RSS

(216) મિત્રો એ જ આપણું ભાગ્ય, સારું કે નરસું!

01 Aug

Click here to read in English
તાજેતરમાં એકાદ અઠવાડિયા અગાઉ વિશ્વભરમાં મૈત્રી દિવસ ઊજવાઈ ગયો. પશ્ચિમના દેશો ધાર્મિક ઉપરાંત કેટલાક સામાજિક દિવસોને પણ મહત્વ આપે છે. દર વર્ષે ઓગસ્ટ માસના પહેલા રવિવારને યુ.એસ કોંગ્રેસ દ્વારા ઈ.સ. 1935માં મૈત્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં તો ઘણા દેશો આ પ્રથાને અનુસરે છે અને આ દિવસને મૈત્રી દિવસ તરીકે ઊજવે છે. વળી આ દિવસ યુવાવર્ગ પૂરતો પણ સીમિત નથી, કોઈપણ વયજૂથનાં સ્ત્રીપુરુષ આ દિવસની ઉત્સાહભેર ઊજવણી કરે છે અને મૈત્રીને જિંદગીના અવિભાજ્ય અંગ તરીકેનું મહત્વ આપીને તેનો આનંદ પણ લૂંટે છે.

મેં મારા અગાઉના કોઈક લેખમાં લખ્યું હતું કે આપણા જીવનમાં સગાંસંબંધીની ભેટ તો ઈશ્વરની ઈચ્છાને આધીન કોઈ કુટુંબમાં જન્મ લેવા માત્રથી આપણને મળી જતી હોય છે, પછી ભલેને તેઓ આપણને માફક આવે કે ન પણ આવે. પરંતુ, આપણે ખાસ તો ઈશ્વરનો એ માટે તો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે તે આપણને મિત્રોની પસંદગી કરવા માટેની તક પૂરી પાડે છે. મિત્ર એ પત્નીની જ જેમ આપણા જીવનમાં આપણા જન્મ પછી જ નવીન વ્યક્તિ તરીકે દાખલ થાય છે. આમ, અહીં હું મિત્રાચારી ઉપરના મારા વિચારોને રજૂ કરીશ અને તેમને સમર્થન આપતાં કેટલાક ઉમદા અને મહાન લોકોનાં અવતરણોને મારા લેખમાં જ્યાં ભાર મૂકવો જરૂરી લાગશે ત્યાં હું આપતો રહીશ.

‘મિત્રો અને મૈત્રી’ એક એવો ગહન વિષય છે કે જેને આ નાનકડા લેખમાં ન્યાયપૂર્ણ રીતે ચર્ચી નહિ શકાય. આ વિષયનાં વિવિધ પાસાં છે; જેવાં કે મિત્રને ઓળખવો, મિત્રાચારીની એક હદ કે મર્યાદાને જાણવી, મિત્રાચારીને ચાલુ રાખવી કે સમાપ્ત કરવી, મિત્રાચારીને યોગ્ય રીતે નિભાવવી, મિત્રોને મળવા અંગેનાં માર્ગદર્શનો, મિત્રોના પરસ્પરને સ્વીકાર્ય એવા હક્ક કે અધિકારો અને તેમનાં પાલનોની જવાબદારીઓ અને છેલ્લે મિત્રાચારી બાંધવા પહેલાં, મિત્રાચારી દરમિયાન અને મિત્રચારીની સમાપ્તિ ટાણે કરી લેવી જરૂરી પરીક્ષાઓ કે ચકાસણીઓ. અહીં હું વિષયના ખૂબ ઊંડાણમાં ઊતરવા માગતો નથી, પણ મારા માનવંતા વાંચકો માટે સર્વસામાન્ય એવા કેટલાક મુદાઓને ચર્ચીશ કે જેનાથી એ જાણવા મળી રહે કે મિત્રો સાથે કેવી રીતે વર્તવું અને મિત્રાચારીને કેવી રીતે ઉત્તરોત્તર ગાઢ કરવી.

એરિસ્ટોટલનું કથન છે કે ‘મનુષ્ય એ સામાજિક પ્રાણી છે.’ મનુષ્ય પોતાના જીવનના કોઈપણ તબક્કે કદીય એકલો રહી શકે નહિ. તે સ્વભાવગત રીતે જ અન્યો સાથે અનુકૂલન સાધવા અને પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરવા સમાજ કે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. અહીં આપણે તપાસી લેવું જોઈએ કે સામાજિક સંબંધોમાંય ખાસ કરીને મિત્રાચારીનો સંબંધ અર્થપૂર્ણ હોવા ઉપરાંત પરસ્પર લાભદાયી પુરવાર થાય છે કે કેમ! શું આપણે એ બાબત તરફ પૂર્ણ ધ્યાન ન આપવું જોઈએ કે આપણને સાચા અને ખાનદાન મિત્રો મળી રહે? સાચી મૈત્રીનું લક્ષ એ હોવું જોઈએ કે એવા મિત્રો એકબીજાની પ્રસન્નતા કે ગમગીનીમાં સમસંવેદના અનુભવે. સ્વીડનની એક વિખ્યાત કહેવત સાચું જ સૂચવે છે કે ‘ સુખ વહેંચવાથી તેની માત્રા બમણી થાય છે અને તે જ પ્રમાણે દુ:ખ વહેંચવાથી તે અડધું થઈ જાય છે.’ જેમને લાયક મિત્રો હોય તેઓ કદીય એકલતા અનુભવતા નથી હોતા. સાચા મિત્રો એકબીજાને ટેકો આપતા હોય છે અને મદદરૂપ થતા હોય છે. જો કોઈ મૈત્રી ધન, મોભો, સુંદરતા કે એવી કોઈ લાલચના પાયા ઉપર મંડાઈ હશે, તો તેવાં પરિબળોના ચાલ્યા જવાથી તેવી મૈત્રી આપમેળે અદૃશ્ય થઈ જશે. કોઈ પણ પ્રકારની ભૌતિક વસ્તુઓની લાલચો લાંબા સમય સુધી મિત્રતાને જાળવી શકશે પણ નહિ અને તેઓનાં દિલોમાં સુખ ઉત્પન્ન કરી શકશે પણ નહિ.

હવે, આપણે મિત્રોની પસંદગીના મુદ્દા ઉપર આવીએ. કોઈએ એવા કોઈને પોતાનો મિત્ર ન બનાવી લેવો જોઈએ કે જે ગમે તે કોઈ અજાણ્યો માણસ હોય અને માત્ર આપણા સંપર્કમાં આવી ગયો હોય! દરેક સમાજ અને સમુદાયમાં એવા કેટલાક માણસો પણ હોય છે કે જેમની સાથે મિત્રાચારીનો સંબંધ બાંધવો કે હોવો એ આપણા માટે નુકસાનકારક હોવા ઉપરાંત ખતરનાક પણ પુરવાર થઈ શકે છે. એ વાત નિ:શંક છે કે કોઈપણ મિત્રનો આપણા જીવનની કોઈકને કોઈક બાબત ઉપર પ્રભાવ પડતો જ હોય છે. કોઈપણ માણસના વિચારો, તેની વર્તણુંક અને ચારિત્ર્યને લગતી બાબતોની જાણે કે અજાણ્યે કોઈક અસરો અન્ય વ્યક્તિ ઉપર પડતી હોય છે. અનુભવો બતાવે છે કે કેટલીય મિત્રાચારીઓએ વ્યક્તિઓનાં માત્ર ભાગ્યોને જ નહિ, તેમની જિંદગીઓને પણ ધરમૂળથી બદલી નાખી હોય છે. મિત્રો એકબીજાની જીવન જીવવાની નીતિરીતિ અને જીવનપદ્ધતિ ઉપર પોતાની અસરો છોડતા હોય છે. એક જાણીતો મુહાવરો છે કે માણસ જેવી વ્યક્તિઓ સાથે સોબત ધરાવતો હોય તેવો જ લોકોની નજરમાં પોતે પણ ઓળખાતો હોય છે. યોગ્ય વ્યક્તિ સાથેની મિત્રતા જીવનના સુખનું એક મોટું કારણ બને છે; અને વિપરિત રીતે જોતાં, ચારિત્ર્યહીન અને વિકૃત વિચારો ધરાવતા મિત્રો આપણા અધ:પતનને નિમંત્રવા ઉપરાંત આપણા માટે આફતરૂપ પુરવાર થતા હોય છે. સોક્રેટિસ કહે છે, ‘દરેક વ્યક્તિને મન કોઈક ને કોઈક બાબતનું વધારે મૂલ્ય કે મહત્વ હોય છે; કોઈક એક ધનને ચાહે, તો બીજો સૌંદર્ય ઝંખે અને ત્રીજો વળી માનમરતબા કે મોભાનો જ ભૂખ્યો હોય! મારા મતે, એક સારો દોસ્ત એ બધાયથી ઉપર હોય છે.’

કેટલાક લોકો પોતાના ચારિત્રયની અણીશુદ્ધતા અને સંસ્કારિતા માટે એટલા બધા આત્મવિશ્વાસુ હોય છે કે તેઓ એવા કોઈ દુષ્ટ વિચારો ધરાવતા લોકો સાથે બેસતાઊઠતા હશે તો પણ પોતાનું કોઈ નૈતિક અધ:પતન નહિ જ થવા દે. તેઓ એમ પણ માનતા હોય છે કે તેમનું વ્યક્તિત્વ એટલું બધું મજબૂત અને પ્રખર છે કે તેમના ઉપર એવાઓના દુર્ગુણોની કોઈ અસર થવા નહિ પામે. આમ છતાંય, તેઓ એવી ભૂલ ખાતા હોય છે એમ જાણતા હોવા છતાંય કે રૂની ગંજી અગ્નિના સ્હેજ સંપર્કમાં આવે તો તરત જ તે સળગી ઊઠતી હોય છે અને ગમે તેવો મજબૂત અને પ્રખર કાચ પણ પથ્થરના પ્રહારથી ફૂટી શકે છે. દુર્ભાગ્યે તે જ પ્રમાણે, ભ્રષ્ટતા અને દુ:ચારિત્ર્ય પણ પેલી આગની ચિનગારીની જેમ માનવ-આત્માને પણ ક્લુષિત કરી શકે છે અને સઘળું બળીને ભસ્મ થઈ શકે છે. એક જૂનો અરબી મુહાવરો ખરાબ સોબતને લુહારની કોઢ સાથે સરખાવે છે અને સમજાવે છે કે કોઢમાંની આગ જો કદાચ આપણને બાળી ન શકે, તો ઓછામાં ઓછું તેનો ધુમાડો આપણી આંખોને નુકસાન તો પહોંચાડી જ શકે છે. સ્પેનની પણ આવી જ એક કહેવત કે મુહાવરા પ્રમાણે, આપણો વરૂઓ સાથેનો સહવાસ આપણને તેમની જેમ ચિચિયારીઓ પાડવાનું શીખવ્યા વિના રહે નહિ. દુષ્ટ મિત્રોથી દૂર રહેવા માટેનું એક વધુ કારણ એ પણ છે કે લોકો તેવાને જેવો જાણતા હોય છે તેવા જ આપણને પણ તેઓ સમજી બેસે તેવી પૂર્ણ શક્યતા રહેલી છે અને તેના પરિણામે આપણી પ્રતિષ્ઠા પણ ખરડાયા સિવાય રહે નહિ. પયગંબરે ઈસ્લામ (સ.અ.વ.) પણ ફરમાવે છે કે ‘ખુશનસીબ માણસ એ છે કે જે નેક માણસો સાથે હળેમળે છે અને તેમને પોતાના મિત્રો બનાવે છે.’

સાચા અને વફાદાર મિત્રો એવા હોય છે કે જેઓ આપણા જીવનની આસમાની-સુલતાની (સુખદુ:ખ) ની વેળાએ પણ પોતાનો સાથ નિભાવ્યે જતા હોય છે. એવા દુષ્ટ મિત્રો કે જે આપણા કટોકટીભર્યા વિપત્તિના સમયે આપણને છોડી દેતા હોય છે તેઓ આપણને એક રીતે તો એવી ચેતવણી આપતા હોય છે કે સાચે જ તેઓ આપણા સાચા મિત્રો નથી જ નથી. અહીં એવા કુપાત્ર મિત્રોને સાવ છોડી દેવામાં પણ કેટલીક સાવધાનીઓ વર્તવી પડતી હોય છે. એવાઓના ખુલ્લંખુલ્લા ત્યાગથી એ જ લોકો આપણા દુશ્મન પણ બની શકે છે અને ઘણીવાર આપણાં કેટલાંક રહસ્યોને તેઓ લોકો આગળ ખુલ્લાં પણ કરી દે અથવા તો તેવો ભય બતાવીને આપણને હંમેશ માટેના માનસિક દબાણ હેઠળ પણ રાખી શકે છે. આમ સલાહભર્યું અને હિતાવહ એ જ છે કે તેવાઓ સાથેના ઔપચારિક સંબંધો ચાલુ રાખવામાં આવે, પણ તેમને વારંવાર મળવાનું ટાળવામાં આવે અને ધીમેધીમે તેમની સાથેના સંબંધોને ઓછા કરી દેવામાં આવે.

હું જ્યારે આ લેખના સમાપનના તબક્કે છું, ત્યારે એ કહ્યા વિના રહીશ નહિ કે અહીં મૈત્રી વિષેના મારા વિચારો કે દૃષ્ટિબિંદુઓ જે રજૂ થએલ છે તે એમ માનીને કે વાંચકો પોતે એક આદર્શ મિત્ર હોવાની લાયકાતો ધરાવે છે અને ખરાબ મિત્રો સાથે કેવી રીતે પાર પડવું અને કેવી સાવધાનીઓ વર્તવી તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. આમ છતાંય એક એવી શક્યતા રહેલી છે કે આપણે પોતે જ એવા લાયક મિત્ર ન પણ હોઈએ અને અહીં જે કંઈ લખવામાં આવ્યું છે તે આપણા જ મિત્રો દ્વારા આપણા વિરુદ્ધ પણ લાગુ પડી શકે છે અને તેમની સાથેની આપણી મિત્રાચારીનો અંત પણ આવી શકે છે. સંક્ષિપ્તમાં કહેતાં, આપણે પણ અન્યોના એક સારા મિત્ર બનવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેવા કે તેઓ આપણા માટે હોવાની આપણે આશા રાખતા હોઈએ છીએ.

અહીં મારી અપેક્ષા અસ્થાને તો નહિ જ ગણાય કે મારા સહૃદયી વાંચકો આ લેખ વડે પોતાની વર્તમાન મિત્રાચારીનું પુન: મૂલ્યાંકન કરી લે અને ભવિષ્યમાં કોઈ નવીન મિત્રો બનાવવાનો પ્રસંગ આવે અથવા એવા કોઈ સહજ રીતે મિત્રો બની જાય તો પરસ્પર મિત્રાચારીના સંબંધોને ગાઢ બનાવવા માટે માર્ગદર્શન મેળવી લે કે જેથી બંને પક્ષે પોતપોતાનાં ચારિત્ર્યો અને વર્તણુંકોને ઉમદા બનાવવાના હેતુસર અહીં અભિવ્યક્ત થએલા વિચારો સૌ માટે લાભદાયી પુરવાર થાય.

આદર્શ મૈત્રી થકી સૌની ખુશી માટેની મારી દિલી શુભ કામનાઓ અને વંદન/સલામસહ,

– વલીભાઈ મુસા

Translated from English version titled as “Friends are our destiny, either ill or good!” published on August 09, 2009

 

Tags: , , , ,

11 responses to “(216) મિત્રો એ જ આપણું ભાગ્ય, સારું કે નરસું!

  1. Narendra Jagtap

    August 1, 2010 at 5:07 am

    આજના આ મૈત્રીદિન નિમિત્તે આપના થકી સર્વે બ્લોગર મિત્રોને સુખશાતા પૂછુ છું…ખુબ જ સરસ વિધ્વતાથી ભરપૂર લેખ …સારા મિત્રો મળવા એ પણ પ્રભુની દેન છે… જોકે એ બાબતે હુ ઘણો જ ખુશનસીબ છુ….આપનો અધ્યયનથી સભર લેખ ઘણુ બધુ કહી જાય છે …સમજવા લાયક અને ‘ઉતારવા’ લાયક લેખ …

    Like

     
  2. DR. CHANDRAVADAN MISTRY

    August 1, 2010 at 8:40 am

    જગતમાં “મૈત્રીદિન” ઉજવાય એ સારી વાત !….જો આ ફક્ત ઉત્સવ જ ના હોય પણ જગતના માનવીઓ “મૈત્રીભાવ” સાથે રેહવા માટે પગલાઓ લેય તો મારા હૈયે ખુબ જ આનંદ હશે !
    જગતની વાત એ રહી…પણ આપણી “મિત્રતા” ખીલતી રહે એવી અંતરની પ્રાર્થના !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    Valibhai….Nice to read the Post…Hoping you will visit Chandrapukar with “some time” after your Health Check up ..Read OLD Posts…& your COMMENTS for the Posts you like will be really appreciated !

    Like

     
  3. અરવિંદ અડાલજા

    August 1, 2010 at 1:03 pm

    દુનિયાભરના સાહિત્યમાં દુર્યોધન અને કર્ણ જેવી તથા કૃષ્ણ અને સુદામા જેવી મૈત્રી જોવા નહિ મળે. મહાભારતનું યુધ્ધ અનિવાર્ય બન્યું ત્યારે માતા કુંતી અને ભગવાન કૃષ્ણ કર્ણને પાંડવોને પક્ષે આવી અને હસ્તિનાપુરની ગાદી અને દ્રૌપદી પણ આપવા ની લાલચ અને પ્રલોભન આપે છે ત્યારે કર્ણ જે જવાબ આપે છે તે મૈત્રીનું ઉચ્ચ્તમ શીખર સિધ્ધ કરે છે. કર્ણ કહે છે કે જ્યારે મારું અપમાન થઈ રહ્યું હતું ત્યારે દુર્યોધને મને માન મરતબો આપી આદર કરેલો તે હું ભૂલી ના શકું ! હું જાણું છું કે કૌરવોના પક્ષે રહેવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે તેમ છતાં હું દુર્યોધનને છોડી આ પ્રલોભન સ્વીકારી ના શકું ! આવું જ ઉતકૃષ્ટ મૈત્રીનું ઉદાહરણ જ્યારે સુદામા પોતાની પત્નીના અત્યંત હઠાગ્રહ સામે હારી કૃષ્ણ પાસે દ્વારકા આવે છે ત્યારે કૃષ્ણ સિંહાસન ઉપરથી ઉતરી સુદામાને બાથમાં લઈ પોતાની સાથે બેસાડી સુદામાની બગલમાં રહેલી પોટલી ઝુંતવી તાંદુલ આરોગે છે અને દ્વારકા આવવાનું પ્રયોજન સુદામાને પૂછ્યા વગર જ જાણી તેમ્ના વતન પોરબંદરમાં મહેલ જેવું મકાન બનાવી આપે છે અને તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરી દે છે. મિત્ર હો તો આવા હજો ! જે એક બીજા દૂર હોવા છતાં એક બીજાની તકલીફની સંવેદનાઓ કહ્યા વગર જ અનુભવે અને કોઈ પણ સંજોગોમાં લાલચ કે પ્રલોભનને વસ થઈ મિત્રએ કહેલી કોઈ અંગત વાતો ક્યારે ય જાહેર ના કરે અને મિત્રતામાં ઓટ આવે તો પણ ક્યારે ય એક શબ્દ પણ વિરોધ કે લાગણી દુભાય તેવો ના ઉચ્ચારે ! અલબત્ત જીવન દરમિયાન આવા એક કે બે મિત્રો પણ મળે તો જીવન સાર્થક થયું ગણાય ! ખૂબ જ મુશ્કેલ છે આવા મિત્રો મેળવવા !ખેર ! વલીભાઈ મા-બાપ કે સગા વહાલા પસંદ કરવાની કોઈ તક મનુષ્યને મળતી નથી માત્ર મિત્રો પસંદ કરવાનો વિકલ્પ મળે છે ત્યારે પસંદ કરતી વખતે કાળજી રાખવાની રહે ! હાય અને હેલ્લો કહેવા કે સાંભળવા અનેક મિત્રો મળી રહે પણ એક બીજાને લાગણી અને ઉષ્મા દ્વારા સંવેદી શકે તેવા મિત્ર કે મિત્રો મળે તો મળે ! અસ્તુ !

    Like

     
  4. Rajendra M.Trivedi, M.D.

    August 1, 2010 at 9:57 pm

    મારો મિત્ર દિવસ જ્યારથી મિત્ર મળ્યા છે તે દિવસથી રોજ મનાવતો રહ્યો છુ.
    હવે તમે પણ એ લિસ્ટમા સામેલ થયા છો.

    રાજેન્દ્ર ત્રિવેદી

    તુલસીદલ
    ધવલરાજગીરા
    http://www.bvpaindia.org

    Like

     
  5. Dilip Gajjar

    August 2, 2010 at 5:22 am

    વલિભાઈ, મિત્ર માટે એક પન્ક્તિ યાદ આવી ..
    દદાતિ પ્રતિ ગ્રુહ્નાતિ ગુહ્ય માખ્યાતિ પ્રુચ્છ્તિ
    ભુન્જતે ભોજયતે ચૈવ શદ્રિતિ પ્તિરિ લક્ષણમ
    જે આપે છે લે છે ગુહ્ય વાત પણ આપલે કરી શકે અનેજમે અને જમાડે આ છ દોસ્તીના લક્ષણ યાદ આવી ગયા
    હેપી ફ્રેન્ડ્શીપ ડે

    Like

     
  6. Ullas Oza

    August 2, 2010 at 6:26 am

    સંગત સુજનની હંમેશા સાથે રહે.
    સાચી મૈત્રી અખંડ રહે અને મૈત્રીનુ ગૌરવ જાળવી રાખે.
    શુભ કામના.

    Like

     
  7. સુરેશ જાની

    August 3, 2010 at 6:16 pm

    બહુ મોડો પડ્યો .. પણ દોસ્ત તો ખરો જ .
    એક સારો દોસ્ત એ બધાયથી ઉપર હોય છે.

    સરસ.

    राजद्वारे स्मशाने च, यः तिषृहति सः तिष्ठति

    એન્જિયોપ્લાસ્ટી હેમખેમ પતાવી, નવયુવાન બની પાછા પધારો.

    Like

     
  8. પટેલ પોપટભાઈ

    August 14, 2010 at 4:30 am

    મા. શ્રી વલીભાઈ,

    “મિત્રો એકબીજાની પ્રસન્નતા કે ગમગીનીમાં સમસંવેદના અનુભવે.” મિત્રો હંમેશાં એક બીજાના દુખમાં આગળ, સુખમાં પાછળ મિત્રોને ખબર પણ ના પડવા દે, એવા મિત્રો નશિબદાર.

    “દુર્યોધન અને કર્ણ જેવી તથા કૃષ્ણ અને સુદામા જેવી મૈત્રી જોવા ” ઈચ્છા જરૂર રાખું છું

    તમારો લેખ વાંચ્યો હતો જવાબ મોડે મોડે આજે આપું છું.

    Like

     
  9. Valibhai Musa

    August 14, 2010 at 5:00 am

    Popatbhai,

    Thanks for your late but in time comment. I can understand the feelings of all you people residing abroad very well. Last paragraphs of my Article are significant. Mutual fair understanding is the base of true friendship. The luckiest people are those who enjoy selfless friendships.

    With warm regards,

    Valibhai

    Like

     
  10. pragnaju

    August 1, 2014 at 2:36 am

    મૈત્રીની આ કવિતા મનભાવન શ્રી ‘ચિત્રભાનુ’ મહારાજની રચના
    મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું

    મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
    શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
    મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

    ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
    એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે
    મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

    દીન, ક્રૂર ને ધર્મવિહોણાં દેખી દિલમાં દર્દ વહે
    કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
    મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

    માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
    કરે ઉપેક્ષા એ મારગની તો ય સમતા ચિત્ત ધરું
    મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

    ધર્મસ્થાનકની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે
    વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે

    મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
    શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.