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૧ થી ૩)

વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ
વો શબ-ઓ-રોજ઼ ઓ માહ-ઓ-સાલ કહાઁ (૧)

(ફ઼િરાક઼= વિરહ; વિસાલ= મિલન; શબ-ઓ-રોજ઼ ઓ માહ-ઓ-સાલ= રાત અને દિવસ અને માસ અને વર્ષ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબની ઘણી એવી ગ઼ઝલો છે કે જે વિષયની સુસંગતતા અને પ્રવાહિતા જાળવી રાખતી હોય અને એના પ્રત્યેક શેરમાં એક જ પ્રકારનો ભાવ પ્રગટ્યા કરતો હોય. ‘કહાં’નો શબ્દાર્થ તો ‘ક્યાં’ જ થાય, પણ તેનો વ્યંજનાર્થ તો ‘ક્યાંય નહિ’ એવો જ લેવો પડે. અહીં એ શબ્દ વિષાદ અને અભાવને દર્શાવે છે. અભાવ એટલે ‘ગમવું નહિ’ તે નહિ, પણ ‘ન હોવાપણું’. ભૂતકાળમાં અનુભવાયેલી કેટલીક એવી બાબતો અત્યારે જોવા મળતી નથી. એ બાબતોને આ શેરમાં ‘વો’ તરીકે ઓળખાવાઈ છે. એ ‘વો’માં આવે છે : વિયોગ, સંયોગ, દિવસો, મહિનાઓ અને વર્ષો. એ બધાં અગાઉ જેવાં જે કંઈ હતાં તે આજે જોવા મળતાં નથી. આમ તેમને યાદ કરી કરીને ગ઼ાલિબ અફસોસ અને ઝુરાપો વ્યક્ત કરે છે. મિલનની કે વિયોગની એ ઘટનાઓમાં પણ એ વખતે એક પ્રકારનું માધુર્ય રહેતું હતું, પરંતું ત્યાં આજે તો શુષ્કતા દેખાય છે. મિલનમાં પ્રેમીપાત્રોનો આનંદ અને વિરહમાં પણ એક પ્રકારની જે તડપ હતી, જે વેદના હતી તે આજે અનુભવાતી નથી. આજે બધે ખાલીપો લાગી રહ્યો છે. બીજી પંક્તિની રચના શ્રાવ્ય એટલે કે સાંભળવાલાયક બની રહી છે. વળી તે અર્થનિર્ધારણ પણ કરી આપે છે. સમયનું દિવસો, મહિનાઓ અને વર્ષોમાં  પસાર થવું એ ક્રમિક રીતે પઠન વખતે એવો ભાવ જગાડે છે કે જાણે કે વાણીનો ધોધ ન વહેતો હોય! આમ ભવ્યાતિભવ્ય આ શેરથી ગ઼ઝલની શરૂઆત થાય છે.

ફ઼ુર્સત-એ-કારોબાર-એ-શૌક઼ કિસે
જ઼ૌક઼-એ-નજ઼્જ઼ારા-એ-જમાલ કહાઁ (૨)

(ફ઼ુર્સત-એ-કારોબાર-એ-શૌક઼= જગતના વેપાર માટેનો અવકાશ; જ઼ૌક઼-એ-નજ઼્જ઼ારા-એ-જમાલ= સૌંદર્યનું દૃશ્ય જોવાનો આનંદ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ઝલના બીજા શેરમાં પણ પહેલા શેરનો અભાવોનો સિલસિલો ચાલુ રહે છે. શેરની પહેલી પંક્તિ ‘કિસે’  શબ્દ ખુદ કવિને લાગુ પડે છે અને તે દર્શાવે છે કે તેમને દુનિયાદારીના ધંધારોજગારની પ્રવૃત્તિઓમાં કોઈ લુત્ફ (આનંદ) કે કામકાજમાં સંતોષ (Job satisfaction) નથી મળતાં. વળી આમ બનવું તે સ્વાભાવિક પણ છે કેમ કે રોજિંદા કામકાજમાં એક પ્રકારનો કંટાળો (monotony) આવી શકે. હવે આ તો ઠીક પણ નજર સામે કોઈ સૌંદર્યા હોય કે પછી કુદરતી સૌંદર્ય હોય તો તેને નિરખવામાં પણ કોઈ ઉત્સાહ કે આનંદ નથી રહ્યાં. અહીં બંને પક્તિમાં પરિસ્થિતિઓ વચ્ચેનો થોડોક ભેદભાવ બતાવીને ગ઼ઝલકાર છેવટે તો એ જ નિષ્કર્ષ પર આવે છે કે બદલાતા સમયની તાસીર આના માટે જવાબદાર હોવા કરતાં તેમનો બદલાતો જતો મિજાજ જ વધારે કારણભૂત જણાય છે. વયવૃદ્ધિ અને વૈચારિક પરિપક્વાતાઓના કારણે માણસ જૂની સ્વૈરવિહારી માનસિકતામાંથી બહાર નીકળતો જઈને ગંભીરતા ધારણ કરતો જાય તેવી આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે આજે આપણે પણ અનુભવી રહ્યા છીએ. બદલાતા જતા સમાજજીવનનાં આ ચિહ્નો છે. પોતાની પાસે સુખવૈભ અને સમૃદ્ધિ હોવા છતાં માણસ આજેય જે બેચેની અનુભવે છે તેને  ‘કશાકથી વિખુટા પડ્યાનો વલવલાટ (Withdrawal symptoms)’ તરીકે ઓળખાવી શકાય. આમ આ શેરમાં ગ઼ાલિબની અન્ય ગઝલોમાં જે ઉન્માદતા જોવા મળતી હતી તેના બદલે ગંભીરતા જોવા મળે છે, જાણે કે હવે તેઓ ઠાવકા બની ગયા ન હોય!

દિલ તો દિલ વો દિમાગ઼ ભી ન રહા
શોર-એ-સૌદા-એ-ખ઼ત્ત-ઓ-ખ઼ાલ કહાઁ (૩)

(શોર-એ-સૌદા-એ-ખ઼ત્ત-ઓ-ખ઼ાલ= રૂહની કલ્પનાની ધૂમધામ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબ અહીં જે ઈશારો કરે છે તે એ છે કે સૌંદર્ય કે મુગ્ધાતાને કોલાહલભરી રીતે આમ કે તેમ ડહોળવાની જે પ્રક્રિયાઓ પહેલાંપહેલાં જે થતી હતી તે હવે દિલથી તો શું દિમાગથી પણ થતી નથી. સૌંદર્યના પ્રતીક તરીકે યુવાનીના ઉંબરે આવી ઉભેલા એ કિશોરોની આછી આછી ઊગતી દાઢીઓ અને યૌવનાઓની સુંદરતાને ઉભારતી તેમના ચહેરાઓ ઉપરના તલ વિષે રસિકજનો જે વિવેચનાઓ કરતા હતા તે ખરા દિલથી કરતા હતા. આવી ચર્ચાઓ જ્યારે જામતી ત્યારે એ લોકો પોતાનાં દિલોમાં પણ મુગ્ધતાનો એ ભાવ ધરાવતા અને તેથી એવી વાતો કરવા-કરાવવાળાઓનાં દિલોમાં એક ઉમળકો કે ઉલ્લાસ રહેતાં હતાં અને તે તેમનાં સાચાં દિલોમાંથી પ્રગટતાં હતાં. પરંતું આજે તો પણ એવાં સૌંદર્યો આવનારી એક પછી એક પેઢીમાં જોવા મળતાં હોવા છતાં કોઈના દિલમાં ગલગલિયાં કરાવે તેવી કે માત્ર દિમાગી કસરતો દ્વારા પણ એ સૌંદર્યોને બિરદાવાતાં નથી. આમ ચાહતના ઉદ્દીપક તરીકે કામ કરતી એ દાઢીઓ કે વદન ઉપરના તલ પરત્વે લોકો શુષ્ક દેખાય છે અને તેથી તેઓ દિલથી નહિ તો દિમાગના માનસિક વિચારો થકી પણ એ સૌંદર્યોને સન્માન આપતા નથી.

ગ઼ાલિબનો જીવનકાળ ઈ.સ.૧૭૯૭થી ઈ.સ.૧૮૬૯ સુધીનો રહયો હતો. આજે તેમના અવસાનને લગભગ ૧૫૦ વર્ષ થયાં. ગ઼ાલિબ તેમની ગ઼ઝલોમાં તેમના સમયકાળની વાત કરે છે. તે કાળે લોકો સૌંદર્યના ચાહક અને ઉપાસક જરૂર હતા, પણ તેઓ એ સૌંદર્યને પામવા કે ભોગવવાની વિકારવૃત્તિ ધરાવતા ન હતા, જે આજે ૨૧મી સદીના પ્રારંભકાળે અમર્યાદ વધતી જાય છે. રોજબરોજ નિર્દોષ સ્ત્રીઓ પર થતાં બળાત્કાર કે છેડતીનાં દુષ્કૃત્યો આ વાતની ગવાહી પૂરે છે. સૌંદર્યને માણવું અને તેનો ઉપભોગ કરવો એ ભિન્ન્ન બાબતો છે. આ વાતને છોડ ઉપરના ફૂલના ઉદાહારણથી સમજી શકાય. ફૂલને યથાસ્થાને રહેવા દઈને તેને માત્ર સૌંદર્યભાવે નીરખવું અને તેને તોડીને મસળી નાખવા જેવી વિરોધાભાસી ચેષ્ટા ન કરવી એમાં જ આ સમજદારી રહેલી છે.

– મિર્ઝા ગ઼ાલિબ GG86                                                                (ક્રમશ: આંશિક ભાગ – ૨)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા

 

Tags: , , , ,

(578) હાસ્યલેખક શ્રી હરનિશભાઈ જાનીનું દુ:ખદ અવસાન

સાહિત્યપ્રેમી મિત્રો,

એક દુ:ખદ સમાચર શેર કરવાના કે અમેરિકાસ્થિત હાસ્યલેખક અને મારા પરમ મિત્ર એવા હરનિશભાઈ જાની હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમે બંને રૂબરૂ તો કદીય મળ્યા ન હતા, પણ હજારો માઈલ દૂર હોવા છતાં અમે સાવ નિકટતા અનુભવતા રહ્યા હતા. મારી ૨૦૧૧ની અમેરિકાની મુલાકાત ટાણે તેમનો ફોન આવ્યો હતો કે તમે ક્યાં છો તે જણાવો અને મારાં પત્ની હંસા અને હું તમને મળવા આવીએ. મેં ખૂબ દૂર હોવાના કારણે એમને તકલીફ ન લેવાની વિનંતી કરી અને તેઓ માની ગયા હતા. તેઓ હૃદયરોગના દર્દી હતા અને બાયપાસ વખતના તેમના અનુભવોનો સરસ મજાનો હાસ્ય નિબંધ મને મારી પોતાની ૨૦૧૦ની બાયપાસ સર્જરીને હળવાશથી લેવા માટે મોકલી આપ્યો હતો.

તેમનું સાહિત્યસર્જન વોલ્યુમમાં ઓછું પણ દમદાર વધારે રહ્યું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર લાગે તેવાં તેમનાં બે હાસ્યપુસ્તકો ‘સુશીલા’ અને ‘સુધન’ અનુક્રમે તેમનાં માતા અને પિતાના નામે જ નામકરણ ધરાવે છે. આ બે પુસ્તકો થકી રતિલાલ બોરીસાગરના શબ્દોમાં કહીએ તો ‘તેમણે ગુજરાતી હાસ્યલેખકોની પ્રથમ હરોળમાં હકપૂર્વક પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.’ અનેક ગુજરાતી સાહિત્યસંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત તેમને  ખ્યાતનામ ‘જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ પણ એનાયત થયું છે.

તેમના “જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી….” શીર્ષકના હાસ્યનિબંધને મેં આપણી ‘વેબગુર્જરી’ના રવિવારી સર્જનાત્મક સાહિત્ય હેઠળ પ્રકાશિત કરેલ ત્યારે મેં એમને એક અંગત મેઈલ મોકલીને મારો એક સુઝાવ દર્શાવ્યો હતો કે જેમ રણજિતરામ પારિતોષિક હાસ્યલેખકશ્રી જ્યોતીન્દ્ર દવેને મળ્યું હતું અને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તમને મળ્યું છે, તો એ સિલસિલો ચાલુ રાખવા ‘હરનિશ જાની પારિતોષિક’ હાલ  જ જાહેર કરી દો તો કેમનું રહે અને તેઓ ખુશ થઈ ગયા હતા અને વળતા જવાબમાં હાસ્યલેખકની અદામાં લખ્યું હતું કે ‘વલીભાઈ, એ માટે તો મારે પહેલાં મરવું પડે ને!’.

આવા હાજર જવાબી શ્રી હરનિશભાઈ આજે સાચે જ મરી ગયા છે એવા સમાચાર ફેસબુક ઉપર વાંચતાં દિલ ભરાઈ આવ્યું અને બેગમ અખ્તરની ગાયેલી દર્દમય ગ઼ઝલ ‘દિલ તો રોતા હી રહે ઔર આંખસે આંસું ન બહે’ની યાદ આવી ગઈ. હમણાં થોડા સમય પહેલાં જ તેમનું છેલ્લું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ મને મળ્યું હતું, જે હાલ મારા વર્કીંગ ટેબલ ઉપર સામે જ પડ્યું છે.

મારા બ્લોગ ઉપર તેમના પ્રત્યેક હાસ્યલેખમાંથી એકેક વક્રોક્તિ દર્શાવતા લેખના પુરોકથનના શબ્દો આ પ્રમાણે રહ્યા છે:

“આટલા સુધી મારા સુજ્ઞ વાચકોને એમ લાગ્યા કર્યું હશે કે આ લેખકડો હરનિશભાઈની ઉપરોક્ત પુસ્તકમાંની વક્રોક્તિઓની લૉલીપૉપ જ બતાવ્યે જાય છે, મોંઢામાં ચગળવા ક્યારે આપશે! તો ભાઈ-બાઈ, હું Carrot and stick જેવું તો હરગિજ નહિ કરું; અને લ્યો ત્યારે હવે હું એક પછી એક લૉલીપૉપ આપવા માંડું છું જેને આપ મમળાવી મમળાવીને તેનું રસપાન કરવા માંડો. લેખલાઘવ્યને મદ્દેનજર રાખતાં હરનિશભાઈના પ્રત્યેક હાસ્યલેખમાંની નોંધપાત્ર એકેક વક્રોક્તિને જ અત્રે સ્થાન આપી શકીશ. રસના ચટકા હોય, કંઈ કૂંડાં ન હોય; હોં કે!”

ઉપરોક્ત લેખનો લિંક આ પ્રમાણે છે :

(૪૬૩-અ) ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’માંની વક્રોક્તિઓમાંનું વક્રદર્શન

ચાલો, આપણે સૌ સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળી રહે અને તેમનાં આપ્તજનોને આઘાત સહન કરવાની શક્તિ મળી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

વલીભાઈ મુસા    

* * *

 

Tags: , , , ,