RSS

(276) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 1

01 Oct
(276) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 1

(ભાગ-2 માટે અહીં ક્લિક કરો.)

આજે રવિવારી સવારે મારા પૌત્રના શેરીમિત્રો અમારા ઘરે રમવા માટે આવી ગયા હતા. એ અમારો અઠવાડિક કાર્યક્રમ રહેતો, જેમાં અમે અવનવી બાળરમતો રમતા. શરૂઆતમાં તો પેલાં ભુલકાં સંકોચ અનુભવતાં એટલા માટે કે તેમની સાથે એક વયોવૃદ્ધ માણસ બાળક બનીને રમવા માગતો હતો. ધીમેધીમે તેઓ મારી સાથે અનુકૂલન સાધતાં ગયાં અને પછી તો અમને અન્યોન્ય એકબીજાનું એવું વ્યસન થઈ ગયું કે સૌ બેચેનીપૂર્વક રવિવારના આગમનની રાહ જોવા માંડ્યા. છેલ્લા કેટલાક રવિવારથી અમારામાં બાળકીઓ પણ ભળવા માંડી હતી.

આજે મારા પૌત્રે પોલીસ-ચોરની રમત રમવાની દરખાસ્ત મૂકી અને તમામે વધાવી લીધી. મારું મન માનતું ન હતું એટલા માટે કે કુમળા માનસને અનુરૂપ આ રમત ન હતી. કાવ્યમય ન્યાય (Poetic Justice) મુજબ રમતનો અંત ન આવે અને અંતે ચોરટોળકી ફાવી જાય તો મોટી મુશ્કેલી સર્જાય. રમતના અંતની વાત રહેવા દઈએ, પણ રમતના પ્રારંભે જ ચોરટોળકીની રચના કરવી પડે અને કદાચ એવું પણ બને કે કોઈ ચોર બનવા તૈયાર ન થાય અને માત્ર પોલીસોની ભરતી થાય તો રમત શી રીતે રમાય! આમ છતાંય મને એમ થયું કે બાળકો ભેગા રમવું હોય તો બાળક બનીને જ રમાય અને તેમના વિચારોની આવી સીધી પરિપક્વતાની કોઈ અપેક્ષા રાખવી અસ્થાને ગણાય. રમત શરૂ થવા પહેલાં અમારી વચ્ચે આમ સંવાદ થયો:

‘બોલો છોકરાંઓ, આપણે પોલીસ-ચોર રમત રમવી છે કે ચોર-પોલીસ?’

‘આ વળી નવી વાત! બંનેમાં શો ફેર તે જરા સમજવશો?’

‘પોલીસ-ચોરમાં પોલીસ પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે, ચોરને પકડી પાડે, તેના ઉપર કોર્ટમાં કેસ મૂકે અને તેને સજા અપાવે.’

‘જ્યારે ચોર-પોલીસમાં પોલીસ ભ્રષ્ટાચારી હોય, ચોરને ચોરી કરવા પ્રોત્સાહિત કરે, ચોરીમાં ભાગ રાખે અને લોકો ચોરો અને ચોરીઓથી ત્રાહિમામ્ પોકારે!’

મારા પૌત્રે કહ્યું, ‘દાદા, આજે આપણે એ બે પૈકીની કોઈપણ રમત ન રમીએ અને તમે ફક્ત એવી કોઈ ઘટના અમને કહી સંભળાવો જેમાં પોલીસે ખોટી રીતે કોઈ ગરીબ માણસને પરેશાન કર્યો હોય! નિશાળમાં અમારા સાહેબે ‘વાડ ચીભડાં ગળે’ કહેવત સમજાવતાં જુલ્મી રાજા અને ભોળી પ્રજાનું જૂના રાજાશાહીના જમાનાનું ઉદાહરણ આપ્યું હતું. હાલમાં તો લોકશાહી છે અને પ્રજાના સીધા રક્ષણની પહેલી જવાબદારી પોલીસની બને. પોલીસ વાડ સમાન રક્ષક હોવા છતાં પ્રજાનું કઈ રીતે અહિત કરી શકે એવી સરસ મજાની કોઈ વાત અમને કહી સંભળાવો.’

‘સાંભળો ત્યારે…’ મેં શરૂ કર્યું.

“ઘણા સમય પહેલાં એક ગામમાં બે વણઝારાભાઈઓ પોતપોતાનાં કુટુંબો સાથે ગામથી થોડેક છેટે નાનકડા તંબુ તાણીને રહેતા હતા. બંને ભાઈઓ વચ્ચે ત્રીસપાંત્રીસ ગધેડાં હતાં. બિચારા માટીકામ કરે અને પોતાનાં કુટુંબોનું માંડમાંડ ભરણપોષણ કરે. એક દિવસે તેમના તંબુ આગળ પોલીસનો ડબ્બો (મોટરગાડી) આવી ગયો. ત્રણચાર પોલીસવાળા તાબડતોબ ડબ્બામાંથી નીચે ઊતરીને પેલાઓના તંબુઓમાં ઘુસી જઈને ગોદડાં અને સરસામાન વગેરે ફેંદવાનું શરૂ કર્યું. પેલા બિચારાઓએ હાથ જોડીને વિનંતીભાવે કહ્યું, ‘અરે, અરે, સાહેબો શું કરો છો?’

પી.એસ.આઈ.એ બંનેને ધોલધપાટ કરીને એટલું જ કહ્યું, ‘પોલીસને તેનું કામ કરવા દો, નહિ તો પકડીને જેલભેગા કરી દઈશ.’

‘પોલીસ પાસે ન તો સર્ચ વોરંટ, ન તો કોઈ લેખિત હૂકમનો કાગળ કે ન તો મૌખિક રીતે કંઈ પણ કહેવાનું કે શા માટે જડતી થઈ રહી છે. પેલા બંનેની પત્નીઓ અને છોકરાં મોટેમોટેથી રડવા માંડ્યાં. તમારી ઉંમરના એક છોકરાએ જોયું કે પેલા મોટા સાહેબે તેના બાપા અને કાકાને ધોલધપાટ કરી છે તે જોઈને તેણે પેલા સાહેબને એક માટીનું ઢેફું માર્યું અને ત્યાંથી નાસી ગયો. પેલા પી.એસ.આઈ.નો પિત્તો ગયો અને બીજાં છોકરાંઓ અને સ્ત્રીવર્ગ ઉપર લાકડીએ લાકડીએ ફરી વળ્યો.’

‘આ તો અન્યાય કહેવાય! આજુબાજુથી કોઈ બિચારાંની વારમાં ન આવ્યું!’

‘એક તો ગામના છેવાડેના ભાગે તેઓ રહેતાં હતાં અને બીજું બધા ખાખી કપડાથી ડરે! એ લોકો ગમે તેવા ઈજ્જતદાર માણસને ફસાવી દે! કહેવત છે કે જમનું તેડું સારું, પણ જમાદારનું ખોટું! હજુ આગળ તો સાંભળો.’

“જડતી લેતાં લેતાં એક એલ્યુમિનિયમના ડબ્બામાંથી એક સો રૂપિયાની નોટ મળી. પેલાઓની આંખમાં ચમક આવી અને ગાળો ભાંડતાં કહ્યું કે ‘નાલાયકો આવડી મોટી રકમ તમારી પાસે ક્યાંથી?’ એ જમાનામાં સો રૂપિયા એટલે જાણે કે હાલના દસ હજાર અથવા તેથીય વધારે રૂપિયા! એ વખતે સોનાનો ભાવ તોલાના સોએક રૂપિયા માત્ર હતો. તંબુ જેવા જૂનાંપુરાણાં કપડાંથી બનેલા ઝૂંપડામાં એક તોલા સોનાની કિંમત જેટલા રોકડ રૂપિયા! ખાખી યુનિફોર્મની નજરે તો અધધધ કહેવાય! તેણે કરડી આંખે પૂછ્યું, ‘આ નોટ તારી પાસે ક્યાંથી?”

“પેલા દૂર દેખાય તે મુખી કાકાના બંગલે ચાલો સાહેબ. તેઓ અહીંની મોટી નેહાળના પરમુખ સાહેબ છે. આજે સવારે જ તેમણે મારું અંગુઠાનું નિશાન લઈને નિશાળના બાંધકામ માટેના માટીકામના સો રૂપિયા આપ્યા છે.”

“જા અલ્યા એય છોકરા, મુખીકાકાને બોલાવી લાવ અને કહેજે કે આ વણઝારાવાળી સો રૂપિયાની પાવતી પણ લેતા આવે! જોઈએ તો ખરા કે આ સો રૂપિયા તેની મહેનતના છે કે ચોરીના?’

‘મુખીકાકા પાવતી લઈને આવ્યા, સાબિત થઈ ગયું કે વણઝારો સાચો છે.’

‘મુખીકાકાએ સાક્ષી પૂરી કે આ બધા બિચારા મહેનત કરીને જીવવાવાળા છે. ભૂખ્યા રહે, પણ ચોરી તો શું ભીખ પણ માગે નહિ.’

‘કાકા, હવે તમે જાઓ અને અમને કામ કરવા દો. એક ગામે કાપડની દુકાનનું કેબિન તૂટ્યું છે અને આ લોકોના સગાવહાલાઓનું કામ છે. એમાંનો એક પકડાઈ ગયો છે અને તેણે જુબાની આપી છે કે તેઓ અહીં મહેમાન બનીને રહ્યા હતા.’

એક વણઝારો બોલ્યો, ‘વાત સાચી છે. પણ એ લોકો તો કોઈ ગધેડાં વેચવાનાં હોય તો લેવા માટે આવ્યા હતા. નક્કી શાહેબ તેમણે બનાવટ કરી, પણ અમને શી ખબર પડે કે તેમણે આવું કાળું કામ કર્યું હશે!’

‘આ વાત ચાલતી હતી અને એક પોલીસવાળાએ પેલા સાહેબને એક નાનકડી છીંકણી સૂંઘવાની ડબ્બીથી પણ નાની દાબડીમાં અડધા ભાગમાં ચોંટેલું અફીણ બતાવ્યું.. પી.એસ.આઈ.ના ચહેરા ઉપર ફરી ચમક આવી ગઈ. એક કાંકરે બે પક્ષીના શિકાર જેવો ઘાટ પડ્યો. સો રૂપિયાની નોટ પડાવી લેવાનું બહાનું અને નાર્કોટિક (Narcotic) નો એક કેસ મળ્યો.’

એક બાળકીએ પૂછ્યું, ‘દાદા એ શું?’

‘જો બેટા, અફીણ નશીલો પદાર્થ ગણાય અને નાર્કોટિકના કાયદા હેઠળ અમુક જથ્થાથી વધારે માત્રામાં હોય તો વેપાર સાબિત થાય. આમાં દસ વર્ષની સજા અને એક લાખ રૂપિયા દંડ થાય. હવે આગળ સાંભળો તો ખરા! પેલા વણઝારાઓની સ્ત્રીઓએ કહ્યું કે સાહેબ અમે નાનાં છોકરાંને નાની કણી આપીને ઘોડિયામાં ઊંઘાડી દઈએ કે જેથી અમે માટીકામમાં અમારા ધણીઓને મદદ કરી શકીએ.’

બીજો વણઝારો બોલી ઊઠ્યો,’મારી બાઈડીની વાત સાચી છે. વળી પેલી કહેવત મુજબ ગધેડા કરતાં બાર ગણું અમારે ચાલવું પડે અને આમ અમે થાકી જઈએ અને રાત્રે અમારા પગ તૂટતા હોય એટલે અમે નાની કણી દાઢમાં દબાવીને સૂઈ જઈએ. રાત્રે મજાની ઊંઘ આવે!’

‘ચાલો, ચાલો. હવે પોલીસ થાણે અને તમને ત્યાં મજાની ઊંઘ મળશે. આમ કહેતાં તેમણે બે હાથકડી કાઢી. પેલા પોલીસવાળાઓમાંનો એક દયા ખાતો હોય તેમ બોલ્યો, ‘સાહેબ ગરીબ માણસો છે અને બંને અંદર જશે તો બિચારાં ઘરવાળાં ખાશે શું? કોઈ એકને જ ઊપાડો અને બીજાના ગુનાના દંડના સો રૂપિયા લઈને તેને છોડી દો.’

‘પણ દાદા, આમ કોર્ટમાં કેસ ચાલ્યા વગર સીધે સીધો દંડ લઈ શકાય?’

‘ના, બેટા. આને લાલિયાવાડી કહેવાય! સત્તા આગળ શાણપણ કામ ન આવે. તેમણે એ રકમને દંડ એવું નામ આપ્યું, પણ તેને ખાયકી (લાંચ) જ કહેવાય અને તે પણ પોલીસગીરી કરીને લીધી ગણાય!’ મેં કહ્યું અને વાત આગળ ચલાવી.

‘પેલા એક વણઝારાને લઈને ડબ્બો ઊપડ્યો. પેલાં બૈરાંછોકરાં રડતાંકકળતાં રહ્યાં,’

‘દાદા, પછી છેવટે શું થયું?’

‘પોલીસને જાતજાતના ગુનાઓ પકડવાનો લક્ષાંક આપવામાં આવતો હોય છે. અફીણના દાણચોરોના તગડા હપ્તા મળતા હોય છે જેની રકમ છેક ઉપર સુધી ભાગ પ્રમાણે પહોંચતી હોય છે. આવા હળવા ગુનેગારો ઉપર કેસ કરીને એ પ્રકારના ગુનાઓ પકડવાના લક્ષાંકને પૂરો કરે. કોઈ વખતે નાનામોટા ગુનાઓના કારણે પોલીસના દફતરે ચઢેલાઓને બસોપાંચસો રૂપિયા આપીને આવો અફીણ કે દારૂની હેરાફેરીનો કેસ ઊભો કરતા હોય છે. અહીં તમારા સાહેબવાળી કઈ કહેવત લાગુ પડે, કહેશો છોકરાંઓ?’

‘વાડ ચીભડાં ગળે!’ બધાં એક અવાજે સમૂહમાં બોલી ઊઠ્યાં.

‘પણ દાદા, પેલા ગરીબ વણઝારાનું શું થયું?’ પેલી બાળકી રડમસ અવાજે બોલી.

“બેટા, અફીણને ઓછી માત્રામાં પોતાના ઉપયોગ માટે રાખવા બદલ બિચારાને છએક મહિનાઓ સુધી કોર્ટની તારીખો પડી ત્યાં સુધી જેલમાં રાખ્યો હતો, કેમ કે આવા ગુનામાં જામીન મળે નહિ. છેવટે તેને છ મહિનાની હળવી સજા થઈ અને કાચા કામના કેદી તરીકેની તેણે ભોગવેલી જેલને મજરે આપીને તેને છેલ્લી તારીખે કોર્ટમાંથી જ બારોબાર છોડી મૂકવામાં આવ્યો હતો. ચાલો છોકરાંઓ તમને બધાંને પણ છોડી મૂકું છું. આજનો કાર્યક્ર્મ પૂરો થયો, આવતા રવિવારે ફરી મળીશું. એ આવજો બધાં. પણ, એક વાત તો કહેવાની રહી ગઈ કે તમારામાંનાં મોટી ઉંમરનાં જે બાળકો હોય અને જે થોડીક ભારે ગુજરાતી ભાષા સમજી શકતાં હોય તેમને ભલામણ કરું છું કે જો પોતાના ઘરે ઈન્ટરનેટની સગવડ હોય તો તેઓ મારા બ્લોગ ઉપરનો ‘ભ્રષ્ટાચારની પેલે પાર’ લેખ અવશ્ય વાંચે. ધન્યવાદ.”

-વલીભાઈ મુસા


 
4 Comments

Posted by on October 1, 2011 in લેખ, FB

 

Tags: ,

4 responses to “(276) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 1

  1. સુરેશ

    October 1, 2011 at 7:40 pm

    દાદાએ સરસ વાર્તા કહી. પણ રમત બાકી રહી એનું શું?
    આ પોલિસને અને એમના રાજાઓને સીધાદોર કોણ કરશે?

    Like

     
  2. pragnaju

    October 1, 2011 at 10:08 pm

    મથાળું વાંચતા એમ લાગ્યું કે સુરતમા પાંઉ ભાજી કહે અને અમદાવાદમા ભાજી પાંઉ કહે તેવી વાત હશે પણ આ તો મસ્સમૉટો પ્રાણપ્રશ્ન સરળતાથી સમજાવ્યો.આ સમજાશે તો ઉકેલ તરફ પણ વિચારણા થશે………

    Like

     
  3. dhavalrajgeera

    October 3, 2011 at 10:12 pm

    They have to change…..

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: