RSS

જીવન અને સાહિત્ય

12 Apr

Click here to read in English

સંસ્કૃતમાં એક શ્લોક છે – “साहित्यसंगीतकलाविहीन, साक्षात्पशु, पूच्छविश्नहीन”. આનું ગુજરાતીમાં કંઈક આવું ભાષાંતર થાય : ‘સાહિત્ય, સંગીત (Classical – being the verse ancient) અને અન્ય કલાઓમાં રુચિ ન ધરાવનાર માણસ પૂંછડા અને શિંગડા વગરના પશુ જેવો છે.’ અહીં હું માનવજીવનના સંદર્ભમાં માત્ર સાહિત્ય વિષે જ ચર્ચા કરવાનો છું. સાહિત્ય એ માનવ જીવનની અનિવાર્ય જરૂરિયાત છે. તે માનવીની આંખ ઊઘાડનાર, જીવનઘડતર માટે પ્રેરક બળ પૂરું પાડનાર અને માનવજીવન, માનવીય પ્રેમ, માનવ સ્વભાવ અને સમગ્રતયા કહીએ તો માનવતાને સમજાવનાર ઉપદેશક કે ગુરુ સમાન છે. સાહિત્ય માનવીને પશુતામાંથી બહાર આવવા અને માનવતાને અપનાવવા માટે મદદરૂપ થાય છે. સર્જનહાર તરફથી ઉપહાર રૂપે માનવીને પ્રાપ્ત થએલ બુદ્ધિમત્તા જ તેને અન્ય પ્રાણીઓથી માત્ર નોખો જ નહિ, પણ સર્વશ્રેષ્ઠ બનાવે છે. ધાર્મિક અને અન્ય વિજ્ઞાનો સહિતના સમગ્ર સાહિત્યનો અભ્યાસ માનવીની માત્ર બુદ્ધિશક્તિને જ ધારદાર બનાવતો નથી, પણ તેને પ્રેરણા આપવા અને એવું માનસિક વલણ બાંધવામાં મદદરૂપ થાય છે કે જે થકી માનવી દૃશ્ય અને અદૃશ્ય એવી બ્રહ્માંડની સઘળી બાબતોને સમજી શકે. કવિઓ, ફિલસુફો, બુદ્ધિજીવીઓ અને ધર્મધુરંધરોનાં સામાજિક અને ધાર્મિક સાહિત્યો થકી માનવી આધ્યાત્મિકતા, બ્રહ્માંડની દિવ્યતા અને તેનાં રહસ્યો તથા સઘળાં સર્જનોનો સર્જક એવા સર્વશક્તિમાન સર્જનહારને સમજી અને ઓળખી શકવા સમર્થ બને છે અને સામાન્ય માનવીમાંથી તે મહામાનવ પણ બની શકે છે. સાહિત્ય માનવીના મન અને આત્માને એવું પોષણ પૂરું પાડે છે કે જે થકી તે ખુદ પોતાના જીવનને સફળ બનાવતા પોતાના વિચારોને સમૃદ્ધ બનાવી શકવા ઉપરાંત એ સઘળી માનવજાતના કલ્યાણ માટેનું વિચારતો થાય છે અને એ માટે ચિંતિત પણ રહેતો હોય છે.

પુખ્તવયે પહોંચેલ કોઈપણ પુરુષ કે સ્ત્રી જો સાહિત્ય પરત્વે ઉદાસીનતા સેવે તો તે રવીન્દ્રનાથ ટાગોરના ‘સાહિત્યસર્જકતા (Authorship)’ શીર્ષકવાળા કાવ્યના બાળક સમાન છે. હું જાણું છું કે મારા આ લઘુ નિબંધમાં ગૌણ બાબતને વધારે અવકાશ આપવો તે યોગ્ય નથી, પણ હું મારી જાતને રોકી શકતો નથી કેમ કે મને ખાત્રી છે કે તે કાવ્યના બાળકની સાહિત્યને સમજવાની અક્ષમતા મારા વાંચકોને એ સ્વીકારવા ફરજ પાડશે જ કે પુખ્ત વયની કોઈપણ વ્યક્તિ જો સાહિત્યને ન સમજે અથવા તેનાથી આભડછેટ રાખે તો તે પેલા નાના બાળક જેવી કક્ષામાં જ ગણાય, જ્યાં ફરક માત્ર એ જ સમજવો રહ્યો કે પેલી મોટી વ્યક્તિ રમકડાં રમતી નથી કે પારણામાં ઝૂલતી નથી. ચાલો, આપણે એ કાવ્યમાંના બાળકના વિચારોની આછેરી ઝલક માણીએ.

એ કાવ્યમાંનું બાળક પોતાના સાહિત્યકારપિતા ઉપર કેટલાક આરોપો મૂકતાં પોતાની માતા સમક્ષ ફરિયાદ કરે છે. પહેલાં તો તે કહે છે પિતાજી વિપુલ પ્રમાણમાં ભલે પુસ્તકો લખતા હોય, પણ તે શું લખે છે તે મારી સમજમાં આવતું નથી. વળી આટલું જ નહિ, પણ તે તેની માતાને પણ પોતાની વાત સાથે સંમત થવાનું જણાવતાં કહે છે કે તે પણ તેની જ જેમ તેમના લખાણને સમજી શકતી નહિ જ હોય ! એ બાળક સાવ  નિર્દોષભાવે પોતાની માતાને પિતા કરતાં ચઢિયાતી એ દલીલથી ગણાવે છે કે તેણી કેવી સરસ વાર્તાઓ કહી સંભળાવે છે કે જે તેના પિતાજી લખી શકતા નથી. આપણને રમુજ થાય એવા શબ્દોમાં તે બાળક તેની માતાને પૂછે છે કે શું તેમણે તેમની માતા પાસેથી એવી વાર્તાઓ સાંભળી નહિ હોય કે પછી સઘળી ભૂલી ગયા હશે ! વધુ આગળ તે બાળક ઉમેરે છે કે પિતાજી સાચે જ સાવ એવા ધુની થઈ ગયા છે કે જાણે આખોય સમય તે પુસ્તકો બનાવવાની કોઈ રમત ન રમી રહ્યા હોય ! વળી તે તેની માતાનો ઉધડો લેતાં તેમને એ પણ પરખાવી દે છે કે તું પણ મને ઘરમાં જરા સરખો પણ અવાજ કરવા દેતી નથી એમ કહીને કે તેમને તેમના કામમાં ખલેલ પહોંચે છે ! આગળ જતાં બાળકની બીજી એક વાત આપણને હસાવ્યા વિના છોડશે નહિ, જ્યારે કે તે એમ કહે છે કે પોતે પોતાની નોટબુકમાં જેમ એ, બી, સી, ડી, ઈ. અક્ષરો લખે છે તેમ તેનાથી વિશેષ તે કંઈ જ લખતા નથી. બાળકની દલીલોમાં પરાકાષ્ઠા તો ત્યારે જ આવે છે કે તેના મતે પિતાજી કાગળોના ઢગલે ઢગલા બગાડે છે, ત્યારે તે તેમને કશું જ કહેતી નથી અને પોતાને તો હોડી બનાવવા એક કાગળ સુદ્ધાં પણ લેવા દેતી નથી ! અહીં આ કાવ્યનો ટૂંક સાર પૂરો થાય છે, પણ મારા વાંચકોને ભલામણ કરું છું કે તે કાવ્યનો સાચો આનંદ માણવો હોય તો મૂળ આખું કાવ્ય દરેકે વાંચી જવું જોઈએ.

હવે, ફરી એકવાર મારા નિબંધના વિષયવસ્તુના કથનના મુખ્ય પ્રવાહે આવું છું. આજકાલ લોકોમાં સાહિત્યવાંચન નોંધપાત્ર માત્રામાં ઘટવા માંડ્યું છે, જેના કારણમાં કહી શકાય કે બે પરિબળોએ આમાં મુખ્ય ભાગ ભજવ્યો છે; એક, મનોરંજનનાં ટી.વી., ચલચિત્રો અને રમતગમત જેવાં અન્ય સ્વરૂપોની વધતી જતી લોકપ્રિયતા; અને બે, કુટુંબના ભરણપોષણ માટેની દ્રવ્યપ્રાપ્તિ અર્થે માણસે થકવી નાખે એવી કમાવા માટે કરવી પડતી દોડધામ. આવી પરિસ્થિતિમાં વાંચન એ ભુલાઈ જતી એક કલા બની જાય, તો જરાય નવાઈ નહિ; અને જો ખરેખર તેમ બન્યું, તો વિશ્વ માટે એ સારી નિશાની નહિ હોય.

આધુનિક મનોરંજનનાં માધ્યમોએ સાહિત્યવાંચનનું સ્થાન ભલે કદાચ લઈ લીધું હોય, પણ દુ:ખદ બાબત તો એ છે કે એ માધ્યમોનો આશય માત્ર એ રહ્યો છે કે લોકોને કેવી રીતે ફક્ત મનોરંજન પૂરું પાડવું, તેમના મોજશોખ ઉશ્કેરવા અને તેમને નિષ્ક્રીય બનાવી દઈને તેમનો મૂલ્યવાન સમય વેડફવો. લોકોનું ચારિત્ર્યઘડતર થાય, તેમનાં દિમાગોમાં સમજદારી વિકસે અને તેમના આત્મા ઉન્નત થાય એવા કોઈ આદર્શોથી આ માધ્યમો ઘણાં દૂર જતાં રહ્યાં છે. નિ:શંક, એ બધાં ભલે કલાનાં વિભિન્ન સ્વરૂપો હોય, પણ લોકોના સંસ્કાર, ચારિત્ર્ય અને સંસ્કૃતિના વિકાસ માટે એ બધાં અપૂર્ણ અને ખામીયુક્ત પુરવાર થવા માંડ્યાં છે.

સદીઓથી બે ભાગે વહેંચાએલી કલા અંગેની વિભાવનાઓ અર્થાત ‘કલા ખાતર કલા’ કે ‘જીવન ખાતર કલા’ અન્વયે ચર્ચાઓ થતી આવી છે, પણ તેનું સર્વસંમત કોઈ આખરી નિરાકરણ આવ્યું નથી. ‘કલા ખાતર કલા’ નો ખ્યાલ તેના હિમાયતીઓ માટે સારો હોઈ શકે, કેમ કે તેઓ કલાને બચાવવાના ઠેકેદાર બની બેઠા હોય છે, પણ સામાન્ય માણસ માટે તો ‘કલા એ કલા’ હોવા સિવાય કંઈક વિશેષ અપેક્ષિત હોય છે કે જેનાથી તેના જીવનનાં વિવિધ પાસાંનો વિકાસ થાય, કંઈક એવું હોય કે જેથી તેના આંતરિક વિચારો મજબૂત બને, કંઈક એવું પ્રશિક્ષણ પ્રાપ્ત થાય કે જેના વડે પોતે કલ્પનાઓની દુનિયામાં રાચવાના બદલે જીવનની વાસ્તવિકતાઓને સમજતો અને ઓળખતો થાય. કોઈપણ કલા કે જેમાં સાહિત્ય પણ આવી જાય, એ બધીયનો એક ઉદ્દેશ તો અવશ્ય હોવો જોઈએ કે એના ભોક્તાના વર્તન અને ચારિત્ર્યમાં કંઈક હકારાત્મક પરિવર્તન આવે. આધુનિક લોકપ્રિય કલાઓ જેવી કે પશ્ચિમનું ઘોંઘાટિયું સંગીત, બીભત્સ નૃત્યપ્રયોગો, અશ્લિલ ચિત્રાંકનો (Painting) અને તસ્વીરકલાઓ (Photography), હિંસક અને મદહોશીપ્રેરક ચલચિત્રો અને ટીવી શ્રેણીઓ એ નવી ઊછરતી પેઢી માટે હળવા ઝેરસમાન સાબિત થઈ રહી છે, જેના પરિણામે તેઓ અધોગતિની ઊંડી ગર્તામાં ધકેલાઈ જશે તે નિર્વિવાદ હકીકત છે. સાહિત્ય (અહીં શિષ્ટ અભિપ્રેત છે, નહિ કે અશ્લિલ) અને અન્ય કલાઓમાં પાયાનો તફાવત આપણે સાવ સાદી એ રીતે ઓળખી શકીએ કે સાહિત્ય આપણને એ શીખવે છે આપણે જીવનમાં શાનો આનંદ લેવો જોઈએ, જ્યારે અન્ય કલાઓ આપણને એમ બતાવે છે કે આપણે જીવનનો આનંદ કેવી રીતે લૂંટવો જોઈએ.

સાહિત્ય આપણા માટે કદીયે ન જોઈ હોય એવી આંતરિક અને બાહ્ય જગતની ક્ષિતિજો તરફ જોવા માટેની આપણા મનની બારી ખોલી આપે છે. મહાન સાહિત્યકારોનાં સર્જનોએ માનવીની વિચારવાની દિશાઓને જ સાવ બદલી નાખી છે. તેમણે પોતાનાં સાહિત્યોના પ્રભાવ થકી માણસોનાં મનમાં નૈતિકતા અને સામાજિક સભાનતાનાં એવાં બીજ ઊગાડ્યાં છે કે જેના પરિણામે વિશ્વમાં ઘણાં સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં ધરમૂળ પરિવર્તનો આવ્યાં છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વભરમાં કલ્પી ન શકાય તેવી ક્રાંતિઓનો જન્મ સાહિત્યો દ્વારા જ થયો છે. આનાં ઉદાહરણોમાં વિશ્વભરમાં લોકશાહી ઢબની શાસનપ્રણાલીનો પ્રસાર, ગુલામીપ્રથાની નાબૂદી, અસ્પૃશ્ય કે અશ્વેતો પ્રત્યેની ધિક્કારની લાગણીનો અંત, વિવિધ પ્રકારના ભેદભાવોને જાકારો, સમાજમાં સ્ત્રીઓના દરજ્જાનું ઉત્થાન વગેરેને ગણાવી શકાય કે જે માટેનો સંપૂર્ણ યશ માત્ર અને માત્ર સાહિત્યના ફાળે જ જાય છે અને જે દ્વારા વિશ્વભરના અસંખ્ય જ્ઞાતિસમુદાયોમાં અને વિશ્વના ખૂણેખૂણામાં એવી ક્રાંતિકારી વિચારધારાઓ વિકસી શકી છે. વિશ્વભરની પોકળ અને અયોગ્ય એવી પ્રણાલિકાઓના સ્થાને આદર્શવાદી પરિવર્તનોનો જે પવન ફૂંકાયો છે, તેની પાછળ સાહિત્યની જ પ્રમુખ ભૂમિકા રહી છે, જેને કોઈ નકારી નહિ જ શકે. આ લેખના કદને પ્રમાણસર જાળવી રાખવા ક્રાંતિનાં જનક એવાં ધાર્મિક અને સાહિત્યિક પુસ્તકોની યાદી અહીં આપી શકાય તેમ નથી. એ સઘળા સાહિત્યે સમયેસમયે માનવજિંદગીમાં આમૂલ પરિવર્તનો લાવવા માટે ઉમદા ભાગ ભજવ્યો છે, જે સર્વવિદિત છે.

સાહિત્યની એક અમૂલ્ય સેવા એ પણ હોય છે કે ઘણીવાર કોઈ માન્યતાઓને કોઈ સ્થાપિત હિતો દ્વારા આપણા માનસમાં ગમે તે રીતે ભલેને ઠાંસીઠાંસીને ભરી દેવામાં આવી હોય, તેમ છતાંય તે સઘળી સાહિત્યના વાંચનથી ઊખડી પણ શકે છે. સાહિત્ય માણસને બૌદ્ધિક રીતે પરિપક્વ થવા અને પોતાની સમજદારીમાં વૃદ્ધિ કરવા મદદરૂપ થાય છે. એક અમેરિકન લેખિકા અને ઇતિહાસકાર – બાર્બરા ટચમેન (Barbara W. Tuchman) સાહિત્યિક પુસ્તકો  વિષે પોતાનું અવતરણ આપતાં કહે છે કે “પુસ્તકો એ સંસ્કૃતિનાં વાહકો છે. પુસ્તકો વગર ઇતિહાસ ચૂપ છે, સાહિત્ય મૂંગું છે, વિજ્ઞાન પાંગળું છે અને વિચાર તથા અનુમાન બંધિયાર બની જાય છે.” જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવા પુસ્તકો સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી કે જે અસરકારક અને પરિણામલક્ષી હોય.

વિશ્વનાં માતાપિતાને અનુલક્ષીને મારી નમ્ર વિનંતી અથવા સૂચન જે ગણો તે છે કે તેમણે પોતાનાં સંતાનોને સારાં પુસ્તકો અને સંસ્કારલક્ષી સામયિકો વાંચવા પ્રોત્સાહિત કરવાં જોઈએ. આધુનિક સમયમાં બાળકોના જન્મદિવસોની ઊજવણી પ્રસંગે તેમને જાતજાતની ભેટસોગાદ આપવાની પ્રણાલિકા ઉત્તરોત્તર વધતી જાય છે. શું આપણે એ બક્ષિસોની યાદીમાં એકાદ સારા પુસ્તકને ન ઉમેરી શકીએ ?

– વલીભાઈ મુસા

Translated from English version titled as “Life and Literature” published on May 05, 2008.

 

 

 

 

 

 

 

Tags: , , , , , , , , , , ,

4 responses to “જીવન અને સાહિત્ય

 1. DR. CHANDRAVADAN MISTRY

  April 13, 2010 at 10:53 pm

  . સાહિત્ય માણસને બૌદ્ધિક રીતે પરિપક્વ થવા અને પોતાની સમજદારીમાં વૃદ્ધિ કરવા મદદરૂપ થાય છે. એક અમેરિકન લેખિકા અને ઈતિહાસકાર – બાર્બરા ટચમેન (Barbara W. Tuchman) સાહિત્યિક પુસ્તકો વિષે પોતાનું અવતરણ આપતાં કહે છે કે “પુસ્તકો એ સંસ્કૃતિનાં વાહકો છે. પુસ્તકો વગર ઈતિહાસ ચૂપ છે, સાહિત્ય મૂંગું છે, વિજ્ઞાન પાંગળું છે અને વિચાર તથા અનુમાન બંધિયાર બની જાય છે.” જ્ઞાનની ક્ષિતીજોને વિસ્તારવા પુસ્તકો સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી કે જે અસરકારક અને પરિણામલક્ષી હોય.

  વિશ્વનાં માતાપિતાને અનુલક્ષીને મારી નમ્ર વિનંતી અથવા સૂચન જે ગણો તે છે કે તેમણે પોતાનાં સંતાનોને સારાં પુસ્તકો અને સંસ્કારલક્ષી સામયિકો વાંચવા પ્રોત્સાહિત કરવાં જોઈએ.
  >>>>>

  Valibhai,
  This Post is VERY NICE !

  You had, in your own style, made a powerful & convincing justfication for Book Reading,….& the VALUE of a LITERATURE ( Sahitya ) was the “main message” to the Readers.
  The quote of the American Author tells a LOT in a few words.And, your advice of giving BOOKS as Gifts is the RIGHT advice !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai Hope to see you on Chandrapukar soon !

  Like

   
 2. Ramesh Patel

  April 15, 2010 at 10:19 pm

  આધુનિક મનોરંજનનાં માધ્યમોએ સાહિત્યવાંચનનું સ્થાન ભલે કદાચ લઈ લીધું હોય, પણ દુ:ખદ બાબત તો એ છે કે એ માધ્યમોનો આશય માત્ર એ રહ્યો છે કે લોકોને કેવી રીતે ફક્ત મનોરંજન પૂરું પાડવું, તેમના મોજશોખ ઉશ્કેરવા અને તેમને નિષ્ક્રીય બનાવી દઈને તેમનો મૂલ્યવાન સમય વેડફવો. લોકોનું ચારિત્ર્ય ઘડતર થાય, તેમનાં દિમાગોમાં સમજદારી વિકસે અને તેમના આત્મા ઉન્નત થાય એવા કોઈ આદર્શોથી આ માધ્યમો ઘણાં દૂર જતાં રહ્યાં છે. નિ:શંક, એ બધાં ભલે કલાનાં વિભિન્ન સ્વરૂપો હોય, પણ લોકોના સંસ્કાર, ચારિત્ર્ય અને સંસ્કૃતિના વિકાસ માટે એ બધાં અપૂર્ણ અને ખામીયુક્ત પુરવાર થવા માંડ્યાં છે.
  wov!

  આપનો લેખ દીર્ઘ દૂરંદેશી ભર્યો અને વિશેજ્ઞની વ્યથા અને માર્ગ દર્શન આપતો છે.

  થોડાક લોકો પણ આપની આ વિચાર યાત્રામાં જોદાય તો અજવાળું જરૂર થાય.

  લેખ માટે ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   
 3. Valibhai Musa

  April 15, 2010 at 11:22 pm

  રમેશભાઈ,
  આપની બંને કોમેન્ટ્સ બદલ ખૂબ ખૂબ આભાર. આપની અભિવ્યક્તિમાં આપના વ્યક્તિત્વ અને સમૃદ્ધ વિચારશીલતા પડઘાય છે, જે મારા માટે પ્રોત્સાહક બનવા ઉપરાંત કંઈક એવું વિશેષ લખવા અને વિચારવા માટે મને પ્રેરણા આપે છે. ધન્યવાદ.
  સ્નેહાધીન,
  વલીભાઈ

  Like

   
 4. Rajendra M. Trivedi,M.D.

  April 16, 2010 at 5:29 am

  લેખ માટે અભિનંદન.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: