RSS

એક વિચારશીલ વિચાર! – ‘જવલ્લે’ જ આવા લેખ (૧)

26 Mar

Click here to read in English
ઘણાં વર્ષો પહેલાં મેં કોઈક ગુજરાતી સમાચારપત્રમાં એક સમાચાર વાંચ્યા હતા કે ઈસ્તંબુલ (તુર્કી) ખાતે ‘બાળકોની શિસ્ત વિષયક વર્તણુંક પરત્વેનો માતાપિતાનો અભિગમ કે વ્યવહાર’ વિષય ઉપર એક આંતરરાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. ચર્ચામાં ભાગ લેનારા એક વક્તાએ સૂચન મૂક્યું હતું કે બાળકોને તેમની ગેરશિસ્તના પ્રસંગે ગુસ્સાના આવેશમાં આવીને શારીરિક શિક્ષા કરવાના બદલે તકિયાઓને લાકડી કે મુઠ્ઠીઓ વડે ઝૂડવા કે ખંખેરવા જોઈએ. મારા વાંચકો હળવું સ્મિત કરશે અને હું પણ કરી રહ્યો છું, પણ આ સૂચનમાં થોડુંક તથ્ય છે તો ખરું! અહીં ગુસ્સાની અભિવ્યક્તિ અને બાળકની સ્વમાનરક્ષા વચ્ચેનો મધ્યમ માર્ગ છે. ઉપાય મજાનો, પણ સાથેસાથે મૂર્ખાઈભર્યો પણ છે. જ્યારે આપણે સજા કરવા તકિયાને ફટકારતા હોઈએ ત્યારે, તોફાની બાળક તેના દાંત કાઢ્યા વિના રહેશે નહિ.

ઉપરોક્ત સૂચન ઉપરનું મારું ચિંતન મને પ્રોત્સાહિત કરે છે કે હું તેને એવી રીતે સુધારું કે બાળકોના બદલે તકિયા ઝૂડવા એના કરતાં તેમને તકિયા જ મારવા જોઈએ, એ શરતે કે તે નરમ હોય અને તેમને કોઈ ઈજા ન પહોંચે. આનાથી માતાપિતાના ગુસ્સાનું શમન થશે અને બાળકો વિચારશે કે તેમને સજા કરવામાં આવી. આમ તકિયો એ મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ’ જેવા અહિંસાત્મક શસ્ત્ર તરીકેનું કામ કરશે! શૈક્ષણિક સંસ્થાઓએ તેમના શિક્ષકોને અન્ય શૈક્ષણિક સાધનોની જેમ તેમને તકિયા પણ ન પૂરા પાડવા જોઈએ? માબાપને આ ખાસ સુવિધા પૂરી પાડવી જરૂરી નથી, કેમ કે તેમની પાસે તો તેમનાં ઘરોમાં તકિયા હાથવગા હોય જ.

જો કે તકિયાપ્રહાર એ હળવી, સલામત, અહિંસક અને અસરકારક સજા હોવા છતાં આપણે નકારી તો નહિ જ શકીએ કે તેમાં કોમળ કઠોરતા અને છૂપી તિરસ્કારની કટુતા તો રહેલી જ છે. શિક્ષણ અને બાળઉછેરના મનોવિજ્ઞાનીઓ આ પ્રકારના વ્યવહારને માન્ય નથી કરતા અને આમ એક જ વિકલ્પ બાકી રહે છે કે ‘માફ કરો અને ભૂલી જાઓ’. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે ‘ક્ષમા એ વીરનું ભૂષણ છે’. પણ, સામાન્ય માણસ માટે આ શક્ય ન હોઈ તેઓ પોતાનાં સંતાનોને સજા કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ ઓશીકાપ્રહાર કે ઓશીકાને પ્રહારની કોઈપણ રીત અપનાવી શકે છે.

હવે, મારું ગતિશીલ ચિંતન ઓછા કે વધતા અંશે વિશ્વવ્યાપી એવા ભ્રષ્ટ રાજપુરુષો અને અપ્રમાણિક નોકરશાહોની દુનિયામાં પ્રવેશે છે. હું નિર્દોષ અને રમતિયાળ બાળકો અને પેલા રાજનીતિના ખેલ ખેલનારા રાજકારણીઆઓ તથા ઉધઈની જેમ દેશના આર્થિક વિકાસમાં છેદ પાડનારા નોકરશાહો વચ્ચે કોઈ તફાવત જોતો નથી. તે લોકો પણ પેલાં બાળકોની જેમ નાણાંની ઉચાપત, સંચાલનવ્યવસ્થામાં ગેરવહીવટ અને અનૈતિક આચરણો જેવી કેટલીક હળવી અને અપ્રત્યક્ષ ભૂલો વારંવાર કરી બેસતા હોય છે! પણ, આપણે તેમના ઉપર આવું કોઈ દોષારોપણ ન કરવું જોઈએ; કેમ કે તેઓ જે કંઈ અનુચિત કાર્યો કરતા હોય છે, તે માટે એક વ્યક્તિ તરીકે પોતે જવાબદાર હોતા નથી. જો કોઈના ઉપર દોષનો ટોપલો ઠાલવવો જ હોય, તો માત્ર તેમની ખુરશીઓને જવાબદાર ગણીને તેમના ઉપર જ ઠાલવવો જોઈએ. આપણે જો સજા કરવી જ હોય તો તે બિચારાઓના પગના બદલે તેમની ખુરશીના પગ (પાયા) ભાંગી નાખવા જોઈએ. તેમની બેફામ અને છાકટી થઈ ગએલી સત્તાના નશાની હાલતના મૂળમાં તો તેઓની ખુરશીઓ જ છે.

હવે વળી આગળ વધતાં મને ‘વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો સમન્વય’ ઉપરનો કોઈક આર્ટિકલ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે. વૈજ્ઞાનિક વ્યાખ્યાના દૃષ્ટિકોણથી વિચારતાં તકિયા અને ખુરશીઓ એ જડ પદાર્થો છે, પણ બાળકો અને પેલા રાજપુરુષો/નોકરશાહો સંવેદનશીલ માનવો છે. માબાપ અને પ્રજાએ બાળકો અને પેલા બિચારા (શઠ) લોકોની લાગણીઓને માન આપવાની બાબતે સરખી જ રીતે સાવધાનીઓ વર્તવી જોઈએ. તેમને તકિયા ઝૂડવા અને ખુરશી ભાગવા જેવી પરોક્ષ સજાઓ કરવી જોઈએ. અહીં ભૂમિતીના સ્વયંસિદ્ધ પ્રમેયોની જેમ જો સજા આપવાની પ્રાથમિકતા આપવાની હોય, તો આપણે ચેતનના બદલે જડને જ આપવી જોઈએ.

આ તબક્કે વળી એક પેટાપ્રશ્ન ઉપસ્થિત થાય છે. જ્યારે જડ અને ચેતન વચ્ચે પસંદગી કરવા જતાં બંને જડ માલૂમ પડે, ત્યારે આપણે શું કરવું જોઈએ? આ વાતની સ્પષ્ટતા કરીએ તો પેલા રાજનીતિજ્ઞો/નોકરશાહો તથા તેમની ખુરશીઓ ઉભય પૈકી દેખીતી રીતે ખુરશી જડ છે;પણ ધારો કે પેલા ખુરશીસ્થિત સજ્જનો પણ જડ હોય તો તેમનું શુ કરવું? મારા મતે આ પ્રશ્નનો જવાબ સાવ સરળ છે. આપણે નક્કી કરી લેવું જોઈએ કે એ બંને જડ પૈકી વધારે જડ કોણ છે, ખુરશી કે ખુરશીધારક? અને પછી તે પ્રમાણે સજાપાત્ર પાત્ર નક્કી કરી લેવું જોઈએ. વનસ્પતિ શાસ્ત્રમાં કપાસના છોડ અને ઝાડને તેઓ લીલાં હોય ત્યાં સુધી ચેતન સમજવામાં આવે છે, પણ જ્યારે તેઓ સૂકાઈ જાય ત્યારે જડ બની જાય છે. આમ તાર્કિક દલીલ એમ બને કે જ્યારે કોઈ ચેતન પદાર્થ પોતાની ચેતના કે સંવેદનશીલતા ગૂમાવે, ત્યારે તે જડ બની જાય. આમ પેલા ઠગ કે જે મગરની ચામડી અને તેનાં આંસુ ધરાવતા હોય છે, તેમણે પોતાનું ચૈતન્ય ગૂમાવી દીધું હોય છે અને તેથી તેમની ખુરશીઓ કરતાં તેઓ વધારે જડ સાબિત થતા હોઈ તેઓ પરોક્ષના બદલે પ્રત્યક્ષ સજાને પાત્ર છે.

રાષ્ટ્રના પ્રામાણિક શાસન માટે ઉપલા સ્તરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. મહાત્મા ગાંધીનાં અનેક આંદોલનો પૈકી લોકોની તંદુરસ્તીના ભાગરૂપે તેમણે ‘સફાઈ’ ઉપર વધુ ભાર મૂક્યો હતો. કોઈપણ દેશે આર્થિક રીતે તંદુરસ્ત રહેવું હોય, તો તેની રાજનીતિ સ્વચ્છ હોવી જરૂરી છે. આપણા દેશમાં આપણે રાજકીય પ્રદૂષણ નાબૂદ કરવું હશે, તો ચૂંટણીના કાયદાઓમાં સુધારો લાવીને કલમ ૪૯-૦ ની અસરકારક જોગવાઈ કરવી પડશે. મતદારને ‘કોઈપણ ઉમેદવારને મત નહિ’ એવો અધિકાર એવા સંજોગોમાં આપવો જોઈએ જ્યારે કે તેને કોઈપણ ઉમેદવાર યોગ્ય લાગતો ન હોય. આ હેતુ માટે મતપત્રકમાં ‘મત નહિ’નું એક વિશેષ ખાનું હોવું જોઈએ. આ જોગવાઈની રસપ્રદ બાબત એ છે કે જો ‘મત નહિ’ની સંખ્યા જીતનાર ઉમેદવારની મતસંખ્યા કરતાં વધુ થાય તો જે તે મતવિભાગની ચૂંટણી આપમેળે રદ થઈ જાય. વળી પુન: મતદાનની ઉમેદવારીમાં પ્રથમ વખતનો કોઈપણ ઉમેદવાર ઉમેદવારી કરી શકે નહિ. આમ બધા જ રાજકીય પક્ષોને બોધપાઠ આપી શકાય કે તેઓ પોતાના પક્ષના લાયક ઉમેદવારોને જ ચૂટણી લડવા માટેની ટિકિટ આપે. આમ પ્રમાણિક વિજેતાઓથી બનેલી રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર નોકરશાહી, કોર્પોરેટ કે બધા જ પ્રકારની નાગરિક સેવાઓની ગંદકી સાફ કરવા માટે લાંચરુશ્વત ખાતાંઓની સક્ષમતા વધારી શકશે અને ન્યાયપ્રક્રિયા પણ ઝડપી બનાવી શકશે.

આ લેખની પૂર્ણાહુતિએ એ જણાવતાં મને હર્ષ થાય છે કે મેં મારા આર્ટિકલની એક નવી જ શ્રેણી ‘જવલ્લે જ આવા લેખ’ તરીકે શરૂ કરી છે. આ લેખ એ પ્રકારનો પહેલો જ છે અને ભવિષ્યે મારા મિજાજ (Mood) પ્રમાણે નિયમિત રીતે નહિ, તો પ્રસંગોપાત પણ આપતો રહીશ.

આશા રાખું છું કે મારા વિચારોને અહીં મારી રીતે વ્યક્ત કરવાના મારા પ્રયત્નને વાંચકો દ્વારા યોગ્ય પ્રતિભાવ આપવામાં આવશે તો તે મને અવશ્ય ગમશે.

શુભેચ્છાસહ,

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “A thoughtful thought! – ‘Seldom’ such Posts (1)” published on February 01, 2009.

 

Tags: , , , , , , ,

4 responses to “એક વિચારશીલ વિચાર! – ‘જવલ્લે’ જ આવા લેખ (૧)

 1. Suresh Jani

  March 27, 2010 at 9:00 pm

  માબાપને ખુશ કરવા બંધ બારણે પત્નીને બદલે ગાદલાને ઝુડી નાંઝતા ઋજુ દિલ પતિદેવની વાત યાદ આવી ગઈ!

  Like

   
 2. Valibhai Musa

  March 28, 2010 at 3:53 am

  માનનીય સુરેશભાઈ,

  મારા વિવિધ લેખો ઉપરના ગુણિત પ્રતિભાવોની વર્ષા વરસાવી દેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કવિ નાનાલાલના એક પદ્યાંશ ‘ઝીણા વરસે મેહ, ભીજે મારી ચુંદલડી!’માં ફેરફાર કરીને મને પણ કહેવાનું મન થાય છે કે ‘ઝરમર વરસ્યા મેહ, ભીજાયો મારો બ્લોગલડો!’.

  ગમ્મતમાં વળી થોડો ઉમેરો કરતાં એક એવી જ સત્ય ઘટના જણાવી દઉં કે … આડોશપાડોશ અને મહેલ્લામાં ‘પોતે પત્નીપીડિત છે અને રોજેરોજ પત્નીનો માર ખાય છે’ એવી નામોશીથી બચવા ઝગડો શરૂ થવાનો અણસાર થતાં જ બારણાં બંધ કરી દઈને બિચારો એ દુઃખી જીવ માર ખાતો જાય, પણ હોંકારા દેકારા કરતાં બોલે જાય ‘લે, લેતી જા. આજે તો તારા હાથ અને પગ તોડી જ નાખવાનો છું!’ ભાઈ, જરા ‘પશુધન, પા ધન’ જેવા હતા અને પરદેશી બૈરી પરણી લાવેલા; આમ છતાંય વિધિની વક્રતા નહિ, પણ વિધિનું સીધાપણું જ કહેવાય કે લડતાં-ઝઘડતાં પણ એમનો સંસાર નભી ગયો!

  Like

   
 3. pragnaju

  February 1, 2014 at 2:21 am

  વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકાશમાં ઝળહળતા આ માહિતિપ્રધાન યુગમાં આજે આપણે વિશ્વભરમાં સ્વીકૃત, કાયદાઓ વડે રક્ષિત, પુરુષપ્રધાન, એક પતિપત્નીવાળી સમાજવવ્યસ્થા અપૂર્ણ, અમાનવીય, અસમાન, સ્ત્રીની પરોક્ષ ગુલામી નથી લાગતી? વિદ્વાનો પોતાનો સ્ત્રીઓ પરનો માલિકી હક્ક જતો કરવા તૈયાર નથી અને કોઈ સ્ત્રી બહુપતિત્વની તરફેણમાં બોલવા જાય તો સમાજ તેને આપોઆપ વ્યભિચારીણી સ્ત્રી માની લેશે, ઈશ્વર જો ક્યાંય હોય તો સૌને સદબુદ્ધિ આપે.
  उद्धरेत् आत्मना आत्मानम् | આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: