RSS

Tag Archives: Social

(219) જાણે કે મિ. જેફ (Jeff) જીવિત જ છે!

Click here to read in English with Image

આ આર્ટિકલને લખતાં હું શબ્દાતીત વ્યથા અનુભવી રહ્યો છું, કેમકે મારા અગાઉના બ્લોગ “A full circle swallowed 22 years” (એક સંપૂર્ણ પરિક્રમા ૨૨ વર્ષ ઓહિયાં કરી ગઈ) ના નાયક (Hero) હવે આપણી વચ્ચે નથી. લેખનું શીર્ષક વિશિષ્ટ અને તત્વજ્ઞાનીય રીતે ગહન અર્થ ધરાવનારું છે, પણ અહીં તેનું અર્થઘટન કે તેની ચર્ચા કરવાનો કોઈ અવકાશ નથી.

હું લગભગ અર્ધી સદી સુધીના ભૂતકાળ તરફ પાછો ફરું છું, જ્યારે કે અમે બંને પ્રથમ વાર વોલિબોલના મેદાન ઉપર એકબીજાને મળ્યા હતા અને એ પહેલી જ મુલાકાતે અમારી વચ્ચે મિત્રાચારીના અંકુર ફૂટ્યા હતા. વર્ષો વીતતાં જતાં અમે એકબીજાના ભાઈ સમાન બની રહ્યા અને અમારી દોસ્તીની સમગ્ર સમયાવધિ દરમિયાન અમે એકબીજા સાથે હૃદયના હર્ષશોકને વહેંચતા રહ્યા. આટલા લાંબા સમય દરમિયાન છેલ્લાં સાત વર્ષને બાદ કરતાં અમે ભાગ્યે જ એકાદ હજાર દિવસ સાથે રહ્યા હોઈશું. મિ. જેફ પરદેશમાં અને હું અહીં ભારત ખાતે જ રહ્યો હોવા છતાં અમારી વચ્ચેનો નિયમિત પત્રવ્યવહાર એવો રહ્યો કે અમને કદીય એવું લાગ્યું ન હતું કે અમારી વચ્ચેનું ભૌતિક અંતર અમને એકબીજાથી વિખુટા પાડી શક્યું હોય! Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,

(216) મિત્રો એ જ આપણું ભાગ્ય, સારું કે નરસું!

Click here to read in English
તાજેતરમાં એકાદ અઠવાડિયા અગાઉ વિશ્વભરમાં મૈત્રી દિવસ ઊજવાઈ ગયો. પશ્ચિમના દેશો ધાર્મિક ઉપરાંત કેટલાક સામાજિક દિવસોને પણ મહત્વ આપે છે. દર વર્ષે ઓગસ્ટ માસના પહેલા રવિવારને યુ.એસ કોંગ્રેસ દ્વારા ઈ.સ. 1935માં મૈત્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં તો ઘણા દેશો આ પ્રથાને અનુસરે છે અને આ દિવસને મૈત્રી દિવસ તરીકે ઊજવે છે. વળી આ દિવસ યુવાવર્ગ પૂરતો પણ સીમિત નથી, કોઈપણ વયજૂથનાં સ્ત્રીપુરુષ આ દિવસની ઉત્સાહભેર ઊજવણી કરે છે અને મૈત્રીને જિંદગીના અવિભાજ્ય અંગ તરીકેનું મહત્વ આપીને તેનો આનંદ પણ લૂંટે છે.

મેં મારા અગાઉના કોઈક લેખમાં લખ્યું હતું કે આપણા જીવનમાં સગાંસંબંધીની ભેટ તો ઈશ્વરની ઈચ્છાને આધીન કોઈ કુટુંબમાં જન્મ લેવા માત્રથી આપણને મળી જતી હોય છે, પછી ભલેને તેઓ આપણને માફક આવે કે ન પણ આવે. પરંતુ, આપણે ખાસ તો ઈશ્વરનો એ માટે તો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે તે આપણને મિત્રોની પસંદગી કરવા માટેની તક પૂરી પાડે છે. મિત્ર એ પત્નીની જ જેમ આપણા જીવનમાં આપણા જન્મ પછી જ નવીન વ્યક્તિ તરીકે દાખલ થાય છે. આમ, અહીં હું મિત્રાચારી ઉપરના મારા વિચારોને રજૂ કરીશ અને તેમને સમર્થન આપતાં કેટલાક ઉમદા અને મહાન લોકોનાં અવતરણોને મારા લેખમાં જ્યાં ભાર મૂકવો જરૂરી લાગશે ત્યાં હું આપતો રહીશ. Read the rest of this entry »

 

Tags: , , , ,

(215) ભેદભરમની ભીતરમાં – ભૂતપ્રેત (3)

મારા વાચકોએ ‘ભૂતપ્રેત’ ના વિષયે સાવ સંક્ષિપ્ત એવી મારી એક વાર્તા ‘The Proof’ જેનો મેં ‘સાબિતી’ શીર્ષકે અનુવાદ પણ આપ્યો છે તે વાંચી હશે. એ વાર્તા વિષે કહું તો એ માત્ર સાહિત્યિક રચના જ હતી અને તે સંપૂર્ણપણે કાલ્પનિક હતી. ભૂતપ્રેતના અસ્તિત્વ વિષે મતમતાંતરો હોવા છતાં સૌ કોઈ જન ભૂતના વાસ્તવિક કે કાલ્પનિક એવા ભયથી બાકાત રહી શકે નહિ અને આ એક માત્ર થિયરીને પકડીને સાહિત્યસર્જકો કે ફિલ્મ-સિરીયલના નિર્માતાઓએ સાહિત્યના નવ રસો પૈકીના આ ભયાનક રસની નિષ્પત્તી દ્વારા લોકોને મનોરંજનો (કોઈપણ રસ વ્યથાઓનું શમન કરે જ એ અર્થમાં) પૂરાં પાડ્યાં છે અને એવાં સર્જનો પ્રસિદ્ધિ પણ પામ્યાં છે. અહીં મારા આજના લેખમાં હું મારા પોતાના ભૂતપ્રેત વિષેના જાતઅનુભવોને આપવા માગું છું, જેમાં હકીકત વિષે કોઈ જ અતિશયોક્તિ નહિ હોય; પણ હા, તેને સાહિત્યિક ઓપ તો જરૂર આપવામાં આવશે અને એ વાચકોને વાંચનમાં જકડી રાખવા માટે જરૂરી પણ હોય છે.    

મારા લેખમાં આગળ વધવા પહેલાં મારા Disclaimer ને ટૂંકમાં રજૂ કરીશ કે અહીં ભૂતપ્રેતની લોકમાન્યતાને દૃઢ કરવાનો મારો કોઈ ઈરાદો નથી કે વૈજ્ઞાનિક અથવા અવૈજ્ઞાનિક રીતે પણ ભૂતપ્રેતનું અસ્તિત્વ હોવા ન હોવાનો એવો કોઈ દાવો પણ હું કરવા માગતો નથી. ઘણા લોકો મારા જેવા જ હશે કે જેઓ ભૂતપ્રેતના વહેમ કે તેવી અંધશ્રદ્ધામા માનતા નહિ હોય અને છતાંય એવા કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવો થયેથી પોતાની માન્યતામાં થોડા કે વધુ પ્રમાણમાં ચલિત પણ થયા હોય!. લેખની કદમર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં હું અનેક પૈકીના મારા એવા બેએક જાતઅનુભવોને રજૂ કરીશ. 

જગતના મોટા ભાગના ધર્મોએ આત્મા અને શરીરની ફિલસુફીને એવી રીતે સમજાવી છે કે શરીર એ આત્માનું ઘર છે અને એ રોગગ્રસ્ત કે વયોવૃદ્ધ થતાં ક્ષીણ થતું જાય છે અને છેવટે એ પડી ભાગતાં તેમાં વસતો આત્મા એ ઘર છોડી જાય છે. એ આત્માની ગતિ શું થાય છે તેની ચર્ચા અહીં અસ્થાને છે, પણ એવી માન્યતા પ્રવર્તે છે કે ઈશ્વર દ્વારા નિર્ધારિત આયુષ્યે કુદરતી મોતે અવસાન થાય, ત્યાં સુધી તો બરાબર છે; પણ કોઈ આત્મહત્યા કે ખૂન થવા જેવા અકુદરતી મૃત્યુને ભેટે, ત્યારે પેલો આત્મા અવગતિયો થઈને નિર્ધારિત આયુષ્યનાં બાકીનાં ખૂટતાં વર્ષો સુધી બ્રહ્માંડમાં ભટકતો રહેતો હોય છે.   

* * *

મારો સૌથી નાનો પુત્ર માંડ બે વર્ષ આસપાસનો હશે, ત્યારે એક રાતે મારી પત્નીને સ્ત્રીઓને લગતા કોઈક સામાજિક પ્રસંગે ક્યાંક જવાનું હોઈ તેણે તેને મને ભળાવ્યો હતો. મેં આંગણામાં ઢોલીઓ ઢાળીને તેને પાસે સુવાડેલો હતો અને મારી પીઠ તેની તરફ હોય તેમ હું ડાબા પડખે ફરીને સૂતેલો હતો. તે બિલકુલ શાંત અને ચૂપચાપ હતો, ત્યાં તો થોડીવારમાં મને લાગ્યું કે પીઠના ભાગે મારી બનિયન અચાનક ભીની થઈ છે. હું ફરીને જોઉં છું તો તેણે વોમિટ કરી નાખી હતી. હું તેને ઊપાડીને ઘરમાં લઈ ગયો અને જેવો ખાટલામાં સુવાડ્યો કે તરત જ તેણે તેના મોં આગળ હાથ રાખીને ટ્રેઈનની વ્હીસલ જેવો બેત્રણ વખત ‘ભોં…ઓં…ઓં..’ જેવો અવાજ કર્યો. પછી તો થોડીવારમાં જ તેણે છોકરાં છુક છુક ગાડીની રમત રમતાં કરે તેમ બંને હાથે ઝડપથી પૈડાં ફરતાં હોય તેવો અભિનય કર્યા પછી તો જાણે તરફડિયાં ખાતો હોય તેવી રીતે આળોટવા માંડ્યો અને હાથપગ સાવ ઢીલા મૂકીને વીંઝવા માંડ્યો. મને સમજતાં વાર ન લાગી કે થોડાંક વર્ષો ઉપર એક બાઈએ ટ્રેઈન નીચે કપાઈને આત્મહત્યા કરી હતી, તે ભૂત થઈને આ છોકરામાં પ્રવેશી હતી. તેણે જે કંઈ અભિનયો કર્યા હતા તે પેલી બાઈની અંતિમ પળો વખતની તેનાં અંગોની ચેષ્ટાઓના પુનરાવર્તન રૂપે હતા અને જે વોમિટ થઈ હતી તે પેલી બાઈની મોઢામાંથી સંભવિત થએલી લોહીની ઊલટીના વિકલ્પે જ થઈ હોવી જોઈએ તેમ મારું માનવું હતું. મારો પુત્ર ખૂબ જ નાની વયનો અને અણસમજુ હોઈ તેને તે વખતે કંઈપણ પૂછવાનો સવાલ જ ઊભો થતો ન હતો. 

ઉપરોક્ત ઘટનાના બે ત્રણ મહિના બાદ મારા મહેલ્લાની અન્ય કોઈ સ્ત્રીમાં પેલી આત્મહત્યા કરનારી બાઈનો આત્મા પ્રવેશ્યો છે તેવું જાણવા મળતાં હું ત્યાં પહોંચી ગયો. પેલી બાઈને (અર્થાત્ તેનામાં પ્રવેશેલા આત્માને) સઘળી કેફિયત જણાવવાનું કહેતાં તેણે પોતાના જીવનની હતાશાની અંતિમ ક્ષણો અને પોતે કપાઈ મરી ત્યાં સુધીની રજેરજ વાત કહી સંભળાવી હતી. ધસમસતી ટ્રેઈને પોતાના શરીરને પળવારમાં ટુકડે ટુકડામાં છિન્નભિન્ન કરી નાખ્યું હતું, તે એણે હૃદય કંપાવી નાખે તેવા શબ્દોમાં શરીરમાંથી તરત જ બહાર નીકળી ગએલા પોતાના આત્માએ જે જોયું હતું તે વર્ણવી બતાવ્યું હતું. પછી તો મારા એક પ્રશ્ન કે ‘તમે કોઈ બાળકોમાં પ્રવેશો છો કે કેમ?’ ના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘કેમ વલીભાઈ, ભૂલી ગયા કે શું! બેએક મહિના પહેલાં તમારા નાના દીકરામાં તો હું પ્રવેશી હતી અને થોડીક જ વારમાં તેનામાંથી હું બહાર નીકળી પણ ગઈ હતી!’ તે મરનાર બાઈ મને પરિચિત હોઈ મને મારા નામથી જ સંબોધ્યો હતો અને આમ મને મારા દીકરા સાથે ઘટેલી ઘટનાનો તાળો મળી ચૂક્યો હતો. 

* * *

હું હાઈસ્કૂલના નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એક રવિવારે હું મેડા ઉપર બેસીને જ્યારે મારું ગૃહકાર્ય કરતો હતો, ત્યારે મારા પિતાજીએ બૂમ પાડીને મને નીચે બોલાવીને કહ્યું, ‘જોજે, આ મોટો આમ કેમ કરે છે?’

મેં પૂછ્યું, ‘કેમ ભાઈ, શું થાય છે? આમ સૂનમૂન કેમ સૂઈ રહ્યા છો?’         

‘કાકા અહીંથી જાય તો કહું!’’                

‘કાકા? ભલા માણસ! આ તો આપણા પપ્પા છે!’                    

‘ના, કાકા છે.’                           

‘કઈ રીતે?’      

‘મારા પપ્પા અને તમારા પપ્પા મામાફોઈના દીકરા ભાઈ ખરા કે નહિ!’       

મને તાગ મળી ગયો કે થોડાક મહિનાઓથી ગામમાં ચાલતી વાત મુજબ એ ભાઈએ દુર્ભાગ્યે આત્મહત્યા કરી લીધી હતી અને હવે મારા મોટાભાઈના માધ્યમે મારી સામે હતા. મારી એ વયે પણ હું સ્પષ્ટ એ માન્યતા ધરાવતો હતો કે ભૂતપ્રેત કે એવી કોઈ પણ વાત હોય તેને ચોકસાઈપૂર્વક ખાત્રી કર્યા વગર માત્ર લોકવાયકાના આધારે સ્વીકારી લેવી નહિ. અમારી વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તે બરાબર આજે પણ મને યાદ છે. અહીં હું તેના કેટલાક અંશ આપું છું.      

‘ભાઈ, અમારા ત્યાં આવવાનું ખાસ કોઈ કારણ?’     

‘તે અમે ન આવીએ, આપણે આટલું નિકટનું સગું હોય ત્યારે! કાકાને આધેડ ઉંમરે બીજાં કાકીથી ઓલાદ નસીબ થઈ અને તેમાંય પ્રથમ બે બાઈઓ પછી એક ભાઈ બિચારો નવદસ વર્ષની ઉંમરે અવસાન પામ્યો એટલે આ ભાઈ તેમને લાડલો હોઈ મને પણ લાગણી થઈ આવી કે તેની મુલાકાત કરું!’  

‘ચાલો, ચાલો તમારી એ વાત બરાબર; પણ તમે આખી જિંદગી ભલા માણસ રખડી ખાધું છે, પરણ્યા પણ ન હતા! ભલે એ તો નસીબની વાત, પણ તમે મુંબઈ અને કોણ જાણે કેટલાંય શહેરોમાં ભટક્યા હશો! એવા કોઈ વિસ્તારની કોઈક માહિતી આપો તો અમે થોડુંક માનીએ કે તમે ખરેખર અમારા ભાઈ છો.’      

‘જિંદગીભરની બધી વાતો તો લાંબી પડશે, પણ આપણો ભાઈ કદીય મુંબઈ ગએલો નથી અને આપણા ગામના મુંબઈ રહેતા માણસોને પણ ખાસ ખબર નહિ હોય, પણ હું ફોર્ટ વિસ્તારમાં આવેલી મુખ્ય રસ્તાથી થોડા અંદરના ભાગે બાટલીબોઈ કંપનીની ઓફિસે નોકરીની શોધ માટે ગયો હતો. કોઈને પૂછીને ખાત્રી કરજો કે એ કંપનીની ઓફિસ ત્યાં હતી કે નહિ! કાકાની મર્યાદા જાળવવી છે એટલે તેમને સામેના ઘરે મોક્લો તો મારે કંઈક માગવું છે!’      

મારા પપ્પાને ઈશારો કરતાં તેઓ ત્યાંથી નીકળી ગયા ત્યારે હળવેથી કહ્યું, ‘મારે સિગારેટ પીવી છે!’   

અમે તે મંગાવી આપી, ત્યારે તેમણે સ્ટાઈલથી બેચાર ફૂંક મારી અને એવામાં મારા પપ્પા એ ઓરડામાં પાછા આવી જતાં એ ભાઈએ તરત પોતાની સળગતી સિગારેટને મુઠ્ઠીમાં દબાવી દીધી.   

આટલી વાતચીત દરમિયાન હું અંશત: માનતો થયો કે એ ભાઈ ભૂત થયા હશે, પણ મારે એવું કંઈક પૂછવું હતું કે જેનાથી સંશય દૂર થાય અને પાકી ખાત્રી થઈ જાય. અચાનક મારા મગજમાં લોકોથી સાવ અજાણ અને કદાચ હું એક્લો જ જાણતો હતો તેવી Corner ની એક વાત ઝબકી અને મેં પૂછ્યું, ’તમે જે રાતે બીજે ગામ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી એ ઘટના છેલ્લું તમે આપણું ગામ છોડ્યા પછી કેટલા દિવસો બાદ થઈ હતી?’    

‘દિવસોની વાત ક્યાં કરો છો! જે દિવસે રાતના આઠની તારંગા લોકલમાં ગામ છોડ્યું તે રાતે જ તો મેં ગળાફાંસો ખાધો હતો!’     

‘આપણું સ્ટેશન ગામથી દૂર હોઈ કેટલા સમય પહેલાં ઘેરથી નીકળ્યા હતા?’    

‘એ કંઈ પાકો સમય યાદ નથી; પણ, સ્ટેશને પહોંચવામાં અડધો-પોણો કલાક લાગે અને મેં ટિકિટ લઈ લીધી કે બેએક મિનિટમાં જ ગાડી આવી ગઈ હતી.’    

‘ગામ છોડતાં છેવાડા મહેલ્લાના છેવાડા ઘર નજીક રસ્તામાં કોઈ મળ્યું હતું?’    

‘હા, જ તો! તમે તો મળ્યા હતા! મેં પૂછ્યું હતું કે ભાઈ, અંધારું થઈ ગયું અને એકલા ક્યાથી આવો છો?’    

‘મેં શો જવાબ આપ્યો હતો?’  

‘તમે કહ્યું હતું કે અમે દડે રમતા હતા અને છેલ્લો દાવ પૂરો થવામાં અંધારું થઈ ગયું!’    

‘હું એકલો જ હતો? મારી સાથે બીજા કોઈ નહોતા?’      

‘તમે કહ્યું હતું કે બીજા બધા ગામની હેઠાડી દેશના હોઈ દવાખાનાના છીંડેથી વળી ગયા છે!’  

મારી આ બધી પૂછપરછનો દરેક જવાબ અક્ષરશ: સાચો હતો અને તે દિવસે હું સ્ટેશન રોડ ઉપર ગામથી થોડેક દૂરની સ્થાનિક હાઈસ્કૂલના મેદાનમાંથી વોલિબોલ રમીને આવી રહ્યો હતો.      

મેં છેલ્લે આવા ટાણે સામાન્ય રીતે પુછાતી વાત પૂછી, ‘હવે, તમે અમારા ભાઈનો પીછો છોડીને ક્યારે બહાર નીકળશો?’   

‘હાલ જ! કાકાવાળાને વધારે હેરાન થોડો કરાય! વળી ઘણી જગ્યાએ મને કાઢવા મરચાનો ધુમાડો કરે છે, એ તો મારાથી બિલકુલ નથી ખમાતો! મને મહેલ્લાના નાકા સુધી મૂકવા આવો અને હું ચૂપચાપ જતો રહીશ.’    

હું મોટાભાઈનું બાવડું પકડીને તેમને મહેલ્લાના નાકા સુધી દોરી ગયો. ત્યાં પહોંચતાં જ તેમણે પ્રશ્ન કર્યો કે ‘મને પકડીને કેમ લાવ્યા છો?’            

મેં ટૂંકો જ પ્રત્યુત્તર વાળ્યો, ‘કંઈ નહિ!’                  

* * *

મારા જાત અનુભવના બંને પ્રસંગો અહીં પૂરા થાય છે. પ્રથમ પ્રસંગે હું બત્રીસેક વર્ષનો હતો, જ્યારે દ્વિતીય પ્રસંગે મારી પંદરેક વર્ષની ઉંમર હતી. આ લેખના સમાપન ટાણે મારી શરૂઆતની વાતને પુનરાવર્તિત કરીશ અન્ય શબ્દોમાં કે હું ભૂતપ્રેતની માન્યતાની બાબતમાં તટસ્થ જ રહીશ, ‘હા’ પણ નહિ અને ‘ના’ પણ નહિ! ભલા, ઉપરોક્ત બંને પ્રસંગોમાં હું પ્રત્યક્ષ સાક્ષી હોઉં ત્યારે કઈ રીતે હું ભૂતપ્રેતની વાતોને સાવ નકારી કાઢું?    

મારા સુજ્ઞ વાચકો માટેના ‘ભેદભરમની ભીતરમાં’ શ્રેણી હેઠળના ‘ભૂતપ્રેત’ વિષેના આ લેખથી મારા બ્લોગના વિષયોમાં વિવિધતા લાવવા ખાતર કામચલાઉ આ શ્રેણીને હું સમાપ્ત કરું છું; અને એટલે જ તો હું અહીં ‘સંપૂર્ણ’ શબ્દને લખવાથી પરહેજ કરું છું, કેમ કે ફરી કોઈવાર આપણે આ શ્રેણીએ કોઈક નવીન વિષયે કદાચ મળીએ પણ ખરા!                          

ધન્યવાદ.

નોંધ: : – 

સામાન્ય રીતે એમ કહેવાય છે કે કમજોર મનના માનવી ઉપર ભૂત સવાર થઈ જતું હોય છે. છેલ્લા કેટલાક દસકાઓમાં શિક્ષણનો પ્રસાર વધુ થયો હોઈ લોકોની વૈજ્ઞાનિક દૃષ્ટિ ખીલી છે. આ સંદર્ભે મારા આ લેખના અનુસંધાને એક ખુલાસો કરવો જરૂરી બની જાય છે કે અમારા ગામમાં છેલ્લા બે ત્રણ દાયકાઓમાં આત્મહત્યાના કેટલાક બનાવો બન્યા હોવા છતાં કોઈના ભૂત થવા અંગેના કે કોઈમાં તેના પ્રવેશ અંગેના કોઈ કિસ્સાઓ જાણવા મળ્યા નથી. આ પણ એક હકીકત છે, જેને નજરઅંદાજ કરી શકાય નહિ! 

 

Tags: , , , , , , , ,

(214) અપમાનજનક દાંપત્ય સંબંધો કે ઘરેલુ હિંસા

Click here to read in English
થોડાક મહિના પહેલાં કોઈક વેબસાઈટ ઉપરની ગરમાગરમ સમાચાર કોલમે મને પ્રોત્સાહિત કર્યો હતો કે મારે ઉપરોક્ત વિષયે કંઈક લખવું અને એ કામે હવે હું અહીં ઉપસ્થિત છું. આગળ વધવા પહેલાં ઉપરોક્ત સમાચારને સંક્ષિપ્તમાં ધ્યાનાકર્ષિત કરવાની છૂટ લઉં છું. એક ૪૪ વર્ષીય ટી.વી. અને ફિલ્મ કલાકાર ચાર્લિ શીન (Charlie Sheen)ની તા.૨૫-૧૨-૨૦૦૯ ના રોજ તેની પત્ની બ્રૂક મ્યુલર (Brooke Mueller)ની US પોલીસને ૯૧૧ નંબરના ફોન ઉપરની ફરિયાદને આધારિત ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેણીના ઉપર શારીરિક હૂમલો કરવાનો તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો. ચાર્લિ શીનને ઘરેલુ હિંસા આચરવાના દોષારોપણના મુદ્દે નાતાલનો મોટા ભાગનો દિવસ જેલની કોટડીમાં ગાળવો પડ્યો હતો. મ્યુલરનો આક્ષેપ હતો કે જ્યારે તેણીએ ચાર્લિને પોતાને છૂટાછેડા જોઈએ છે તેવું કહેતાં તેણે ચપ્પુ ઘૂમાવીને પોતાને મારી નાખવાની ધમકી આપી હતી. તેણીના કથન મુજબ ચાર્લિએ કહ્યું હતું કે, ‘તું ભયના ઓથાર હેઠળ જ રહે તે જ ઉત્તમ છે. વળી આ વાત જો તું કોઈને કહીશ, તો હું તને મારી નાખીશ.’

પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવનમાં ઘટેલી ઘટનાઓ સમાચાર માધ્યમોની મથાળાની મુખ્ય લીટીઓ બનતી હોય છે, પણ સામાન્ય માણસોના જીવનની આવી ઘટનાઓ મહત્વની અને નોંધપાત્ર હોવા છતાંય તેમના તરફ ધ્યાન સુદ્ધાં આપવામાં આવતું નથી હોતું. દાંપત્યજીવનની અપમાનજનક સ્થિતિ એ વિશ્વવ્યાપી સમસ્યા છે કે જે ભિન્નભિન્ન સંસ્કૃતિઓમાં વ્યાપ્ત હોઈ દુનિયાભરની મોટાભાગની સ્ત્રી-વસ્તીને તે સ્પર્શે છે. છેલ્લા કેટલાક દસકાઓથી પત્નીઓ પ્રત્યેનો તિરસ્કૃત વ્યવહાર એ સામાજિક સમસ્યા તરીકે ઓળખાવા માંડ્યો છે અને ઘણા બધા દેશોની સ્ત્રીઓ પતિઓ દ્વારા આચરાતા આવા જંગાલિયતભર્યા કૃત્યને નિર્મૂળ કરવા અથવા તેમાં બદલાવ લાવવા સંગઠિત થઈને પોતાનો અવાજ ઊઠાવી રહી છે. પેલા નિષ્ઠુર પતિઓ પીડાદાયી મારઝૂડ, ધમકીઓ અને વિવિધ ફોજદારી ગુનાહિત કૃત્યો દ્વારા પત્નીઓને ત્રાસ આપતા હોય છે. આવી દુ:ખી સ્ત્રીઓ હરપળે પોતાની જિંદગીની અસલામતીના ભય હેઠળ જીવતી હોય છે. શાબ્દિક અપમાનો (મહેણાંટોણાં), ધમકીઓ અને શારીરિક ઈજાઓ રોજિંદી ઘટનાઓ હોવા ઉપરાંત આવી પરિસ્થિતિને લાંબા સમય સુધી ખેંચ્યે રાખવાથી કેટલાક કિસ્સાઓમાં તો પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખવાની સ્થિતિ પણ સર્જાતી હોય છે. દાંપત્યપીડનને કૌટુંબિક અંગત કે ઘરેલુ મામલો સમજવામાં આવતો હોવાના કારણે આવી પીડિત સ્ત્રીઓ મિત્રો, કુટુંબીજનો કે સત્તાવાળાઓ તરફથી કોઈ મદદ કે સહકાર મેળવી શકતી નથી કે જે થકી તેમના ઉપર થતો અત્યાચાર કાં તો બંધ થાય કે પછી એવા જીવનસાથીથી પોતે કાયમી છૂટકારો પામી શકે.

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,

(211) મરહુમ જનાબ ‘સૂફી’ સાહેબને નિવાપાંજલિ

(211) મરહુમ જનાબ ‘સૂફી’ સાહેબને નિવાપાંજલિ

Click here to read in English with Image

મારા કેટલાક વાંચકોએ જુન ૧૨, ૨૦૦૮ થી મારા બ્લોગ ઉપર મારા કોઈ આર્ટિકલ ન દેખાતાં મને પૃચ્છા કરી હતી. મારા કારોબારના આ દિવસોમાં મારી વ્યસ્તતાના કારણે હું મારી બ્લોગીંગ પ્રવૃત્તિમાં થોડોક નિષ્ક્રીય હતો. એવામાં મારા એક મિત્રે અચકાતાં અચકાતાં મને મેઈલ કરી હતી કે હું મારી તબિયત બાબતે સ્વસ્થ છું કે કેમ! આ મેઈલનો ગર્ભિત ભાવ એવો હતો કે તેઓશ્રી કદાચ જાણવા માગતા હતા કે હું જીવિત છું! ઈશ્વરકૃપાએ હું તો અહીં છું, પણ આજે ‘કોઈક’ સર્વશક્તિમાન સર્જનહારના સાન્નિધ્યમાં છે. મલૈકુલ મોત (યમદૂત) દ્વારા કદાચ કોઈ ભૂલ થઈ હશે કે શું (હું લોહીના ઊંચા દબાણનો દર્દી છું), પણ આજના દિવસે આપણા વ્હાલા માનવંતા મહાનુભાવ જનાબ મહંમદઅલી પરમાર ‘સુફી’ સાહેબની રૂહનું આ ફાની દુનિયામાંથી અનંત અને અજ્ઞાત એવી દુનિયા તરફ પ્રયાણ થયું છે. બ્લોગીંગ જગતના નભોમંડળમાંથી આજે ‘સુફી’ નામનો એક ચમકતો સિતારો ખરી પડ્યો છે. Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,