RSS

Tag Archives: ઉર્ધ્વતા

(૪૩૫) મારો જન્મદિવસ – નવી નજરે

આજે મારો જન્મદિવસ છે, એમ કહેવા કરતાં આજની સાતમી જુલાઈ એ મારી જન્મતારીખ છે એમ કહેવાનું હું વધારે પસંદ કરીશ. વાચકમિત્રો વિચારશે કે આ તો ભલા શબ્દરમત થઈ, દિવસ કહો કે તારીખ કહો શો ફરક પડે ! જી હા, ફરક પડે અને તે જ અત્રે આપ સૌને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જોઈએ વારુ, હું આમાં કેટલી માત્રામાં સફળ થાઉં છું !

મારો જન્મદિવસ તો ૦૭-૦૭-૧૯૪૧ છે અને આજે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીશ; પરંતુ મારા જન્મના એ દિવસ સિવાયના પછીથી દર વર્ષે જે તોતેર દિવસો આવ્યા, તે તો મારા એ જન્મદિવસની યાદ અપાવતી તારીખોના હતા. ખલિલ જિબ્રાન તો કહે છે કે “જિંદગી કદીય પીછેહઠ નથી કરી શકતી કે ગઈ કાલમાં રોકાઈ નથી રહેતી.” આમ એ દિવસ તો પાછો આવતો નથી, પણ હા એ તારીખો તો આવતી જ રહેતી હોય છે અને એ તારીખો તો મારી કે કોઈની પણ બિનહયાતી પછી પણ આવતી જ રહે; પછી ભલેને કોઈ તેમને યાદ કરે કે ન કરે !

કુટુંબીજનો, મિત્રો અને સ્નેહીઓ તો પ્રણાલિકાગત રીતે ‘Happy birthday’ કે ‘Many many happy returns of the day’ જેવા અંગ્રેજીમાં કે એ મતલબના ગુજરાતી કે અન્ય કોઈ ભાષામાં આપણને શુભ સંદેશા પાઠવતાં હોય છે અને એમાં Day અર્થાત્ દિવસ શબ્દ જ પ્રયોજાતો હોય છે. અહીં હું કંઈ વિશેષ પિષ્ટપેષણ કરવા માગતો નથી, પણ એમ કહેનારાઓના પક્ષે બેસીને તેમના શબ્દને અલ્પાંશે યથાર્થ ઠેરવીશ કે એ તારીખે થએલા આપણા જન્મની ખુશીની ઉજવણીની એ તારીખોવાળા દિવસો પુન:પુન: આવ્યા કરે અને આપણે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરીએ એવી ભલી લાગણી એ લોકો દર્શાવતા હોય છે. એ એક બીજી વાત છે કે આવો સંદેશો ઝીલનાર વ્યક્તિ પોતે જ જાણતી હોય છે છે કે પોતાની જિંદગી એ મોજ છે કે બોજ છે, પણ દુનિયાદારીના આવા ઔપચારિક વ્યવહારોને માન આપીને તેણે હસતું મોઢું રાખવું પડતું હોય છે અને તેને પેલી શુભેચ્છાઓનો હકારાત્મક જવાબ ‘Thank you’ કે ‘આભાર’ જેવા શબ્દોથી ‘કાકા’ કહીને આપવો પડતો હોય છે !

હવે હું એક એવી વાત કહેવા જઈ રહ્યો છું કે જે સાંભળીને તમે અંગ્રેજી ‘O’ જેવો આકાર બંને હોઠ વડે કરીને કપાળમાં આડી કરચલીઓ પાડ્યા વગર નહિ રહી શકો. Happy કે Unhappy બર્થડેટ તો પ્રત્યેક વર્ષે આવે, પણ આપણો Happy અને માત્ર Happy જ બર્થડે તો વારંવાર આવી શકે અને એ પણ બદલાતી તારીખોએ તો વળી ! આપણા મૂળ જન્મદિવસને એ જ રીતે ભલે આપણે માનતા કે મનાવતા રહીએ, પણ જીવાતા જતા જીવનમાં આવતા રહેતા આપણા એ નવીન જન્મદિવસોને મનમાં તો યાદ કરતા જ રહેતા હોઈએ છીએ. આ તો કંઈક પુનર્જન્મ (Rebirth) જેવી કંઈક વાત થઈ રહી હોય તેવું તમને લાગશે અને વાત સાચી પણ છે, પરંતુ હું મર્યા પછીના કોઈ પુનર્જન્મની વાત નથી કરી રહ્યો; વાત કરું છું, આપણા જીવન દરમિયાન ભાગ્યબળે મળતા જતા પુનર્જન્મોની જ તો !

માનવજીવનમાં જીવતાંજીવ મળતા રહેતા પુનર્જન્મો બે પ્રકારના હોય છે, દૈહિક અને આત્મિક. દૈહિક પુનર્જન્મોમાં આવે; કુદરતી હોનારત કે માનવસર્જિત આફતોમાંથી બચવું, ગંભીર બિમારીમાંથી તંદુરસ્તી પ્રાપ્ત થવી, જીવનમાં આવતીજતી આસમાનીસુલતાની કે આઘાતપ્રત્યાઘાત સામે ટકી રહેવું વગેરે. તો વળી આત્મિક પુનર્જન્મોમાં આવી શકે; વૈચારિક પરિવર્તન થવું, જીવનનો નવીન દૃષ્ટિકોણ પ્રાપ્ત થવો, વ્યસનમાંથી મુક્ત થવું, માનવકલ્યાણનાં કામોમાં લગની લાગવી, નૈતિક અધ:પતનના માર્ગેથી પાછા વળવું ઇત્યાદિ.

ઉપરોક્ત ઉભય પ્રકારના પુનર્જન્મો આપણા જીવનના વળાંકો (Turning Points) બની શકે અને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે એ આપણને દોરી શકે, જો એમને ગંભીરતાપૂર્વક સ્વીકારવામાં આવે તો. જો આવી ઘટનાઓને સ્મશાનવૈરાગ્ય જેવી ગણી લેવામાં આવે તો જીવનમાં પરિવર્તન ન પણ આવે !

કોઈપણ માનવીની આત્મિક ઉન્નતિ કે અવગતિની તો કોઈ તવારિખો ન હોય. જે પળે ઉર્ધ્વતા તરફ આગળ વધો એ તમારો પુનર્જનમ અને પાછા હઠો એ મરણ બની રહે. આવા આત્મિક અનેક જન્મો અને એવાં અનેક મરણો જીવનભર ચાલ્યા કરતાં હોય છે. અનેક મર્યાદાઓ વચ્ચે જીવતો સંસારીજીવ પૂર્ણતા સુધી ભલે ન પહોંચે, પણ પૂર્ણતાની દિશામાં ભલે એક જ ડગલું વધે તો તેને પણ સાફલ્ય સમજવું રહ્યું.

ખાસ ઘટનાઓ ઉપર આધારિત દૈહિક પુનર્જન્મો તો આપણને સમજાતા હોય છે અને યાદ પણ રહેતા હોય છે. પરંતુ એવા અનેક જન્મદિવસો આપણને નિદ્રાત્યાગ પછી જાગૃતાવસ્થામાં આવતાં પણ મળતા રહેતા હોય છે. ઊંઘને અર્ધું મોત કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં આપણને એ જાણવા મળતું પણ હોય છે કે એવાઓ રાત્રે ઊંઘ્યા પછી સવારમાં કદીય જાગ્યા નથી હોતા અને ઊંઘની સ્થિતિમાં જ અનંત યાત્રાએ પહોંચી ગયા હોય છે. આમ આપણે આપણી સુખશય્યામાંથી આળસ મરડીને બેઠા થઈએ, ત્યારે સમજવું રહ્યું કે આપણને પુનર્જીવન પ્રાપ્ત થયું. બસ, આવી પ્રત્યેક સવાર એ આપણો નવીન જન્મદિવસ બની રહે છે. આપણે દિવસે પણ ઊંઘનારાઓમાંના હોઈએ અને જીવતા બેઠા થઈએ, તો તેને આપણે જે તે દિવસનું બોનસ જીવતદાન સમજવું પડે.

આટલા સુધી તો જન્મદિવસોની વાત થઈ, પણ આપણને જન્મપળો પણ પ્રાપ્ત થતી હોય છે. જીવમાત્ર બેમાંથી કોઈ એક રીતે અવસાન પામે છે, કાં તો છેલ્લો શ્વાસ લઈને અથવા છેલ્લો શ્વાસ છોડી દઈને. વ્યક્તિ જીવિત હોવાની સાબિતી એ ગણાય છે કે તેના શ્વાસોચ્છ્વાસ ચાલુ છે. હવે આ ચરખો થંભે ત્યારે જીવન અંત પામતું હોય છે. આમ આપણને એ ખબર નથી હોતી કે આપણે જે શ્વાસ લીધો તે પાછો છોડી શકીશું કે કેમ અને તે જ રીતે જે શ્વાસ છોડ્યો તે પાછો લઈ શકીશું કે કેમ ! એટલે જ તો જીવનને ક્ષણભંગુર કહેવામાં આવે છે અને આમ આપણે શ્વાસેશ્વાસે જીવતા થતા હોઈએ છીએ અને શ્વાસેશ્વાસે મરતા પણ હોઈએ છીએ. ‘સામાન સો બરસકા પલકી ખબર નહિ!’ એમ જે કહેવાય છે તે યથાર્થ જ છે. માતાની કૂખે જન્મતાં હૃદયના ધબકારા શરૂ થયા પછી જ નાભિનાળ (Umbilical Cord)ને કાપવામાં આવે છે. હવે આ ધબકતું હૃદય જે પળે બંધ પડ્યું, તે આપણું મોત બની રહે છે. આપણે માનવીઓ પોતાના એક હાથનાં આંગળાંનાં ટેરવાંને બીજા હાથના કાંડા ઉપરની નસને હળવેથી સ્પર્શીને નાડીના ધબાકારા મહેસુસ કરતાંકરતાં વિચારીએ તો ખ્યાલ આવી શકે કે આપણે કેવી નાજુક પરિસ્થિતિમાં જીવી રહ્યા હોઈએ છીએ. બસ, આ વિચાર માત્ર આપણને આત્મિક પુનર્જન્મ આપવા માટે પર્યાપ્ત બની રહેતો હોય છે.

સમાપને, આપણે બેન જ્હોન્સનનું (Ben Johnson) નું એક કાવ્ય (All credit goes to ‘Copy Right’ possessors.) યાદ કરી લઈએ, જેમાં તેમણે ઓક (Oak) નામના એક વૃક્ષ અને કમળના ફૂલની સરખામણી કરી છે. ઓકનું આયુષ્ય લગભગ ૩૦૦ વર્ષનું હોય છે, જ્યારે કમળની જિંદગી માંડ એકાદ દિવસની જ હોય છે. એ કાવ્યનો મધ્યવર્તી વિચાર એ છે કે આપણે કેટલું લાંબુ જીવીએ છીએ તેનો કોઈ મતલબ નથી, પણ આપણે કેવી રીતે જીવીએ છીએ તેનું જ મહત્ત્વ હોય છે. ગુણવત્તાસભર જીવન એ જ તો આયુષ્યનું સાચું મૂલ્યાંકન હોય છે.

– વલીભાઈ મુસા

આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) ‘મારી કલમે હું’

 

Tags: , , , , , , , , , , , , , , , , ,