ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા
Click here to read in English
હું સીધો જ મારા મુદ્દા ઉપર આવું છું અને મારા વાચકોને જણાવું છું કે આ ટૂંકો લેખ મુખ્યત્વે વિશ્વભરનાં માતાપિતાને અનુલક્ષીને લખવામાં આવ્યો છે કે જેથી પોતાનાં સંતાનોને યોગ્ય રીતે ઉછેરવા માટે સૌ પહેલાં તેઓ ખુદની જ આત્મસુધારણા કરી શકે. ખલિલ જિબ્રાનનું બાળકો ઉપરનું સાહિત્યજગતમાં ખૂબ જ વિખ્યાત એક કથન છે, પરંતુ તે વિસ્તૃત હોવા ઉપરાંત મારા વિષયને અનુરૂપ ન હોઈ તેને અહીં કોરાણે મૂકું છું. તેના બદલે હું એક ચીની કહેવત આપવા માગું છું, જે આ પ્રમાણે છે : “જો તમે એક વર્ષ માટેનું આયોજન કરતા હો તો ચોખા (અનાજ) વાવો, જો દશ વર્ષ માટેની યોજના હોય તો વૃક્ષો વાવો; પરંતુ જો સો વર્ષ માટે વિચારતા હો તો બાળકો વાવો અર્થાત્ માનવજાતને શિક્ષિત બનાવો.”
મારા લેખના શીર્ષકના બંને શબ્દો બેમાં એક અને એકમાં બે જેવા છે. આની પ્રાથમિક જાણકારી મેળવવા પ્રથમ તો આપણે ડેલ કાર્નેગીના આ અંગેના વિચારો જાણીશું કે જે આ પ્રમાણે છે : ‘તમારી પ્રતિષ્ઠા કરતાં તમારા ચારિત્ર્ય પરત્વે વધારે સભાન રહો. તમારું ચારિત્ર્ય એટલે વાસ્તવમાં તમે કેવા છો, જ્યારે તમારી પ્રતિષ્ઠા એ લોકો માત્ર તમારા વિષે શું વિચારે છે તે છે.’ ટૂંકમાં બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે લોકો તમને જોતા ન હોય ત્યારે તમે જેવા હો તેને ચારિત્ર્ય કહેવાય. કોઈકે એમ પણ કહ્યું છે કે ચારિત્ર્ય એ અરીસામાં પ્રત્યક્ષ દેખાતો તમારો ચહેરો માત્ર જ નથી, પણ તમારા ચહેરા પાછળનો ચહેરો છે. મારા વાંચકોની જાણ ખાતર કહું તો મેં મારા અગાઉના આર્ટિકલ ‘Inspired Knowledge (Intuition)’માં ચહેરાને લગતી આવી જ વાત વિશિષ્ટ શૈલીમાં રજૂ કરી છે.
હવે આગળ વાંચો અને જૂઓ કે ઘણીવાર કેટલાક સામાન્ય માણસો તેમની આંતરસૂઝ અને ડહાપણ વડે ખૂબ જ ઉમદા કક્ષાની વાત કહેતા હોય છે. ઓછું ભણેલા અને મારા નામવાળા જ એક ભાઈ કે જેમને હું મારા જ ઉપનામ ‘વિલિયમ’થી સંબોધતો હતો તેમણે કેટલાંક વર્ષો પહેલાં પોતાની ગ્રામ્ય આખાબોલી શૈલીમાં સાવ સાદા પણ ગૂઢાર્થ શબ્દોમાં ‘ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા’નો અર્થ સમજાવ્યો હતો. અફસોસ કે તેઓ જીવિત નથી – ઈશ્વર તેમના આત્માને સ્વર્ગમાં શાંતિ આપે. તેમના શબ્દો હતા, “વલાભાઈ (પ્રેમાળ સંબોધન), માણસ સમાજમાં એક ઉપર બીજો એમ ઉપરાઉપરી ચાર ઝભ્ભા પહેરીને ફરતો હોય છે. છેક ઉપરનો જેને ચોથો ઝભ્ભો કહીએ તો તે સમાજના લોકોને દેખાતો હોય છે અને તેમના અનુમાન મુજબ પેલો માણસ ઊંચી પ્રતિષ્ઠાવાળો ગણાતો હોય છે. પણ, પેલા ભાઈના નિકટના મિત્રો તેના અંદરના ભાગના ત્રીજા ઝભ્ભા થકી તેને સમાજ કરતાં વધુ સારી રીતે જાણતા હોય છે અને જાણે મૂછોમાં હસતા હોય તેમ વિચારતા હોય છે કે દુનિયા નથી જાણતી તેવી ઘણી બધી બાબતો તેઓ જાણે છે. પછી પેલા સજ્જનની પત્નીનો વારો આવે છે જે પોતાના પતિમહાશયને બીજા ઝભ્ભામાં બહુ જ નિકટથી સમાજ અને મિત્રો કરતાં પણ વધારે સારી રીતે જાણતી હોય છે.” આગળ મિ. વિલિયમ (હું નહિ!)મોટેથી હસતાં પોતાની વાતનું સમાપન કરે છે,”અને છેક અંદરના પહેલા ઝભ્ભા થકી ઈશ્વર (અલ્લાહ)સંપૂર્ણપણે વાકેફ હોય છે કે પેલા ભાઈની બાહ્ય પ્રતિષ્ઠા અને આંતરિક ચારિત્ર્ય કેવાં છે કેમ કે તેનાથી કશું જ છૂપું હોતું નથી.”
વિલિયમ હર્સે ડેવિસ (એક વધુ વિલિયમ!!!) લખે છે કે “પ્રતિષ્ઠા એ ફોટોગ્રાફ છે, પણ ચારિત્ર્ય એ તો ચહેરો છે. પ્રતિષ્ઠા તો પળમાં મેળવી શકાય, પણ ચારિત્ર્ય બાંધવા માટે તો આખી જિંદગી જોઈએ. પ્રતિષ્ઠા તમને અમીર કે ગરીબ બનાવી શકે, પણ ચારિત્ર્ય તમને સુખી કે દુ:ખી બનાવે.” મારા મતે પણ પ્રતિષ્ઠા એ પાણીના પરપોટા સમાન છે, જે અસ્તિત્વમાં આવે અને અદૃશ્ય પણ થઈ જાય; પણ ચારિત્ર્ય એ હંમેશાં આપણી સાથે રહેતું હોય છે. દરેક માણસે પોતાના ચારિત્ર્યનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પ્રતિષ્ઠાની લેશમાત્ર દરકાર ન કરવી જોઈએ કેમ કે પ્રતિષ્ઠા પોતે જ તેની મેળે ચારિત્ર્યની પાછળ પાછળ દોડી આવશે જે રીતે બાળક પોતાની માતા તરફ દોડી આવે છે.
છેલ્લે મારા લેખને આટોપવા પહેલાં અબ્રાહમ લિંકનના શબ્દો ટાંકીશ કે “ચારિત્ર્ય એ ઝાડ સમાન છે અને પ્રતિષ્ઠા એ તેનો પડછાયો છે.” આ વિધાન સ્વયંસિદ્ધ છે કે ઝાડ તેના પડછાયાની દિશા કે કદ બદલે અને બપોરે અથવા રાત્રે તે અદૃશ્ય પણ થાય; પણ ઝાડ પોતે તો હંમેશાં પોતાની જગ્યાએ જ સ્થિર ઊભું હોય છે અને દિનપ્રતિદિન મોટું અને મોટું થતું રહીને પોતાના પડછાયાના કદને વધુ ને વધુ વિસ્તૃત કર્યે જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ચારિત્ર્ય સ્વતંત્ર છે, જ્યારે પ્રતિષ્ઠા એ ઝાડના પડછાયાની જેમ ચારિત્ર્ય ઉપર અવલંબિત છે.
હું આશા રાખું છું કે મારા વાંચક મિત્રો દ્વારા આ લેખને પોતાના ધમાલિયા જીવન વચ્ચે પણ સમય કાઢીને વાંચવા કે વંચાવવામાં આવશે તો પોતાના કે કુટુંબીજનોના ચારિત્ર્યઘડતર માટે ઉપયોગી નીવડશે. આપ સૌ મારા ‘About me’ના પરિચય લેખથી જાણતા જ હશે કે હું વયોવૃદ્ધ વ્યક્તિ છું અને ઈશ્વરકૃપાથી મારા જીવન દરમિયાન છેક મારા યૌવનકાળથી મારાથી મોટી ઉંમરના માણસો સાથેના સહવાસના શોખના કારણે તથા મારા વાંચન અને અનુભવોના ફલસ્વરૂપે માનવીય વર્તણુંક અને જીવનનાં વિવિધ પાસાંનો જે કંઈ અભ્યાસ મારાથી શક્ય બન્યો છે તે આ બ્લોગના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવાનો મારો નમ્ર આશય અને પ્રયત્ન છે.
મારા ભલા સાથીઓ, હવે હું રજા લઉં છું અને ફરી મળીશું.
મારી શુભેચ્છાઓસહ,
વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
Note:-
Translated from English Version titled as “Character and Reputation” published on October 06, 2007.
Like this:
Like Loading...
Related
Tags: લેખ, Essay, Ethics, Inspired knowledge, intuition, life, Reputation, Social
Valibhai Musa
May 22, 2016 at 6:54 am
Reblogged this on માનવધર્મ.
LikeLike