(૫૧૬) ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા!’ – ૫ (સંપૂર્ણ)
આગામી ૩૧મી મે, ૨૦૧૬ના રોજ યુનો દ્વારા જાહેર કરાયેલ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day)’ આવશે; પરંતુ તમાકુના વ્યસનને ના(No) કહેવા માટે ‘શુભસ્ય શીઘ્રમ્’ અનુસાર મારે એ દિવસની કંઈ રાહ જોવી જરૂરી નથી. વળી તમાકુત્યાગની મથામણ, સફળતા અને નિષ્ફળતાને ઉજાગર કરતી પાંચેક વર્ષના સમયગાળામાં પથરાયેલી મારી શ્રેણી લગભગ તમાકુ ચાવવાના વ્યસન આસપાસ જ હાલ સુધી ફરતી રહી છે; પરંતુ વાસ્તવમાં તો વ્યાપક અર્થમાં તે તમાકુનાં બધા જ પ્રકારનાં વ્યસનો એટલે કે ‘ખાપીસૂં’ (ખાવી, પીવી અને સૂંઘવી)ને લાગુ પડે છે. આ ત્રણેય પ્રકારનાં વ્યસનોમાં ધૂમ્રપાન એ વધુ ખતરનાક એટલા માટે છે કે જો તે જાહેર જગ્યાએ કરવામાં આવતું હોય તો તે આસપાસના લોકો માટે અનીચ્છનીય અને ફરજિયાત દ્વિસ્તરીય ધૂમ્રપાન (Second-hand smoking) બની જાય છે. આમ નિર્દોષ અને નિર્વ્યસની લોકો પોતે ન ચાહવા છતાંય ધૂમ્રપાન કરનારાઓના દોષે ધૂમ્રપાનનો શિકાર બનતા હોય છે. આંકડાઓ જણાવે છે કે આવા સેકન્ડ-હેન્ડ સ્મોકીંગના કારણે વિશ્વ આખાયમાં દર વર્ષે ૬ લાખ માણસોના આરોગ્ય ઉપર વિપરિત અસર થતી હોય છે, જે પેલા ૬૦ લાખ મરનારા લોકોના ૧૦% બરાબર થાય છે અને તેઓ વિના કારણે મોતને ભેટતા હોય છે.
મારો ‘તમાકુત્યાગ’ શ્રેણીનો આ આખરી લેખ છે. આ અગાઉના લેખના શીર્ષકના ઉત્તરાર્ધમાં મેં ચાલાકીપૂર્વક ‘મારું પરોપદેશે પાંડિત્યમ્!’ શબ્દો દ્વારા વ્યસનની મારી લાચારી સામેની ‘બચાવપ્રક્રિયા (Defense Mechanism)’ અજમાવી હતી. વળી તેની નીચેની નોંધમાં પણ મારા તમાકુત્યાગના ઢચુપચુ નિર્ણયને નિષ્ફળતા મળવાના સંજોગોમાં વાચકો તરફથી દયાભાવ મળી રહે તે માટે ‘એવો મારો હાલ પૂરતો તો તાર્કિક ખ્યાલ છે!’ શબ્દો સિફતપૂર્વક આગોતરા ગોઠવી દીધા હતા! આ બધા પિષ્ટપેષણ પાછળનો મારો એક જ આશય છે કે માત્ર તમાકુ જ નહિ, પણ શરાબ અને અન્ય જીવલેણ ડ્રગ આદિના વ્યસનીઓ એકવાર તેમનો ભોગ બન્યા પછી તેમાંથી છૂટવા માટે કેવા વલવલતા હોય છે તેનો વાચકોને ખ્યાલ આવી શકે. એક અનિષ્ટ અનેક અનિષ્ટોને નોંતરે અને આમ અનિષ્ટોની પરંપરા સર્જાઈ જાય એવું પણ બનતું હોય છે. ડ્રગના વ્યસનીઓ પોતાની જરૂરિયાતને સંતોષવા ચોરી, લૂંટફાટ અને કોઈકવાર ખૂન કરવાની સ્થિતિ સુધી પહોંચી જતા હોય છે એવી વાતો જગજાહેર છે, એટલે આપણે એમને પડતી મૂકીને વ્યસનોમાંથી મુક્ત થવા માટેના નક્કર મનોવૈજ્ઞાનિક ઉપાયો વિચારવાની દિશામાં આગળ વધીએ. આ ઉપાયો મારા સ્વાનુભવમાંથી નિપજેલા છે અને મનોવિજ્ઞાનના ‘તાલીમનું રૂપાંતર (Transfer of training)’ના સિદ્ધાંત પ્રમાણે માત્ર તમાકુ ચાવવાના વ્યસનીઓને જ નહિ, પણ તમામ પ્રકારના વ્યસનીઓને પણ લાગુ પડી શકે છે. હવે હું લેખની કદમર્યાદાને સંતુલિત રાખવા વ્યસનમુક્તિ માટેની માત્ર ટીપ્સ અને તેને સંલગ્ન કેટલીક સ્પષ્ટતાઓ જ આપીશ.
(૧) વ્યસનમુક્તિ માટે બાહ્ય મદદો કે શિખામણો કારગત નીવડતી નથી. વ્યક્તિનો પોતાનો મક્કમ ઈરાદો જ પરિણામલક્ષી બની શકે.
(૨) વ્યસન ઓછું કરતા જઈને તેને ધીમે ધીમે છોડવાનો ખ્યાલ ભ્રામક છે. એકી ઝાટકે વ્યસનને તિલાંજલિ આપવી જોઈએ.
(૩) વ્યસન છોડવા માટે કોઈ નોંધપાત્ર દિવસની રાહ જોવી કે એવા દિવસને પસંદ કરવો તે મનોવૈજ્ઞાનિક પરિભાષાએ વ્યર્થ પુરવાર થશે. એવા નોંધપાત્ર દિવસની રાહ જોવાનો મતલબ એ કે આપણે એ દિવસ આવે ત્યાંસુધી આપણા વ્યસનના લુત્ફ(આનંદ)ને જાળવી કે પકડી રાખવા માગીએ છીએ, એટલે કે આપણે આપણા વ્યસનની આસક્તિને જરાય ઢીલી પડવા દેવા નથી માગતા. આ જ રીતે વળી એવો કોઈ દિવસ પસંદ કરવા પાછળનો તાર્કિક ખ્યાલ એ પણ હોય છે કે માણસ એ દિવસને યાદ રાખીને ભવિષ્યે એવી ગણતરીઓ મૂકી શકે કે વ્યસન છોડ્યાને કેટલો સમય થયો. બસ, આ જ બાબત ભવિષ્યે આપણને ફરી એ વ્યસન તરફ દોરી જશે; કારણ કે આપણા માનસમાંથી વ્યસનનો એ વિચાર નાબુદ થયો નથી. ભલા, શું આપણે મૂર્ખાઈભર્યા એવા આપણા આ પરાક્રમનો ઇતિહાસ લખવા માગીએ કે જેમાં આ બધી તારીખો દર્શાવવી પડે? આ લેખકે આવી મુર્ખાઈઓ કરી છે અને એમાંથી જ શાણાઓએ શાણપણ ગ્રહણ કરવાનું છે.
(૪) જે તે પ્રકારના વ્યસનત્યાગનો અન્ય નિર્દોષ વિકલ્પ પણ કદીય લેવો નહિ; ઉદાહરણ તરીકે, તમાકુ ચાવવાનો વ્યસની મુખવાસ લેવાનું શરૂ કરે. એનો મતલબ એ થાય કે હજુ એ મૂળ વ્યસનનો આનંદ મેળવવા હવાતિયાં મારે છે. દેખીતું જ છે કે એ મુખવાસ એને સંતુષ્ટ કરશે નહિ અને ફરી એ મૂળ વ્યસન તરફ પાછો વળી જશે. ટૂંકમાં મૂળ વ્યસનના વિચારનું જ નિર્મૂલન થવું જરૂરી છે અને એવો કોઈ વિકલ્પ લેશો તો એ એમ થવા દેશે નહિ. શરાબ, ડ્રગ આદિમાં પણ આવા કોઈ વિકલ્પોથી બચવું જોઈએ.
(૫) વ્યસનને સહજભાવે છોડી દેવું જોઈએ. મનમાં એવો વિચાર કદીય ન લાવવો કે આપણે વ્યસન છોડીને કોઈ મહાન કામ કરી રહ્યા છીએ. ઊલટાનું એમ વિચારવું જોઈએ કે જે લોકો વ્યસની નથી એ લોકો જ ખરા મહાન માણસો છે. વ્યસન પકડવા પહેલાં આપણે પણ તેઓના જેવા જ મહાન હતા, પણ પછીથી અધમ બન્યા. હવે ‘જાગ્યા ત્યાંથી સવાર’ના ન્યાયે આપણે વ્યસનત્યાગ કર્યો એ આપણા માટે સારી વાત તો ગણાય, પણ એ મહાનતા તો નથી જ. વળી આવો વ્યસન છોડ્યાનો ધમંડ પેલા વ્યસનના વિચારને પ્રજળતો જ રાખશે અને ફરી વાર એ જ વ્યસન આપણું અધ:પતન આણવા મહેમાન બનીને આવ્યા વગર રહેશે નહિ.
(૬) વ્યસનને મનોમન છોડી દેવાના બદલે ઓછામાં ઓછા એકાદ કોઈ આપ્તજનને સાક્ષી રાખો અને પોતાની ડગમગી જવાની સ્થિતિમાં એ તમને હૈયાધારણ આપે તેવી તેને જવાબદારી સોંપો. વ્યસન છોડ્યાનો સાર્વજનિક ઢંઢેરો તો પીટશો જ નહિ, કેમ કે એવા ત્રાહિતોમાંનો તમારા જેવો કોઈ વ્યસની તમને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે.
(૭) જે પ્રકારના વ્યસનમાંથી તમે મુક્ત થયા હો તે પ્રકારના વ્યસનીઓનો સહવાસ છોડી દો અને નિર્વ્યસની માણસો સાથે જ હળવામળવાનું રાખો.
(૮) જ્યારે જ્યારે પણ છોડેલા વ્યસનને ફરી પકડવાનો વિચાર આવે, ત્યારે પોતાના અજ્ઞાત મનને ત્રાહિતની જેમ મનોમન અથવા શાબ્દિક આજ્ઞા (Command) આપો કે એ માર્ગે ફરી પાછા જવાનું નથી.
(૯) વ્યસન છોડ્યા પછીના થોડાક દિવસો સાવધાની માગશે. વ્યસનનો એ વિચાર માથું ઊંચકીને તમને ઢીલા પાડવાની કોશિશ કરે, ત્યારે વિચારોને અન્યત્ર વાળવા; જેમ કે વ્યાયામ કરવો, ચાલવું કે દોડવું, કુદરતી વાતવરણમાં ફરવા જવું, મનોરંજનની પ્રવૃત્તિમાં લાગી જવું, પુસ્તક વાંચવું વગેરે.
(૧૦) વ્યસન છોડ્યા પછી કોઈ શારીરિક તકલીફો ઊભી થાય તો ડોક્ટરની સારવાર લેવી.
(૧૧) વ્યસન છોડ્યા પછીની માનસિક બેચેની અવગણો અથવા એને પડકાર સમજીને એનો મુકાબલો કરો. થોડાક આવા કપરા દિવસો પસાર થયા પછી તમને શારીરિક અને માનસિક ચેતનાનો અનુભવ થશે. તમને ભૂખ લાગશે, ભોજનનો સાચો સ્વાદ અનુભવશો, તમને નવજીવન મળ્યાનો અહેસાસ થશે.
(૧૨) બકરું કાઢતાં ઊંટ ન પેસી જાય, અર્થાત્ તમારું વજન ન વધી જાય તે માટે સલાડ, ફળફળાદિ લેવાનું રાખો.
(૧૩) મિત્રોમાં કે સગાંસંબંધીમાં કોઈ વ્યસની હોય તો તેમને વ્યસન છોડવા માટે સમજાવવાનું રાખો. એ લોકો વ્યસન છોડે કે ન છોડે, પણ અન્યોને શિખામણ આપનાર તરીકે તમારું પોતાનું મનોબળ દૃઢ થશે અને તમે વ્યસનથી હંમેશના માટે દૂર રહેશો.
સમાપને કહેતાં આજના લેખને અગાઉના લેખવાળું ‘પરોપદેશે પાંડિત્યમ્’ વેણ લાગુ નહિ પડે, કેમ કે આ લેખના શીર્ષકમાં જ મેં ‘મારી સાફલ્યકથા’ શબ્દો મૂકી જ દીધા છે. મારા તમાકુત્યાગના સંઘર્ષનો આ દ્વિતીય અને આખરી તબક્કો છે અને એમ જ રહેશે કેમ કે મેં તમાકુને ખરે જ અલવિદા કહી દીધી છે. વાચકો વિચારશે કે લેખકશ્રી એક તરફ વ્યસનમાંથી મુક્ત થનારાઓને તેમણે કોઈ મહાન કાર્ય કર્યું છે એવું ન સમજી બેસવાની સલાહ આપે છે અને પોતે પોતાની સિદ્ધિને ‘સાફલ્યકથા’ તરીકે કેમ ઓળખાવે છે? આનો સીધો જવાબ એ છે કે અગાઉના લેખોમાંનાં શીર્ષકોએ પ્રયોજાયેલો પુનરાવર્તિત શબ્દ ‘શરમકથા’ હવે ભૂતકાળ બન્યો હોઈ તેની સ્થાનપૂર્તિ માટે આ ‘સાફલ્યકથા’ શબ્દ વિનમ્ર ભાવે મુકાયો છે, નહિ કે કોઈ આત્મશ્લાઘાના ભાવ ભાવે.
-વલીભાઈ મુસા
Like this:
Like Loading...
Related
Tags: તમાકુ, તમાકુત્યાગ, ધૂમ્રપાન, યુનો, વ્યસનમુક્તિ, સાફલ્યકથા, Defense mechanism
સુરેશ
March 22, 2016 at 9:16 pm
વ્યક્તિનો પોતાનો મક્કમ ઈરાદો જ પરિણામલક્ષી બની શકે.
-એકામ સાચી વાત.
LikeLike
સુરેશ
March 22, 2016 at 9:16 pm
સોરી…
એકદમ સાચી વાત.
LikeLike
Valibhai Musa
March 23, 2016 at 1:24 am
સુરેશભાઈ,
મારી મેઈલના આ શબ્દોની યાદ અપાવું : “અલ્યા ભાઈ. ગમ્મત ગમ્મતમાં ‘કુછ કહ ગયે!’ આ વિકૃત ફોટાઓમાંથી જો તમારા જ તરફની પુનરાવર્તિત પ્રેરણા મળશે તો જણાવીશ.”
‘તમાકુત્યાગ’ શ્રેણીના દ્વિતીય લેખ મુજબ આ વ્યસન ૨૦૧૦માં પ્રથમવાર છોડ્યું હતું, જેના પ્રેરણામૂર્તિ તમે હતા; અને આ લેખ મુજબ ૨૦૧૬માં બીજી વાર છોડવામાં આવી રહ્યું છે, તેમાં પણ તમારી મેઈલનું પીઠબળ છે.
હવે ત્રીજીવાર તમને જશ નહિ મળે; કેમ કે પહેલા લેખમાંનો અશોકભાઈ મોઢવાડિયાનો આ કટાક્ષ ઘણું કહી જાય છે : હિંમત રાખો સાહેબ ! ઘણા લોકોએ જીવનમાં દશ દશ વખત આ પાન,માવા,ગુટકા,ધુમ્રપાન રૂપે લેવાતું તમાકુ છોડ્યું છે !!! આપ શું એક વખત પણ નહીં છોડી શકો ?
જીવનના છ દાયકામાં વ્યસન છોડવાના નાના પ્રયત્નો તો અનેક થયા હશે, પણ મોટા પ્રયત્નો બે થઈ ચૂક્યા; જેમાં સફળતા મળી છે. સફળતા મળી જાય એનો મતલબ એવો તો ન જ થઈ શકે ને જીવનભર આ ખેલ ખેલ્યે જ જવાનો ! મેં મારા ચોથા લેખમાં આ શબ્દોમાં નિર્ધાર કરી લીધો છે : “આશાવાદી છું કે આમ કંઈ વારંવાર શરમકથા અને સાફલ્યકથા એવા બદલાતા શબ્દોએ મારા માટે તમાકુ અંગે લખવાની આગળ ઉપર કોઈ નોબત નહિ આવે”
સૌ મિત્રોની શુભ ભાવનાની અપેક્ષાસહ,
સસ્નેહ,
વલીભાઈ
LikeLike
pragnaju
May 29, 2016 at 2:04 am
સીનેમામા હીરોને અને મહાનુભાવોને જોઈ નાનપણમા અમે એકટીંગ કરતા અને
નશામુક્ત ગુજરાતમા કવિ સંમેલનમા એક કવિએ ગાયૂં કે …તો મને બીડી પાઇ દે સાકી !
અહીં તો છોકરીઓ વધુ સ્મોકીંગ કરે! આવા સંજોગમા તંબાકુ ત્યાગ બાદફરી ઇચ્છા નથી થઇ તે મોટી વાત છે
હવે તો જીવનનો પ્રોજેક્ટ બનાવશો ‘હું તંબાકુ ખાઉં નહીં…ખાવા પણ નહીં દઉં
LikeLike