RSS

(202) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

27 Jun
(202) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

બળબળતા બપોરે બાપબેટા વચ્ચે એક જ ઘોડો અને તેઓ એક ગામથી બીજે ગામ સફર કરી રહ્યા છે. બેટાએ બાપને ઘોડે બેસવા દીધા છે અને પોતે પગપાળો સાથે ચાલી રહ્યો છે.

સામેથી આવતો એક વટેમાર્ગુ માર્મિક ટકોર કરતાં બોલે છે, ‘શો કળજગ આવ્યો છે! બાપ ઘોડે અને બેટો જોડે (ખાસડે અર્થાત્ પગપાળે)!’

બેટાએ જવાબ ફંગોળ્યો,’હે, કળયુગી જીવ! જીવ બાળ મા. આ તો સતયુગ જ છે. પેલા શ્રવણે અંધ અને વયોવૃદ્ધ માબાપને કાવડમાં બેસાડીને જાત્રાઓ કરાવી, તો હું આટલુંય ન કરી શકું?’

પેલાએ કહ્યું, ‘હે જુવાન, ધન્ય છે તારી સમજદારી અને બુદ્ધિને! તેં એવો જવાબ વાળ્યો કે મારી ધારણા ખોટી પડી! ખરે જ, પેલી બોધકથા જેવા તમે બાપબેટો મૂર્ખશિરોમણિ નથી કે લોકોની વાત કાને ધરો!’

* * * * *

આગળ જતાં બાપ બેટાને પોતાની મરજીથી ઘોડે બેસવા દે છે અને બાપ પગપાળો ચાલી રહ્યો છે.

સામેથી એક બીજો વટેમાર્ગુ આવે છે અને છોકરાને મહેણું મારતાં કહે છે, ‘અલ્યા મોટિયાર, તને શરમ નથી આવતી! બાપને…..’

પેલાની વાતને વચ્ચે જ કાપી નાખતાં બાપે પેલા વટેમાર્ગુને પરખાવી દીધું, ‘અલ્યા, તું પરણ્યો હતો, ત્યારે એકલો જ ઘોડે બેસતાં તને શરમ નહોતી આવી! તારો બાપ વરઘોડામાં ચાલતો ન હતો! ભાઈ, તું તારે તારે રસ્તે પડ! અમે ઠીક લાગે તેમ કરવાવાળા છીએ, તમારા જેવાઓની કોઈ વાતની અમારા ઉપર કોઈ અસર નહિ થાય, સમજ્યો!’

* * * * *

વળી આગળ જતાં પોતાની મનમરજીથી બંને બાપબેટો ઘોડા ઉપર ડબલ સવારીએ બેઠા, તો સામે મળેલા કોઈક જીવદયાપ્રેમીને પણ હસતાંહસતાં બેટાએ જવાબ પરખાવી દીધો, ‘ભાઈ, પેલાં એંજિનોમાં જેમ હોર્સપાવર વધારે તેમ તેની કાર્યક્ષમતા વધારે હોય! ભલા માણસ, અમારો ઘોડો અઠ્ઠોકઠ્ઠો જોઈને તને નથી લાગતું કે તેનામાં સામાન્ય રીતે કોઈ ઘોડામાં હોય તેનાથી વધારે હોર્સપાવર છે? તું અમારી વાત સમજ્યો નથી લાગતો! અમે અમારા ઘોડા (હોર્સ)ના વધારે હોર્સ પાવર હોવાની વાત કરીએ છીએ!’

* * * * *

બેટો ભણેલોગણેલો હતો એટલે પોતાના પિતાને સમજાવતાં કહે છે,’ બાપા, અંગ્રેજીમાં કહેવાય છે કે History repeats itself ; એટલે કે ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય છે! આજે કોણ જાણે પેલી ‘બાપબેટાની ઘોડેસ્વારી’ વાળી બોધકથાનું પુનરાવર્તન થતું હોય, એવું જ આપણા માટે બની રહ્યું લાગે છે! આ બધા સામે મળનારાઓએ જાણે કે પુનર્જન્મ લીધો હોય, તેમ એવી જ આપણી ટીકાટિપ્પણી કરી રહ્યા છે, એમ માનીને કે આપણે પેલા બોધકથાવાળા બાપબેટા જેવી મુર્ખાઈઓ કરીશું! પણ એમને ખબર નથી કે આપણે એકવીસમી સદીના બાપબેટા છીએ! હજુ આગળ બાકી રહેતા બે જાતના માણસો આપણને મળવા જ જોઈએ!’

બેટાની વાત ચાલી રહી હતી, ત્યાં તો સાચે જ કેટલાક માણસો સામે મળ્યા. આ વખતે બંને ચાલી રહ્યા હતા અને ઘોડો સવારી વગર હતો. પેલાઓએ કહ્યું, ‘અલ્યા મૂર્ખાઓ, ઘોડો તો સવારી માટે હોય અને તમે બંને છતા ઘોડે પગપાળા ચાલો છો!’

આ વખતે બાપે મૂછમાં હસતાં જવાબ વાળ્યો, ‘અલ્યા, શહેરોમાં કોઈ શેઠિયાઓ સવારે કે સાંજે ગાડી લઈને શહેર બહાર ચાલવા (Walking કરવા) નીકળ્યા હોય, ત્યારે પોતાના ડ્રાઈવરને ખાલી ગાડી આગળ લઈ જઈને ત્યાં રોકાવાનું કહીને પોતે ગાડી સુધી ચાલતા જતા હોય એમાં તમને કંઈ અજુગતું ન લાગે અને અમારી મજાક ઊડાવો છો!’ પેલા ખામોશ થઈ ગયા, કેમકે આ વખતે બાપે તે લોકોને જડબાતોડ જવાબ વાળ્યો હતો.

* * * * *

બેટાએ આગળ જતાં કહ્યું, ‘બાપા, હું નહોતો કહેતો કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે! હવે છેલ્લા કોઈક મળવા જોઈએ, જેમની ધારણા હશે કે આપણે ભર બપોરે ઘોડાને ચલાવવાના બદલે તેના પગ બાંધીને, વાંસ (Bamboo) પરોવીને ઘોડો ઊંચકીને નદીનો પુલ પસાર કરીશું, ઘોડો ભડકશે, બિચારો બાંધ્યા પગે નદીમાં ખાબકશે અને ડૂબી મરશે!’ આ વાત ચાલી રહી હતી અને ત્યાં તો ખરેખર છેલ્લા ટીકાકારો સામે મળી પણ ગયા અને તેઓએ પેલી બોધકથાવાળી જ વાત કહી.

બાપબેટો ખડખડાટ હસવા માંડ્યા. બેટાએ ઠાવકાઈથી જવાબ વાળ્યો, ‘ભાયાઓ, તમારી વાત સાચી છે! હવે અમે ઘોડાને ચલાવવાના નથી, પણ સરસ મજાની નદી આવી છે તો ઘોડાને નદીમાં નહાવા છોડીશું, અમે ઝાડ નીચે આરામ કરીશું અને ટાઢું પહોર થયે જ અમારી સફર શરૂ કરીશું!’

પેલા ખસિયાણા પડી ગયા કેમ કે પેલી બોધકથાવાળો નજારો (દૃશ્ય) તેમને જોવા મળે તેમ ન હતો!!!

– વલીભાઈ મુસા

 
8 Comments

Posted by on June 27, 2010 in gujarati, Human behavior, Humor

 

Tags: , , , , , ,

8 responses to “(202) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

 1. Ramesh Patel

  June 27, 2010 at 6:24 pm

  આદરણીય વલીભાઈ
  પ્રાચીન વાર્તાને નવલા સ્વરૂપે વહાવવાનો આપનો કસબ મજાનો છે.
  અભિનંદન.
  થાશે ડગર…(ગઝલ)…રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

   
 2. pragnaju

  June 27, 2010 at 6:27 pm

  ખૂબ જાણીતી વાત પરથી ૨૧મી સદીના બુધ્ધિશાળી પિતા-પુત્રની મઝાની રમુજી પેરડી બનાવી!

  અમારા મૅરીલૅંડમા ઘોડાની રેસ થાય છે તેના કરતા અમારા પડોશી બ્લુગ્રાસ સ્ટેટ કંટકીમા ડર્બી ઘોડાની રેસ થાય છે. ઘોડાને દરરોજ મોંઘો ખોરાક ખવડાવવો જ પડે. ઘોડાને ખવડાવ્યા પછી તેને ૧૦ કિલોમીટર જેટલો દરરોજ ચલાવવો પડે છે અને બધેજ ઘોડો એ વફાદારીનો બેનમૂન પર્યાય છે. હંમણા નાયગ્રા ધોધ માણવા ગયા ત્યાં પણ ઘોડાગાડીની સવારી હેલીકોપ્ટર કરતા પણ આનંદદાયક લાગી!

  આવી સ્થિતીમા,૨૧ની સદીમા પણ ઘોડા અંગે રમત શૂન્ય-ચોકડીની રમાયા કરે.તેમા પણ બાપદિકરાને મૂરખ બનાવવાના પ્રયત્નો થાય…પણ ૨૧મી સદીની દેણ છે કે-
  ‘ભાયાઓ, તમારી વાત સાચી છે! હવે અમે ઘોડાને ચલાવવાના નથી, પણ સરસ મજાની નદી આવી છે તો ઘોડાને નદીમાં નહાવા છોડીશું, અમે ઝાડ નીચે આરામ કરીશું અને ટાઢું પહોર થયે જ અમારી સફર શરૂ કરીશું!’

  એમ બેટો કહી શકે છે…
  લાકડી ભાંગ્યા વગર સાંપને મારી શકે છે!

  Like

   
 3. vijay Shah

  June 27, 2010 at 6:56 pm

  મઝા આવી ગઇ
  ૨૧ મી સદીના બાપ બેટાની વાતોની
  ખરેખર આવુ જો રામાયણનાં સમયમા થયુ હોત તો?
  રામ ને વનવાસ મળવાને બદલે દસરથ કૈકેયિને કહેતા હોત ચાલ આપણે જ વનવાસ કરીયે..
  અને પેલા ધોબી ને તો સીતાએ ધબેડી જ નાખ્યો હોત્
  હા હા હા હા હા

  Like

   
 4. સુરેશ જાની

  June 28, 2010 at 4:20 pm

  આટલા બધા વિકલ્પો તો શોધ્યા. પણ ..
  હવે કોઈ નવો શોધો તો..

  સાંબેલું વગાડ્યું જાણું !!!
  ——————-
  જોક્સ એપાર્ટ ..
  તમે કારીગર છો … માન ગયે.

  Like

   
 5. સુરેશ જાની

  June 28, 2010 at 4:26 pm

  રામ ને વનવાસ મળવાને બદલે દસરથ કૈકેયિને કહેતા હોત ચાલ આપણે જ વનવાસ કરીયે..
  અને પેલા ધોબી ને તો સીતાએ ધબેડી જ નાખ્યો હોત્
  ——————-
  વિજય ભાઈ પણ કારીગર
  બાપ, બેટા, ઘોડાને રામાયણ સુધી પહોંચાડ્યા.

  Like

   
 6. sapana

  June 28, 2010 at 6:59 pm

  આ એકવિશમી સદી છે!! હવે કૉઇ મુરખ ના બને બાપ દીકરાના જવાબ લાજવાબ છે!
  સપના

  Like

   
 7. અરવિંદ અડાલજા

  June 29, 2010 at 4:18 am

  મજા આવી ગઈ વલીભાઈ ૨૧મી સદીના બાપ બેટાના જડબાતોડ જવાબોથી! અભિનંદન!
  વિજય ભાઈની વાત પણ ગમી !
  “રામ ને વનવાસ મળવાને બદલે દસરથ કૈકેયીને કહેતા હોત, ચાલ આપણે જ વનવાસ કરીયે..
  અને પેલા ધોબી ને તો સીતાએ ધબેડી જ નાખ્યો હોત!”

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: