RSS

(198) ભેદભરમની ભીતરમાં – એક વિચાર (૧)

12 Jun

આજે હું જે કંઈ લખવા જઈ રહ્યો છું તે વિષય તો મારા મનમાં સ્પષ્ટ છે, પણ છેલ્લે આ લેખ સાહિત્યના કયા સાહિત્યપ્રકારના ચોકઠામાં ગોઠવાશે તેની તો મને પણ ખળે (અંતે) જ ખબર પડે કે ન પણ પડે! કદાચ એવું પણ બને … ચાલો વાત છોડો! આપણે કામથી કામ રાખીએ. એક વાત ચોક્કસપણે પહેલેથી જ જણાવી દઉં કે આ લેખના શીર્ષકથી છેતરાઈને કોઈ તેને રહસ્યકથા, જાસુસી વાર્તા કે એવી કોઈ જિજ્ઞાસાપ્રેરક કૃતિ સમજી બેઠા હો તો આટલેથી આગળ વાંચવાનું માંડી વાળજો. પણ, મને ખાત્રી છે કે તમે તેમ નહિ કરી શકો; કેમ કે… કેમ કે…!

આ લેખમાં માનવજીવનના ભેદભરમના ઘટનાચક્રની એક સત્યકથા મૂકવામાં આવશે જેના રહસ્યને ઉકેલવા માટે મારી પોતાની જાતથી શરૂ કરીને આસ્તિકો, નાસ્તિકો, એકેશ્વરવાદીઓ, અનેકેશ્વરવાદીઓ, બુદ્ધિવાદીઓ, વૈજ્ઞાનિકો, દાર્શનિકો, વ્યક્તિપૂજકો, ગુરુપરંપરાને માનનારાઓ, મૂર્તિપૂજકો કે નિરાકાર રૂપે ઈશ્વરને ભજતા માનવ સમુદાયો, પ્રતિકપૂજકો કે ધર્મગ્રંથને જ માનસન્માન આપવાવાળા તમામે તમામ કોણ જાણે કેટલાય એવા ‘વાદીઓ’, ‘ઇકો’ કે ‘ઓ’ સામે મારું પ્રશ્નાર્થ ચિહ્ન જ રહેશે.

અંતે આના પ્રત્યુત્તરની મને કોઈનીય પાસેથી અપેક્ષા પણ નથી કે મારે પોતાને એવો કોઈ પ્રત્યુત્તર આપવાનો પણ નથી. એટલા જ માટે મારા આ લેખના શીર્ષકના અંતે ‘એક વિચાર’ શબ્દો મૂકવામાં આવ્યા છે, જેમાંથી એ અર્થ અભિપ્રેત થાય છે કે તમારે કે મારે હવે રજૂ થનારા એક ઘટનાચક્ર ઉપર માત્ર અને માત્ર વિચાર જ કરવાનો રહે છે, આત્મચિંતન કરવાનું રહે છે, મનોમંથન કરવાનું રહે છે અને આવાં જ ઘટનાચક્રો અન્ય કોઈના જીવનમાં કે પોતાના જીવનમાં જાણવા કે અનુભવવામાં આવ્યાં હોય તો તેમને સ્મૃતિમાં લાવીને અહીં પ્રસ્તુત વિચારની વિચારયાત્રાને લંબાવતા જવાનું છે.

આ માટે એક મહત્વની સલાહ છે કે આ લેખના વાંચન પછી તરત જ વિચારવાનું શરૂ કરી દેવાની ઊતાવળ કરતા નહિ, કેમ કે આ વિચાર કરવા માટે તમારે યોગ્ય વાતાવરણની જરૂર પડશે. આ વાતાવરણ એટલે નીરવ શાંતિ, એકાંત જગ્યા (જે તમને ઘરમાંજ મધ્ય રાત્રિએ કે વહેલી પરોઢે પણ મળી શકે), અંધકાર (દિવસનો ભાગ હોય તો આંખો બંધ કરીને પણ પ્રસ્થાપી શકાશે) અને માનસિક સ્વસ્થતા. હું ‘ચિંતન પ્રક્રિયા’ અંગે જે કંઈ અહીં જણાવી રહ્યો છું તે લગભગ ‘સહજ રાજયોગ’ ને મળતી આવતી મારા મને અશાસ્ત્રીય એવી જ કોઈ એક વાત છે તેમ જ સમજવા વિનંતી છે.

મારા આગળ વધવા પહેલાંની ઉપરની કદાચ નિરર્થક લાગતી પૂર્વભૂમિકા આપવી જરૂરી હતી જ તેવું તમને છેલ્લે લાગવું જ જોઈએ એમ હું માનું છું અને હવે તમને વધુ રાહ જોવડાવ્યા વિના માનવજીવનના એક ઘટનાચક્રને વાંચવા નિમંત્રું છું. તો આગળ વધો :

ઘટના ચક્રનું શીર્ષક : “અજીબોગરીબ દાસ્તાન”

પાત્રપરિચય :

(1) લેખક : અનેકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરિચિત, પણ અજાણ્યાઓ માટે એક સામાન્ય જનથી વિશેષ કંઈ નહિ.

(2) અફઝલ : ઘટનાસમયે એક શ્રમજીવી છોકરો, પણ આજે કદાચ આધેડવયે પહોંચેલો હશે. આજે તેની ‘ક્યાં’ અને ‘શું’ હોવાની કોઈ જાણકારી નથી અને અહીં જરૂરી પણ નથી.

(3) અનામી- ૧ : જીપચાલક કે માલિક, એ વખતે અને આજે પણ અનામી, એક વ્યક્તિથી વિશેષ તરીકે જાણવું કે જણાવવું કંઈ જરૂરી નથી.

(4) અનામી- ૨ : ટ્રક ડ્રાઈવર/માલિક, જે હોય તે પણ જાણવું અનાવશ્યક

(5) પ્રેક્ષકો : મધ્યરાત્રિએ ઘટના ઘટી હોઈ જૂજ સંખ્યામાં મોજુદ

ઘટનાકાલ :

વર્ષ ૧૯૮૨ (+/-)

ઘટનાવર્ણન :

હું મારા વતનમાં જ ગામ નજીકથી પસાર થતા હાઈવે ઉપરની મારી ઓટોમોબાઈલની દુકાને મધ્યરાત્રિએ અધુરી એકાઉન્ટની કામગીરી પૂર્ણ કરવા બેઠેલો હતો, ત્યાં તો એક જીપચાલક મારી દુકાનમાં પ્રવેશ્યો અને અમારી વચ્ચે આ પ્રમાણે ઔપચારિક વાતચીત શરૂ થઈ:

“શેઠ, અડધી રાતે પણ તમારી દુકાન ખુલ્લી જોઈને મારા આનંદનો પાર નથી.”

“ભાઈ, ઘરે ઊંઘ ન આવી હોવાના કારણે સ્કુટર લઈને દુકાને આવી ગયો અને એકાઉન્ટનું કામ કરી રહ્યો છું. કેમ કોઈ સ્પેર પાર્ટ કે ટાયરની જરૂર પડી છે કે શું?”

“હા, મારે એક ટાયર જોઈએ છે. હું એક ફેમિલીની ૧૫-૨૦ દિવસની લાંબી ધાર્મિક ટુરની વર્ધી ઉપર છું. મારાં પેસેન્જર અંબાજી હૉટલમાં છે અને તેમને સૂતાં મૂકીને એટલે દૂરથી હું ટાયર માટે આવ્યો છું. એક ટાયર સાવ ઘસાઈ ગયું હોઈ મને લાગ્યું કે લાંબી ટુરમાં મારે જોખમ ઊઠાવવું ન જોઈએ. તે લોકોએ પૈસા તો મને એડવાન્સ આપી દીધા છે, પણ અડધી રાતે મને ટાયર મળી જશે તેની ખુશી છે.”

મેં પેલા જીપચાલકને ટાયર તો આપી દીધું, પણ તે મને પૂછવા માંડ્યો, “શેઠ, તમારી દુકાનના સામેના ભાગે જ ખૂણામાં ટાયરપંક્ચરવાળાનું કેબિન લાગે છે તે મને ટાયર ફીટ કરી આપશે?”

“હા હા, કેમ નહિ? ચાલો, મારી સાથે એને હું જગાડીશ.”

મેં રાતપાળી નોકરી બજાવતા એ છોકરાને કે જેનું નામ અફઝલ હતું તેને જગાડ્યો. તે બિચારો તરત જ જાગી ગયો અને જોડેની હોટલની બહારની ચોકડીના નળે મોઢુ ધોવા ગયો. પેલો મારો ગ્રાહક અને હું મારી દુકાનમાં આવી બેઠા અને અમારા ત્રણેય માટે મેં હોટલે ચાનો ઓર્ડર પણ આપી દીધો. અફઝલ પેશાબપાણી કરીને મોંઢુ ધોઈને આવે તે પહેલાં પેલા અફઝલની કેબિન આગળ અમે વિચિત્ર દૃશ્ય જોયું. હોટલ આગળ લાગેલી ટ્રકો પૈકીની એક ટ્રક ગીઅરમાં નાખ્યા વગર પાર્ક કરેલી હોઈ કેબિન તરફે ઢોળાવના કારણે ધીમી ગતિએ સરકતી સરકતી અફઝલની ખાટલીને ચગદી નાખીને પેલા કેબિનને પણ હડસેલતાં તેને ત્રાસું કરી નાખ્યું અને ટ્રક ત્યાં જ થંભી ગઈ.

અફઝલનો અદભુત બચાવ થઈ ગયો, નહિ તો તે બિચારો ઊંઘ્યો ને ઊંઘ્યો માર્યો ગયો હોત!

ઘટનાનું સંક્ષિપ્ત વિવરણ :

આ એક સામાન્ય લાગતા ઘટનાક્રમની શુભ ફલશ્રુતિ આપણી સામે છે. આ બચાવથી અફઝલને કોઈ અમરત્વ તો પ્રાપ્ત નથી થયું, કેમ કે જે કોઈ જાયું (જન્મ્યું) તે જવાનું તો છે જ. પણ જે તે સમય પૂરતું વિચારતાં એમ કહી શકાય કે તેને એક જીવતદાન મળ્યું એટલું જ. એકાદ કલાક પછી હું ઘરે આવી ગયો, પણ મારી ઊંઘ ઊડી ગઈ હતી અને ઉપરોક્ત ઘટનાક્રમના વિચારોમાં દિવસ ઊગી ગયો ત્યાં સુધી હું જાગતો જ રહ્યો અને વિચારતો જ રહ્યો.

*   *   *   *   *

હવે મારા લેખના પ્રારંભિક ભાગના અનુસંધાને ઉપરોક્ત ઘટનાક્રમના વર્ણન પછી આગળ વધીને કહેવા માગું છું કે ત્રીસેક વર્ષ પહેલાં મારી નજર સામે ઘટેલી ઘટના જે મારા માનસપટ ઉપર અંકિત થઈ હતી તે પુન: તરોતાજા બનીને આ લેખ લખવા માટે મને પ્રોત્સાહિત કરી ગઈ છે. લેખના સમાપનની લગભગ નજીક જ છું અને અગાઉ જણાવ્યા મુજબ મારે કે તમારે માત્ર વિચાર જ કરવાનો રહે છે કે ઉપરોક્ત નમૂનારૂપ એક સત્ય ઘટના જેવી અનેક ઘટનાઓ આપણા કે કોઈના પણ જીવનમાં બની હશે અને બનતી પણ રહેશે.

અહીં ઘટનાની ફલશ્રુતિમાં આવે છે જીવતદાન; તો કોઈક ઘટનાક્રમોમાંથી જીવનપરિવર્તન પણ આવી શકે, જીવનદાન બની શકે, વિચાર પરિવર્તન થઈ શકે, ઔદ્યોગિક – સામાજિક કે રાજકીય ક્રાંતિઓનાં નિમિત્તો બની શકે, જીવન બદલાઈ શકે, જીવનના દૃષ્ટિકોણ કે મૂલ્યો બદલાઈ શકે, અવનવાં સંશોધનો થઈ શકે, દેશોના ઈતિહાસ બદલાઈ શકે, વ્યક્તિગત કે સામાજિક ચારિત્ર્યો ઉર્ધ્વગામી કે અધોગામી બની શકે, યુદ્ધો કે યુદ્ધવિરામો થઈ શકે, બહારવટિયા બની શકે કે વાલ્મિકીઓ બની શકે, વિશ્વશાંતિનો સંદેશ ફેલાઈ શકે કે વિશ્વશાંતિ ડહોળાઈ શકે. સરવાળે અને સંક્ષિપ્તે કહેતાં ઘણુંબધું થઈ શકે, જેવી ઘટનાઓ તેવાં પરિણામો – શુભ કે અશુભ, ચિરંજીવી કે ક્ષણજીવી, આત્મલક્ષી કે પરલક્ષી, આલોકીય કે પરલોકીય, જાતીગત કે સાર્વજનિક, આર્થિક કે નૈતિક, શ્લીલ કે અશ્લીલ, યાદી ઘણી લાંબી થઈ શકે!

આ લેખના સમાપને મેં અગાઉ કહ્યું તેમ માનવીય જીવનમાં સર્જાતી ઘટનાઓ ઉપરની તમારી વિચારયાત્રાને હું આ કે તે દિશાસૂચન આપીને પરાવલંબી કે પંગુ નહિ બનાવું. નિરંકુશ ઉડ્ડયન કરતા વિહંગની જેમ મેં સૂચવેલા વાતાવરણે અને મન:સ્થિતિએ માત્ર આ મુદ્દે જ નહિ, પણ અગણિત એવા કેટલાય મુદ્દે તમારું આત્મમંથન તમારા જીવનનાં અનેક દિશાઓનાં દ્વાર ખોલી આપશે; અને માત્ર તેટલું જ નહિ, પણ જીવનની કેટલીય અસ્પષ્ટ કે સમજવી દુષ્કર એવી સમસ્યાઓનાં સમાધાન પણ કરી આપશે. તમને અનુભવે જાણવા મળશે કે આવી વિચારયાત્રાઓનાં પરિણામો સફળ, અર્ધસફળ, નિષ્ફળ, સ્પષ્ટ કે ધૂંધળાં સંભવી શકે, પણ એમાં તમારે ગુમાવવાનું કશું જ નહિ હોય. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિનો માર્ગ મોકળો થવાની દિશાને ચીંધતી આવી વિચારયાત્રાઓ તમારા માટે એવી આનંદદાયી બની રહેશે કે તમે સઘળા સંવેગે હળવા ફૂલ જેવા બની રહેશો.

અસ્તુ (આમીન)

– વલીભાઈ મુસા

 

Tags: , , ,

5 responses to “(198) ભેદભરમની ભીતરમાં – એક વિચાર (૧)

 1. pragnaju

  June 12, 2010 at 9:30 am

  સુંદર નિરૃપણશૈલી
  કોઈ પણ ઘટના અગે તર્ક અને શ્રદ્ધાનું સમતોલન, વિરોધી મતનો સમાદર તથા સમન્વયાત્મક દ્રષ્ટિકોણ રાખવો જરુરી છે. જીવનમાં સર્જાતી ઘટનાઓ સમયે આપણે કમળ જેવા નથી બનતા, પરંતુ બની જઈએ છીએ જાંબાલી !
  જાંબાલી એ અહીં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે.
  તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
  ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
  કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
  મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !
  સ્વામી વિવેકાનંદે પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા માટે સિસ્ટર ક્રિસ્ટાઇનને પ્રોત્સાહન આપવા માટે આ કાવ્ય ન્યૂયૉર્કથી લખ્યું હતું.ગમે એટલી વિપત્તિ કેમ ન આવી પડે, મનુષ્યે પોતાની સજ્જન પ્રકૃતિ ત્યાગવી ન જોઈએ જે રીતે ફૂલ એની મીઠી મીઠી ફોરમ પ્રસરાવતું રહે છે, વિપુલ માત્રામાં અને માંગ્યા વિના અને કોઈપણ કામના વગર !!
  જાંબાલીની વિલક્ષણતા એ છે કે એના પર પાણીના માત્ર એકાદ બિંદુનો પણ છંટકાવ થાય કે તુર્ત જ એ બુંદનો ડાઘ આ વનસ્પતિ પર અંક્તિ થઈ જાય. એવો જડબેસલાખ એ ડાઘ હોય છે કે કોઈ પણ ઉપાયે એ નાબૂદ ન થાય. યાવજ્જીવ એ ડાઘ એના પર પૂરેપૂરો સાબૂત રહે. આપણે ય મહદઅંશે આ જાંબાલી જેવા બની જઈને ઘટનાઓની અસરથી પૂરેપૂરા ઘેરાઈ જઈએ છીએ. અરે ! ક્યારેક નાની ઘટનાઓથી ઘેરાઈને રજનું ગજ કરી બેસીએ છીએ કે જેમાં સરવાળે નુકસાની જ આવે.
  આ વિચિત્ર ઘટના ટૂંકમા…”ટ્રક ગીઅરમાં નાખ્યા વગર પાર્ક કરેલી હોઈ કેબિન તરફે ઢોળાવના કારણે ધીમી ગતિએ સરકતી સરકતી અફઝલની ખાટલીને ચગદી નાખીને પેલા કેબિનને પણ હડસેલતાં તેને ત્રાસું કરી નાખ્યું અને ટ્રક ત્યાં જ થંભી ગઈ.અફઝલનો અદભુત બચાવ થઈ ગયો, નહિ તો તે બિચારો ઊંઘ્યો ને ઊંઘ્યો માર્યો ગયો હોત!આ એક સામાન્ય લાગતા ઘટનાક્રમની શુભ ફલશ્રુતિ આપણી સામે છે….” મારી ઊંઘ ઊડી ગઈ હતી એ જાંબાલી જેવી ફલશ્રૂતિ છે.સામાન્યપણે બદલો કેવો લેવાયો’ તે જણાવ્યું નથી પણ આવી ઘટનાના રીએકશનમાં ઝનૂની પાગલપન અપનાવીને કાંઇ પણ થઈ શકે છે! નાની નાની ઘટનાઓમાં ઘેરાઈ જતાં હોવાની પ્રતીતિ ઘણાખરાને હોય છે જ.તે વર્ષોના વર્ષો પર્યંત અકબંધ યાદ રાખીને એના પ્રત્યે તીવ્ર આક્રોશ હોય છે, કો’કે અકસ્માત કરેલી ઉપેક્ષાનો ડંખ સતત જીવંત રાખીને એની સાથેના વર્ષોના સંબંધો સંકેલી લીધા હોય ત્યારે આપણે ય બનીએ છીએ આ જાંબાલીના છોડ જેવા.
  આવી સ્થિતિમાંથી આપણે જો અચૂક ઉપર ઉઠવું જ છે, તો આસમાની- સુલતાની જેવી મોટી ઘટનાઓમાં ય સાવ અલિપ્ત રહેવાની અવસ્થાને આદર્શરૃપે લક્ષ્યમાં રાખીએ અને આચરણમાં લાવીએ. નાની નાની બાબતોથી અલિપ્ત રહેવાના રુહાની ગુણથી. આપણે આત્મકલ્યાણ તરફ મક્કમ પગલાની ગતિ કરી શકીશું.

  Like

   
 2. Valibhai Musa

  June 12, 2010 at 10:54 am

  નેકનામ પ્રજ્ઞાબેન,

  વિદ્વતાપૂર્ણ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર.

  મારા લેખમાં ‘અફઝલ’ અંગેના કિસ્સાનું સંક્ષિપ્ત બયાન જ જરૂરી હતું એટલે વિગતમાં ઊંડો ઊતર્યો નથી.ઘટનાનો અંત નિરાશાજનક હતો. બીજા ટ્રકવાળાઓ અને તેમના મજૂરો સાથેની બહુમતી એક તરફ, હોટલમાલિકને ટ્રકવાળા ગાહકોની ગરજ હોવાના કારણે તેનો તટસ્થ રવૈયો અને છેલ્લે મારી અને મારા ગ્રાહક (જીપવાળા)ની દરમ્યાનગીરીથી ખૂબ રકઝકના અંતે પેલાએ માત્ર સો રૂપિયા જ વળતર તરીકે આપ્યા. પેલો ટ્રકવાળો પણ અફઝલના જેવો જ નોકર હતો, તેની પણ મર્યાદાઓ હતી. કેબિનવાળાને પણ આવા ટ્રકવાળા ગાહકોની લાચારી હતી. એ બધા સંગઠિત થાય તો ટાયરપંક્ચરવાળાનું ધંધાકીય હિત પણ જોખમાઈ શકે.

  છેલ્લે આપને ફરી ફરીને ધન્યવાદ એટલા માટે આપું છું કે આપનું વિશદ વાંચન અને જીવનના અનુભવોનું પ્રતિબિંબ આપના લેખોમાં અને પ્રતિભાવોમાં પડ્યા વિના રહેતું નથી. આપનો યાદદાસ્તનો ખજાનો એટલો બધો સમૃદ્ધ છે કે જ્યાં જે તે સંદર્ભે જે જરૂરી હોય તે આવી જ જતું હોય છે.

  Like

   
 3. sapana

  June 12, 2010 at 7:03 pm

  પ્રજ્ઞાબેન જેટલુ મારુ વાંચન અને જ્ઞાન નથી પણ એટલુ જરુર કહી શકું છું કે ક્યારેક ખુદાના મસલા ખુદા જાણે..જીપવાળાનુ આવવુ અને અફઝલનું જાગવુ ટ્રકનું આવવુમ ..બધી ઘટનાનો ક્રમ અલ્લાહે ગોઠવ્યો છે..અફઝલને અમરત્વ નથી મળ્યુ.પણ એ ક્ષણ એની મૌતની ન હતી…એટલે ઈશ્વર સૌ સારા વાના કરશે એવી દુઆ કરવાની હા જો અફઝલનું મ્રુત્યુ એ ક્ષણે લખેલ હોત તો દુનિયાનો કોઈ બંદો બચાવી ના શકત!!હા ટ્રકવાળાની ભૂલ હતી પણ એ અકસ્માત જ હતો..
  આમીન
  બાનુમા

  Like

   
 4. સુરેશ જાની

  June 28, 2010 at 10:09 pm

  આને ‘ કાગનું બેસવું અને ડાળનું પડવું’ એ રીતે આકસ્મિક ઘટના તરીકે પણ આપણે મૂલવી શકીએ.
  આને આપણા મનની નબળાઈ કહો તો નબળાઈ; કલ્પનાશક્તિ કહો તો કલ્પના શક્તિ; શ્રદ્ધા કહો તો શ્રદ્ધા અને વહેમ કહો તો વહેમ પણ..

  આમ થાય ત્યારે આપણે મોટા ભાગે કોઈક આધિભૌતિક તત્વની હયાતિ વિશે જરૂર વિચારવા લાગી જતા હોઈએ છીએ.
  અને આપણે અનુભવી નથી શકતા માટે કશુંક આધિભૈતિક ન જ હોય ; તે માન્યતા રેશનલ નહીં પણ ઇરરેશનલ છે.
  કોલમ્બસે શોધ્યો, એ પહેલાં પણ અમેરિકી પ્રદેશ હતો જ. ન્યુટનના શોધ્યા પહેલાં પણ ગુરુત્વાકર્ષણ હતું જ.

  હું જ્યોતિષમાં માનતો નથી ; પણ કશુંક છે ; એમ માનવું પડે તેવો કિસ્સો વાંચવો ગમશે –

  http://gadyasoor.wordpress.com/2009/04/28/where-you-are/

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: